મતદારની સહાયતા હેતુસર આજથી બોટાદ જિલ્લામાં ટોલ ફ્રી નંબરનો થયેલો શુભારંભ

1571

રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી અંતર્ગત કવિ બોટાદકર કોલેજ ખાતે બોટાદ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેકટર સુજીત કુમારના અધ્યક્ષસ્થાને અને જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી હર્ષદ મહેતાની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો.

આ પ્રસંગે જિલ્લા ચૂંટણી અધિકારીએ મતદાતા દિવસનું મહત્વ સમજાવતા જણાવ્યું હતુ કે, મતદારો એ લોકશાહીના આધાર સ્તંભ છે. લોકશાહી શાસન વ્યવસ્થામાં મતદાતા એ લોકતંત્રનો સંરક્ષક છે. આપણી પરંપરા – સંસ્કૃતિમાં જ લોકશાહી વણાયેલી છે. પંચાયતી રાજ પહેલા પણ આપણા ગામડાઓમાં ‘‘પંચો’’ દ્વારા હાથ ધરાતું કાર્ય એ લોકશાહીના પ્રતિબિબરૂપ છે.

આજના દિવસથી બોટાદ જિલ્લાના મતદારોની સહાયતા માટે શરૂ કરવામાં આવેલા ટોલ ફ્રી નંબર ૧૮૦૦ ૨૩૩ ૩૫૨૧ નો ઉલ્લેખ કરી મતદારોને જરૂર જણાયે આ ટોલ ફ્રી નંબરનો ઉપયોગ કરવા અનુરોધ કર્યો હતો. આ કાર્યક્રમમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ડી. એમ. ગોહિલએ નેશનલ વોટર્સ ડે ની વિસ્તૃત વિગતો આપી હતી.

આ ઉપરાંત વયોવૃધ્ધ મતદારો તથા દિવ્યાંગ મતદારોનું સુતરની આંટીથી સન્માન કરવામાં આવ્યું હતુ. જ્યારે નવા નોંધાયેલા યુવા મતદારોને ચૂંટણીકાર્ડ વિતરણ કરવામાં આવ્યા હતા.  આ કાર્યક્રમ પહેલા કવિ બોટાદકર કોલેજ ખાતે  વકૃત્વ સ્પર્ધા – નિબંધ સ્પર્ધાઓ યોજવામાં આવી હતી જેના વિજેતાઓનું પ્રમાણપત્ર તેમજ ઈનામ આપી સન્માન કરાયું હતુ.

Previous articleખેડુતોને આડેધડ ફટાકારાતા પુરવણી બીલ સહિત પ્રશ્ને પીજીવીસીએલને આવેદન અપાયું
Next articleરાષ્ટ્રીય મતદાતા દિવસ મતદારોને પોતાની જવાબદારી યાદ કરાવે છે : કલેકટર પટેલ