મોટા દેરાસરની ૨૮૨મી સાલગીરીની શુક્રવારે આસ્થાભેર ઉજવણી કરાશે

1214

ભાવનગર શહેરની મધ્યમાં દરબારગઢ ખાતે આવેલ આદિનાથ જિનાલય મોટા દેરાસરની ૨૮૨મી સાલગીરી પ્રસંગે જૈન સંઘમાં ભારે ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે. પોષ વદ પાંચમ તા.૨૫ને શુક્રવારે જીનાલયની સાલગીરી પ્રસંગે દાદાના શિખરે મંત્રોચ્ચાર સાથે ધ્વજારોહણ થશે. આ ઉપરાંત અઢાર અભિષેક, સ્નાન મહોત્સવ, પ્રભુજીને અંગરચના, સંગીતમય ભક્તિભાવના સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

ભાવનગરમાં જૈન સંઘનું સર્વપ્રથમ એવું આ મોટા દેરાસરનો ઈતિહાસ રોચક છે. પ્રાચીન વાસ્તુશાસ્ત્રના ૧૦૦ ટકા સિધ્ધાંત પર બનાવાયેલું આ ભાવનગરનું સૌથી પ્રાચીન સર્વપ્રથમ જિનાલય છે અને તેમાં પણ આ દેરાસરના મુળનાયક પ્રતિમાજી તો લાખો વર્ષ પ્રાચીન છે. એમ કહેવાય છે કે પૂર્વના સમયમાં આ પ્રતિમાજી શત્રુંજય પર્વત પર બિરાજમાન હતા અને કાળક્રમે મલેચ્છોના આક્રમણથી આ પ્રતિમાજી ઘોઘા બંદરના પીરમબેટમાં સંતાડવામાં આવેલ અને ત્યાંથી મંત્રોચ્ચાર અને વિધિપૂર્વક આ જિનાલયમાં બિરાજમાન કરવામાં આવેલ.

આજે પણ ગામ વિભાગમાં પ્રતિ વર્ષ સાધુ સાધ્વીજી ભંગવંતોના ચાતુર્માસ થાય છે અને ભવ્ય આરાધનાઓ થાય છે. દરરોજ સાંજે પ્રતિક્રમણમાં ભાઈઓ બહેનોની સંખ્યા હોય છે. સંજોગોવસાત ગામ છોડીને સોસાયટી વિસ્તારમાં રહેતા ભાઈઓ-બહેનો માટે ખાસ આસ્થા અને ભક્તિનું કેન્દ્ર બન્યું છે. સવારે ૭ થી ૮ અચુક દાદાના અભિષેક અને પુજા કરવા રોજના ૨૫૦ જેટલા જૈન ભાવિક ભક્તો પધારે છે. દર રવિવાર ગુરૂવાર અને પૂનમના દિવસે ખૂબ ભીડ રહે છે.

ગુરૂ ભગવંત નિર્મળચંદ્રસૂરિશ્વરજી મ.સા., આદિ ભાવનગરમાં બિરાજમાન દરેક સાધુ-સાધ્વીજી ભગવંતોની નિશ્રામાં શુક્રવારે સવારે ૭ કલાકે પ્રભુજીને અભિષેક થશે અને ૮.૨૧ કલાકે દાદાના શિખરે ધજા ચડશે. આ ધજાનું દેશ-વિદેશમાં સોશ્યલ મિડીયા મારફત લાઈવ પ્રસારીત કરવામાં આવશે. આ પ્રસંગે શુક્રવારે બપોરે દાદાસાહેબ ખાતે જૈન સંઘ સ્વામીવાત્સલ્ય રાખેલ છે. સંઘનો લાભ ડો. રમણીકલાલ જેઠાલાલ મહેતા પરિવારે લીધેલ છે. શુક્રવારે રાત્રે ભવ્ય આંગીના દર્શન થશે.

Previous articleબ્રહ્મચર્યએ માત્ર શારીરિકતા સાથે જ નહી માનસીકતા સાથે પણ જોડાયેલુ : વિદ્યુત જોષી
Next articleઆરોગ્ય કર્મીઓએ કાળી પટ્ટી બાંધી