કાળીયાબીડમાં દબાણ મામલે બબાલ મ્યુ. તંત્ર અને બિલ્ડર આમને-સામને

1542

શહેરના કાળીયાબીડ વિરાણી ચોક ખાતે બિલ્ડર દ્વારા ગેરકાયદે ઉભા કરાયેલા ત્રણ માળના બિલ્ડીંગને તોડી પાડવા ગયેલા મહાપાલિકાના દબાણ હટાવ સેલના કર્મચારીઓ અને બિલ્ડર વચ્ચે જામી પડી હતી અને બન્ને આમને-સામને આવી ગયા હતા અને કામગીરી અધવચ્ચે અટકાવાઈ હતી. બબાલ થતા સીટી ડીવાયએસપી મનિષ ઠાકર સહિત પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.

ભાવનગર મહાપાલિકા દ્વારા દબાણ હટાવ કામગીરીનો ફરીથી પ્રારંભ કરતા આજે સવારે કમિશ્નરની સુચનાથી દબાણ હટાવ સેલના ગોધવાણી બે જેસીબી મશીનો સાથે કાફલાને લઈને કાળીયાબીડ વિરાણી ચોકમાં પ્લોટ નં.સી-ર૪પમાં બિલ્ડર ધીરૂભાઈ ચૌહાણ દ્વારા મહાપાલિકાની મંજુરી વગર ગેરકાયદે બનાવાયેલ ત્રણ માળના બિલ્ડીંગને તોડી પાડવા પહોંચ્યા હતા અને બે જેસીબી વડે શોપીંગ સેન્ટરની દુકાનોના શટરો તેમજ દુકાનોની દિવાલો તોડવાનું કામ શરૂ કર્યુ હતું અને સાત થી આઠ દુકાનોની દિવાલો તોડી પણ નખાઈહતી ત્યાં બિલ્ડર ધીરૂભાઈ ચૌહાણ સહિત પ૦ જેટલા માણસોનું ટોળુ ઘટનાસ્થળે ધસી આવ્યું હતું અને જેસીબીના ચાલકને ધમકાવી ઉતારી દીધેલ અને કામગીરી અટકાવતા ગોધવાણી તથા બિલ્ડર વચ્ચે જોરદાર બોલાચાલી થતા પોલીસને જાણ કરાતા સીટી ડીવાયએસપી મનિષ ઠાકર સહિત પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચતા મામલો હળવો થયો હતો અને બિલ્ડરે કમિશ્નરને મળવાનો સમય માગ્યો ત્યારબાદ નિર્ણય કરવા જણાવતા હાલ પુરતી કામગીરી મોકુફ રાખવામાં આવેલ.

આ અંગે મ્યુ. અધિકારી ગોધવાણીએ જણાવેલ કે, બિલ્ડર દ્વારા ૧૯ દુકાનો સાથેનું ગેરકાયદે બાંધકામ કરવામાં આવી રહ્યું હોવાનું ધ્યાને આવતા ૩ માસ પહેલા બિલ્ડરને નોટીસ આપી કામગીરી ન કરવા મનાઈ હુકમ આપેલ પરંતુ બિલ્ડર દ્વારા બિલ્ડર દ્વારા કામગીરી શરૂ રખાતા ર૬૦/ર મુજબ નોટીસ ફટકારી કમિશ્નરના આદેશથી આજે ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવા ટીમ પહોંચી હોવાનું જણાવ્યું હતું. બિલ્ડર દ્વારા ઉધ્ધતાઈભર્યુ વર્તન કરીને સરકારી કામગીરી અટકાવતા રોષે ભરાયેલા અધિકારી ગોધવાણીએ ફરજમાં રૂકાવટ કર્યાની ફરિયાદ બિલ્ડર વિરૂધ્ધ કરશે તેમ જણાવેલ પરંતુ મોડી સાંજ સુધી હજુ કોઈ ફરિયાદ નોંધાવાઈ ન હોવાનું નિલમબાગ પો.સ્ટે.માંથી જાણવા મળેલ છે.

 

Previous articleલેન્ડ રેકર્ડઝ કચેરીના કર્મચારીઓ દ્વારા અન્યાય સામે આંદોલન શરૂ
Next articleઘોઘાગેટ ચોકમાં આખલાનો આતંક