સતામણીના આરોપોમાં અકબરે આપેલું રાજીનામું

749

જાતિય સતામણીના આરોપોનો સામનો કરી રહેલા કેન્દ્રીય વિદેશ રાજ્યમંત્રી એમજે અકબરે આજે રાજીનામુ આપી દીધું હતું. આની સાથે જ તેમના રાજીનામાને લઇને ચાલી રહેલી અટકળોનો અંત આવ્યો હતો. અનેક મહિલાઓ દ્વારા જાતિય સતામણીના તેમના ઉપર આક્ષેપ મુકવામાં આવી ચુક્યા છે. મી ટુ ઝુંબેશ હેઠળ તેમની સામે અનેક મહિલાઓએ આક્ષેપો કર્યા હતા. આ પહેલા રવિવારના દિવસે સત્તાવાર વિદેશ પ્રવાસથી પરત ફરતી વેળા અકબરે નિવેદન જારી કરીને આક્ષેપો ઉપર પોતાનું વલણ સ્પષ્ટ કર્યું હતું. તેઓએ આરોપોને આધારવગરના ગણાવ્યા હતા. સાથે સાથે પોતાના ઇરાદા પણ સ્પષ્ટ કર્યા હતા. અકબરે આરોપ મુકનાર પત્રકાર પ્રિયા રામાણીની સામે દિલ્હીની એક કોર્ટમાં માનહાનિનો કેસ પણ કર્યો છે. બીજી બાજુ પ્રિયા રામાણીએ અકબરના રાજીનામાને લઇને ખુશી વ્યક્ત કર છે. રામાણીએ ટિ્‌વટ કરીને કહ્યું છે કે, એક મહિલા હોવાની રીતે એમજે અકબરના રાજીનામાથી તેમને ખુશી થઇ છે. તેમને આશા છે કે, કોર્ટમાં પણ અમને ન્યાય મળશે. રવિવારના દિવસે વિદેશથી પરત ફરેલા અકબરે પોતાના ઉપર મુકવામાં આવેલા આક્ષેપોને સંપૂર્ણપણે ફગાવી દીધા હતા. જાતિય સતામણીના આક્ષેપો કરનાર પત્રકારો પૈકી એક પ્રિયા રામાણીની સામે સોમવારના દિવસે અપરાધિક માનહાનિનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. બીજી બાજુ પ્રિયા રામાણીના સમર્થનમાં ૨૦ મહિલા પત્રકારો આવી હતી. આ તમામ મહિલા પત્રકારો એશિયન એજ અખબારમાં કામ કરી ચુક છે.

અકબર તરફથી રામાણીને માનહાનિના કેસ અંગે નોટિસ મોકલવા મુદ્દે મહિલા પત્રકારોએ સંયુક્ત નિવેદનમાં રામાણીને ટેકો આપ્યો હતો અને કહ્યું હતું કે, અકબરની સામે તેમના નિવેદનને પણ સાંભળવામાં આવે. આજે મિડિયામાં નિવેદન કરીને અકબરે રાજીનામાની વાત કરી હતી. અકબરે કહ્યું હતું કે, ન્યાય માટે તેઓ વ્યક્તિગતરીતે કોર્ટમાં જઈ ચુક્યા છે જેથી હોદ્દાને છોડીને તેઓ લડત લડવા ઇચ્છુક છે.

વ્યક્તિગતરીતે પડકાર ફેંકવાની બાબત વધારે યોગ્ય છે. વિદેશ રાજ્યમંત્રી તરીકે આજ કારણસર રાજીનામુ આપ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિદેશમંત્રી સુષ્મા સ્વરાજનો આભાર માનતા કહ્યું હતું કે, દેશની સેવા કરવાની તેમને તક આપી હતી તેના માટે તેઓ આભાર માને છે. ટેલિગ્રાફ અને સન્ડે સ્થાપક એડિટર તરીકે રહી ચુકેલા અકબર ૧૯૮૯માં રાજનીતિમાં પ્રવેશ કરતા પહેલા મિડિયામાં એક મોટી હસ્તી તરીકે હતા. કોંગ્રેસની ટિકિટ ઉપર લોકસભાની ચૂંટણીમાં મેદાનમાં ઉતર્યા હતા અને સાંસદ બન્યા હતા. અકબર ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીથી પહેલા ભાજપમાં સામેલ થયા હતા. મધ્યપ્રદેશમાંથી રાજ્યસભા સભ્ય અકબર જુલાઈ ૨૦૧૬માં વિદેશ રાજ્યમંત્રી બન્યા હતા. ત્યારબાદથી વિદેશ રાજ્યમંત્રી તરીકે કામ કરી રહ્યા હતા. ૬૭ વર્ષીય અકબર એશિયન એજના પુર્વ એડિટર તરીકે હતા. સૌથી પહેલા રામાણીએ તેમની સામે આક્ષેપ મુક્યા હતા. ત્યારબાદ ધીમે ધીમે ૧૯ અન્ય મહિલાઓ પણ સપાટી ઉપર આવી હતી. આ ૧૯ મહિલાઓએ અકબર સાથે કામ કર્યું હતું. અકબરની સામે ખુલ્લીરીતે મેદાનમાં આવેલી પત્રકારોમાં ફોર્સ મેગેઝિનના કારોબારી એડિટર ગજાલા વહાબ, અમેરિકી પત્રકાર મજલી ડે અને ઇંગ્લેન્ડની પત્રકાર રુથ ડેવિડનો સમાવેશ થાય છે.

Previous articleપાકિસ્તાનમાં સાત વર્ષની બાળકી સાથે દુષ્કર્મ અને હત્યા કરનાર સીરિયલ કિલરને ફાંસી
Next articleમોદીના માથાવાળા ‘મોંઘવારીના રાવણ’નું કર્યું દહન