ગુમ થયેલ યુવાનની પાણી ભરેલા ખાડામાંથી લાશ મળી

559
bvn12122017-65.jpg

ઘોઘા તાબેના તગડી ગામે રહેતા રજપૂત યુવાન સાત દિવસ પહેલા કોઈને કહ્યા વગર ઘરેથી ચાલ્યા ગયા હતા. જે અંગેની જાણ પરિવારજનોએ ઘોઘા પોલીસને કરી હતી. ગુમ થયેલ યુવાનને પોલીસ અને પરિવારજનો શોધખોળ શરૂ કરતા આજરોજ તગડી ગામના પાણી ભરેલા ખાડામાંથી યુવાનની લાશ મળી આવતા સમગ્ર ગ્રામજનોમાં અરેરાટી સાથે શોક છવાઈ જવા પામ્યો હતો.
પ્રાપ્ત વિગત મુજબ, ઘોઘા તાબેના તગડી ગામે રહેતા મહોબતસિંહ રાઠોડનો પુત્ર પૃથ્વીરાજસિંહ રાઠોડ ઉ.વ.રર ગત તા.૩ના રોજ કોઈને કહ્યા વગર ઘરેથી ચાલ્યો ગયો હતો. બાદ તા.પના રોજ પરિવારજનોએ ઘોઘા પોલીસ મથકમાં ગુમ થયાની નોંધ કરાવી હતી. જે અંગે ઘોઘા પોલીસ અને પરિવારજનોએ પૃથ્વીરાજસિંહની શોધખોળ શરૂ કરી દીધી હતી. જેમાં આજરોજ તગડી ગામે પાણી ભરેલા ખાડામાંથી યુવાનની લાશ મળી આવતા ગામના સરપંચે ઘોઘા પોલીસને જાણ કરતા તુરંત એએસઆઈ એન.બી. ચુડાસમા તથા સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને પાણીમાંથી યુવાનની લાશને બહાર કાઢી જરૂરી કેસ કાગળો કરી લાશને પેનલ પીએમ અર્થે ભાવનગર સર ટી.માં ખસેડાઈ હતી. નાના એવા ગામમાં આ કરૂણ ઘટના બનતા અરેરાટી સાથે શોક છવાઈ ગયો હતો. જ્યારે મૃતકના પરિવારજનોએ હત્યા થઈ હોવાની આશંકા દર્શાવી છે. બનાવ અંગે ઘોઘા પોલીસે એડી દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.