શહેરમાં લોકો તથા તંત્રની બેદરકારીથી ઠેર-ઠેર કચરાના ઢગલા

946
bvn12122017-8.jpg

ભાવનગર શહેરમાં ગંદકી, ગોબરવાડા, કચરાનો પ્રશ્ન કોઈ નવો નથી. પરંતુ ખાસ સમયગાળા દરમિયાન આ પ્રશ્ન વધુ વિકટ બને ત્યારે લોકો માટે શિરદર્દસમી સમસ્યા બને છે. હાલ એક તરફ લગ્નગાળાની સિઝન સાથોસાથ ચૂંટણીના મહાપર્વએ કોઈ કસર નથી છોડી ત્યારે આ બે પ્રસંગોને લઈને ગંદકી કચરામાં નોંધપાત્ર રીતે વૃધ્ધિ થવા સાથોસાથ સમસ્યા જટીલ બની રહી છે. આમ છતાં સત્તાવાળ તંત્ર બેધ્યાન હોય લોકો ભારે રોષ વ્યક્ત કરી રહ્યાં છે. 
ભાવનગર શહેરની અંદર લાંબા સમયથી જાહેર સાફસફાઈ અને કચરો દુર કરવા માટેના જે કોઈ પ્રયત્નો તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યાં છે તે પુરતા નથી અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું સ્વચ્છ ભારત મિશન રાજકિય નેતાઓ માટે સસ્તી પ્રસિધ્ધિ મેળવવા અર્થેનું એક માધ્યમ બનીને રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. શહેરના દરેક નાના-મોટા વોર્ડની અંદર જાહેર સાફસફાઈનો બિલકુલ અભાવ જોવા મળે છે. શેરી-ગલી તેમજ સોસાયટીના નાકે, જાહેર માર્ગો પર ઠેકઠેકાણે મોટી માત્રામાં કચરો એકઠો થયેલો અચુક જોવા મળે છે. ભાવનગર મહાપાલિકાના સાફસફાઈ વિભાગ દ્વારા શહેરને સ્વચ્છ રાખવા માટે ડોર ટુ ડોર ટેમ્પલબેલ વાહનો ઉપરાંત મોટીસંખ્યામાં સફાઈ કર્મચારીઓ રાખ્યા છે. આ ઉપરાંત જાહેર સ્થળો પરથી કચરો ઉપાડવા માટે ટ્રેક્ટર સહિતના વાહનો ઉપલબ્ધ છે. તંત્ર પાસે કાર્ય કરવા માટે તમામ પ્રકારની સવલતો ઉપલબ્ધ હોવા છતાં જવાબદાર અધિકારીઓની બેદરકારી અને આળસુના એદી બનેલા સફાઈ કર્મચારીઓની અકોણાઈના કારણે લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે. આ સમસ્યા શહેરના પછાત વર્ગમાં આજની તારીખે વિકરાળ સમસ્યા સાબીત થઈ રહી છે. સફાઈના મામલે જાગૃત નાગરિકો તેમજ જે-તે એરીયાના સ્થાનિકો દ્વારા નઘરોળ તંત્રના જાડી ચામડી ધરાવતા અધિકારીઓને વારંવાર લેખીત-મૌખિક રજૂઆતો કરવા છતાં કોઈ પરિણામ આવતું નથી અને જે બાબતે લોકો રજૂઆતો કરીને પણ થાક્યા છે. વર્તમાન સમયે લગ્નસરા, આદિ શુભ પ્રસંગો ઉપરાંત ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે. શહેરમાં અનેક જગ્યા ઉપર આવેલ અલગ-અલગ જ્ઞાતિની વાડીઓ, પાર્ટી પ્લોટો, મેરેજ હોલ સહિતની જગ્યાઓ પર મોટા પ્રમાણમાં પ્રસંગોની ઉજવણી ચાલી રહી છે. આ પ્રસંગે યોજાયેલ ભોજન સમારંભ બાદ એકઠા થયેલ એઠવાડ, થર્મોકોલ-પ્લાસ્ટીકના ગ્લાસ, ડીશ સહિતનો કચરો ચોક્કસ જગ્યાએ નિકાલ કરવાના બદલે જાહેર માર્ગો પર ફેંકી દેવામાં આવે છે. એવી જ રીતે રાજકિય અગ્રણીઓ દ્વારા ચૂંટણી માહોલને અનુલક્ષીને કાર્યકરો તથા લોકો માટે ભોજન સમારંભ યોજવામાં આવે છે. આ ભોજન સમારંભ પૂર્ણ થઈ વધેલો કચરો ઉચિત જગ્યાએ નિકાલ કરવાના બદલે મનફાવે ત્યાં છોડી દેવામાં આવે છે. પરિણામે મોટી સમસ્યા સર્જાય છે. જેનું જીવંત ઉદાહરણ શહેરના મોતીબાગ સ્થિત આવેલ અટલબિહારી બાજપાઈ હોલ ખાતે અવારનવાર જમણવાર યોજવામાં આવે છે. ત્યારબાદ યોગ્ય કાળજી સાથે કચરાનો નિકાલ કરવામાં આવતો નથી અને રોડ પર જ ફેંકવામાં આવે છે. પરિણામે આ કચરામાં કોહવાણ થતાં અતિશય દુર્ગંધ સાથે લોકોને માર્ગ પર પસાર થવું પણ મુશ્કેલ બને છે. આજે સરકાર, જાહેર સંસ્થાઓ વધુને વધુ સ્વચ્છતા અભિયાન ઉપર ભાર મુકી રહી છે ત્યારે તેનું પાલન ખુદ રાજકિય પક્ષો જ નથી કરી રહ્યાં. ત્યારે બીજા પાસે અમલવારી કઈ રીતે કરાવી શકાય ? હકિકતે લગ્ન-લગ્નાદી સિઝન દરમિયાન સત્તાવાળ તંત્ર દ્વારા એઠવાડ-કચરાના યોગ્ય નિકાલ માટે ચોક્કસ ગાઈડલાઈન જાહેર કરવી જોઈએ અને જો આવી ગાઈડલાઈન હોય તો તેનું ચુસ્તપણે પાલન કરાવવું જોઈએ. આ નિયમ ભંગ થયે કોઈપણ વ્યક્તિ પર આકરા પગલા લઈ નમુનેદાર સજા કરવી જોઈએ. જેથી કરીને લોકોમાં જાગૃતિ આવે અને સ્વચ્છ ભારત મિશનને વેગ મળે.