સેંજળધામ ખાતે મોરારિબાપુની નિશ્રામાં ત્રિવિધ કાર્યક્રમ યોજાશે

926

ધ્યાનસ્વામીબાપા સમાધી મંદીર, સેંજળધામ  તા સાવરકુંડલા ખાતે પૂજ્ય મોરારીબાપુની નિશ્રામાં આજે ત્રિવિધ કાર્યક્રમ સંપન્ન થશે.પ્રતિ વર્ષ યોજાતા પાટોત્સવની પરંપરામાં પૂ.ધ્યાનસ્વામીબાપા ટ્રસ્ટની સ્થાપના પછીનો ૩૨ મો પાટોત્સવ સમ્પન્ન થશે. એ સાથે જ ૧૯૯૫ થી આરંભાયેલ સમુહ લગ્ન  અંતર્ગત આ વર્ષે ૧૮ મો લગ્નોત્સવ યોજાશે, જેમાં ૫૬ યુગલો લગ્નગ્રંથીથી જોડાશે. જેમાં ૫૧ કન્યાઓ સાધુ સમાજની, ૨ કોળી સમાજની, ૨ વાલ્મીકિ સમાજની અને ૧ મુસ્લીમ સમાજની કન્યાઓ સામેલ છે. નાતજાત કે ઉંચ નીચના ભેદભાવ વગર આ કાર્યક્રમમાં સેંજળ ગામનો કોઇ પણ પરિવાર જોડાઇ શકે છે. વચ્ચે આઠ વર્ષ  સમુહ લગ્ન યોજાયા ન હતા પણ દિકરીઓને કરિયાવર સહાય આપવામાં આવી હતી. એ રીતે જોઈએ તો ટ્રસ્ટ દ્વારા પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સમુહ લગ્નનો આ ૨૫ મો અવસર કહી શકાય. એ જ રીતે કચ્છ – કાઠિયાવાડ – ગુજરાતની દેહાણ જગ્યાઓ કે જે સાધુ સેવા, ગૌ સેવા, સમાજ સેવા અને અન્નક્ષેત્ર દ્વારા ભારતીય સંસ્કૃતિનું જતન અને સંવર્ધન કરી રહી છે તેવી કોઇ એક જગ્યાને પ્રતિ વર્ષ ધ્યાનસ્વામીબાપા એવોર્ડ અર્પણ થાય છે. ૨૦૧૧ થી શરૂ થયેલી આ  શ્રૃંંખલામાં આ પહેલાં આઠ દેહાણ જગ્યાઓની વંદના થઇ છે. ૨૦૧૯ નો નવમો એવોર્ડ આ વખતે ચલાળા દાનબાપુની જગ્યાને અર્પણ કરીને આ સ્થાનની વંદના પૂજ્ય બાપુ દ્વારા કરવામાં આવશે. જેમાં સૂત્રમાલા, શાલ, સ્મૃતિચિન્હ અને રૂ. ૧,૨૫૦૦૦ની ધનરાશિ જગ્યાના ગાદીપતિ પૂજ્ય વલકુબાપુને અર્પણ થશે.આમ, પાટોત્સવની પૂર્ણાહુતિ, સમુહ લગ્ન અને એવોર્ડ અર્પણ ના આ ત્રિવિધ કાર્યક્રમમાં અનેક સંતો, મહંતો, સેંજળ ના ગ્રામજનો અને અન્ય ભાવકો ઉપસ્થિત રહેશે.કાર્યક્રમનું સમાપન પૂજ્ય બાપુના આશિર્વાદક પ્રવચનથી થશે.

Previous articleભાવ. શીપ સ્ક્રેપ મર્ચન્ટ એસો. દ્વારા શહિદોને શ્રધ્ધાંજલી
Next articleઅધેલાઈની હાઈવે હોટલમાંથી ઈંગ્લીશ દારૂ સાથે બે ઝડપાયા