વે.ઇન્ડિઝે બીજી ટેસ્ટમાં ઇંગ્લેન્ડને ૧૦ વિકેટે હરાવી સિરીઝ જીતી

656

વેસ્ટ ઈન્ડિઝે બીજી ટેસ્ટમાં ઈંગ્લેન્ડને ૧૦ વિકેટે હરાવીને ૩ મેચોની સિરીઝમાં ૨-૦થી અજેય સરસાઈ મેળવી લીધી છે.

એન્ટીગાના નોર્થ સાઉન્ડ મેદાનમાં ઈંગ્લેન્ડને પ્રથમ ઈનિંગમાં ૧૮૭ રન પર ઓલઆઉટ કર્યા બાદ વેસ્ટઈન્ડિઝ ટીમે ૩૦૬ રન બનાવ્યા હતા. ત્યારબાદ બીજી ઈનિંગમાં પણ ઈંગ્લેન્ડના બેટ્‌સમેનો ફ્લોપ જતા ટીમ ૧૩૨ રન પર ઓલઆઉટ થઈ ગઈ જેનાથી વેસ્ટઈન્ડિઝને માત્ર ૧૪ રનનો લક્ષ્ય મળ્યો હતો.

આ લક્ષ્યને કોઈપણ વિકેટ ગુમાવ્યા વિના વિન્ડિઝ ટીમે ૨.૧ ઓવરમાં હાસિલ કરી લીધો અને ત્રીજા દિવસે મુકાબલો જીતી લીધો હતો.

મેન ઓફ ધ મેચ કેમાર રોચે મેચમાં કુલ ૮ વિકેટ ઝડપી હતી. તેણે પ્રથમ ઈનિંગમાં ૩૦ રન આપીને ચાર જ્યારે બીજી ઈનિંગમાં ૫૨ રન આપીને ચાર સફળતા મેળવી હતી. આ સિવાય જેસન હોલ્ડરે બીજી ઈનિંગમાં ૪૩ રન આપીને ચાર વિકેટ ઝડપી હતી. ઈંગ્લેન્ડ માટે બીજી ઈનિંગમાં સૌથી વધુ રન જોસ બટલર (૨૪)એ બનાવ્યા હતા. ત્રીજા દિવસની શરૂઆત વેસ્ટઈન્ડિઝ ટીમે ૮ વિકેટ પર ૨૯૧ રનથી કરી અને ટીમ ૩૦૬માં ઓલઆઉટ થઈ ગઈ હતી. ત્યારબાદ વેસ્ટ ઈન્ડિઝના બોલરોએ ફરી એકવાર શાનદાર પ્રદર્શન કર્યું અને ઈંગ્લેન્ડને ૪૨.૧ ઓવરમાં ૧૩૨ રને ઓલઆઉટ કરી દીધું હતું. રોચ અને હોલ્જર સિવાય અલ્જારી જોસેફે પણ બે વિકેટ ઝડપી હતી. ક્રેગ બ્રેથવેટ (૫*) અને જોન કૈમ્પબેલ (૧૧*)એ વિન્ડિઝને ૧૦ વિકેટે જીત અપાવી હતી.

Previous articleદાહોદ જિલ્લાના શિક્ષણ અધિકારીએ ફરજીયાત સાડી પહેરવામાંથી છૂટ આપી
Next articleપાટનગરમાં રાજ્યની સૌથી વધુ ઠંડી : તાપમાન ૯ ડિગ્રીએ