તલગાજરડાની આ કથા મારા માટે સ્વપ્ન સમાન છે : પૂજ્ય બાપુ

1635

તલગાજરડા ખાતે ૨૭ ઓક્ટોબર ના રોજ શરૂ થનારી રામકથાના સ્થળની આજે સંધ્યા સમયે પૂજ્ય બાપુએ રૂબરૂ મુલાકાત લીધી હતી. યજમાન હરિભાઈ, દર્શનભાઈ, પરેશભાઇ, બાબુભાઈ રામ તથા અન્ય ભાવકો સાથે કથા સ્થળે પધારેલા બાપુએ તૈયાર થઈ રહેલ ૫૬૦૦૦ શ્રોતાઓ બેસી શકે તેવો વિશાળ કથા મંડપ, બેઠક વ્યવસ્થા, વાહન વ્યવહાર ની અવર જવર માટેની સ્થિતિ, પાર્કિંગ વ્યવસ્થા ૨૫૦૦૦ જેટલા શ્રાવકો એકસાથે પ્રસાદ લઈ શકે એવી ભાઈઓ અને બહેનો માટેની અલગ અલગ ભોજન- વ્યવસ્થા, બંને સ્થાન વચ્ચેનું વિશાળ રસોડું વગેરે તમામ બાબતો નું નિરીક્ષણ કર્યું હતું. બાપુ એ તૈયારીઓ બાબતે પોતાનો રાજીપો વ્યક્ત કર્યો હતો. ત્યારબાદ બાપુ રામકથા કાર્યાલય પર પધાર્યા હતા અને પ્રસન્નતા સાથે જણાવ્યું હતું કે આ કથા તેમના માટે એક સ્વપ્ન સમાન છે. પોતે એક સ્વપ્ન જોઈ રહ્યા છે અને કથા પુર્ણ થયા પછી પણ જાણે આ એક સ્વપ્ન જ હોય એવું લાગશે. ઉલ્લેખનિય છે કે બાપુ પોતાના દાદાગુરુના નામ સાથે જોડાયેલી “માનસ – ત્રિભુવન” નું ગાન કરવાના છે. એ પણ પોતાની જન્મ ભૂમિ કે જ્યાં દાદાજીનું પૂરું જીવન વ્યતિત થયું છે, તે પાવન ધરતી પર થઈ રહ્યું છે. પોતાના જ ગામના શ્રી હરિભાઈ નકૂમ કથાના યજમાન છે. પૂજ્ય બાપુ એ અગાઉ એક વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે “તલગાજરડું મારો પ્રાણ છે… મારે આ કથામાં ગરુડની જેમ ઊડવું છે, પૂષ્પની જેમ ખીલવું છે અને શ્રોતાઓને પ્રસન્ન કરવા છે. હનુમાનજી   નવ નવ દિવસ સહુને આશીર્વાદ આપશે.” ત્યારે આ કથા અદ્ભુત બની રહેશે એવું વ્યાસપીઠ ના શ્રાવકો અનુભવી રહ્યા છે.સહુથી વિશેષ બાબત એ છે કે બાપુ દાદા ગુરુને નિરંતર સ્મરે છે અને કથામાં બહુધા એમનું પ્રકટ સ્મરણ પણ કરે છે, પરંતુ તેમના નામથી જ જોડાયેલી સમગ્ર કથા પ્રથમ વખત થઇ રહી છે. ત્યારે આ કથા અદ્ભુત, અનન્ય અને અનોખી બની રહેશે.

Previous articleશેત્રુંજીના કાંઠે રેતી ખનન કરતા ૧ર શખ્સો મુદ્દામાલ સાથે ઝડપાયા
Next articleપોલીસ પરિવાર દ્વારા શહિદ દિનની ઉજવણી