ગગનયાન પ્રોજેક્ટ માટે ૧૦૦૦૦ કરોડ મંજુર

676

કેન્દ્ર સરકારે મહત્વકાંક્ષી ગગનયાન પ્રોજેક્ટ માટે ૧૦૦૦૦ કરોડ રૂપિયાની રકમ મંજુર કરી દીધી છે. ત્રણ ભારતીયો અંતરિક્ષમાં આ પ્રોજેક્ટના ભાગરુપે સાત દિવસ રહેશે. આ મિશન હેઠળ ત્રણ ભારતીય સભ્યો સાત દિવસ માટે અંતરિક્ષમાં રહીને રોમાંચ માણી શકશે. કેન્દ્રીયમંત્રી રવિશંકર પ્રસાદે આજે કેબિનેટની બેઠકના નિર્ણય અંગે માહિતી આપી હતી. મિડિયા સાથે વાતચીત કરતા રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે, આ યોજનામાં ૧૦૦૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ થશે. અંતરિક્ષ પર માનવ મિશન મોકલનાર ભારત દુનિયામાં ચોથા દેશ તરીકે બની જશે. મોદીએ આ વર્ષે સ્વતંત્રતા દિવસના પ્રસંગે ઐતિહાસિક લાલ કિલ્લા પરથી પોતાના ભાષણમાં ગગનયાન પ્રોજેક્ટની જાહેરાત કરી હતી. મોદીએ કહ્યું હતું કે, આ મિશન ૨૦૨૨ સુધી પૂર્ણ થશે.આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટમાં મદદ માટે ભારતે પહેલાથી રશિયા અને ફ્રાંસ સાથે કરાર કરી દીધો છે. પીએમઓ રાજ્યમંત્રી જીતેન્દ્રસિંહે કહ્યું હતું કે, ઇસરોએ આગામી ત્રણ વર્ષમાં ૫૦થી વધારે મિશનોના લક્ષ્ય માટે રુપરેખા નક્કી કરી છે. તેમણે કહ્યું હતું કે સરકારે અંતરિક્ષ ગતિવિધિઓ માટે બજેટમાં વધારો કર્યો છે. એક પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું હતં કે, ભારતીય અંતરિક અનસંધાન કાર્યક્રમમાં છેલ્લા કેટલાક વર્ષ દરમિયાન અભૂતપૂર્વ સફળતા અને વાણિજ્ય મિશનોના કારણે વધારો થયો છે. અત્રે નોંધનીય છે કે, છેલ્લા થોડાક દિવસ પહેલા જ ઇસરોએ ક્રૂ એસ્કેપ મોડ્યુલ એટલે કે કેપ્સુલનું સફળતાપૂર્વક પરિક્ષણ કર્યું હતું જેને અંતરિક્ષ યાત્રી ફરીથી પોતાની સાથે જઇ શકશે. હકીકતમાં અંતરિક્ષ યાત્રી દુર્ઘટનાની સ્થિતિમાં કેપ્સુલમાં મુસાફરી કરીને પૃથ્વીની પરિભ્રમણ કક્ષામાં સુરક્ષિતરીતે પરત ફરી શકે છે. ઇસરોએ આ મોડ્યુલ પોતાના વિકાસ ઉપર તૈયાર કર્યું છે. થોડાક દિવસ પહેલા જ એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે, ગગનયાનના યાત્રીઓની પસંદગી માટે ઇસરોએ શરૂઆત કરી દીધી છે. આના માટે ઇસરોએ લોકોના મેડિકલ ચેકઅપની સાથે સાથે તેમની સાથે કેટલાક માઇક્રો બાયોલોજિકલ પ્રયોગ થઇ રહ્યા છે. અંતરિક્ષમાં જતા પહેલા દરેક વ્યક્તિના અનેક તબક્કામાં ટેસ્ટ કરવામાં આવે છે.

ગગનયાન પ્રોજેક્ટ માટે પસંદ પામેલા વ્યક્તિની ઓછામાં ઓછા ૧૦ વખત ટેસ્ટ થશે. અધિકારીઓના કહેવા મુજબ ૧૦ પરિબળો નક્કી કરવામાં આવ્યા છે પરંતુ જો જરૂર પડશે તો વધારે ટેસ્ટ કરવામાં આવશે. ઇસરોના વડા કે શિવમ પણ કહી ચુક્યા છે કે, ૨૦૨૨ સુધી ગગનયાન મોકલી શકાશે. આ પહેલા ઇસરો ૨૦૨૦ અને ૨૦૨૧માં બે માનવરહિત મિશન મોકલવાની યોજના ધરાવે છે. ભારતના ખુબ મહત્વકાંક્ષી પ્રોજેક્ટ તરીકે આને ગણવામાં આવે છે.

Previous articleપુલવામાઃ સેનાએ એન્કાઉન્ટરમાં એક આતંકીને ઠાર માર્યો
Next articleજીમ્નાસ્ટીકની સ્પર્ધામાં બ્રોન્ઝ મેડળ મેળવતી નીશા