કુલીંગ ડાઉનની પ્રક્રિયા હેઠળ અભિનંદનના ટેસ્ટ જારી

547

પાકિસ્તાનના કબજામાંથી ૬૦ કલાક બાદ છુટીને આવેલા વિંગ કમાન્ડર અભિનંદન વર્થમાનના કુલીંગ ડાઉન પ્રોસેસના ભાગરૂપે શ્રેણીબદ્ધ મેડિકલ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. મેડિકલ ટેસ્ટનો દોર આજે દિવસ દરમિયાન જારી રહ્યો હતો.

શુક્રવારે મોડી રાત્રે અટારી-વાઘા સરહદ મારફતે વિંગ કમાન્ડર અભિનંદનને તમામ પ્રકારની કાયદાકીય પ્રક્રિયા પરિપૂર્ણ કરવામાં આવ્યા બાદ ભારતને સોંપવામાં આવ્યો હતો. ત્યારબાદ તેમને દિલ્હીમાં લઈ જવામાં આવ્યા બાદ જુદા જુદા ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. આજે સવારે અભિનંદન તેમના પરિવારના સભ્યોને મળ્યા હતા. સાથે સાથે ઈન્ડિયન એરફોર્સના કેટલાક ટોપ અધિકારીઓ સાથે પણ બેઠક કરી હતી. વર્થમાનને ગઈકાલે શુક્રવારે મોડી રાત્રે ૧૧.૪૫ વાગે રાષ્ટ્રીય પાટનગર દિલ્હી લાવવામાં આવ્યા હતા. તમામ ત્રણેય સેનાના કર્મચારીઓ માટે ખાસ પ્રકારના મેડિકલ ટેસ્ટ અને અન્ય પ્રક્રિયાઓના ભાગરૂપે અભિનંદનને એરફોર્સ સેન્ટ્રલ મેડિકલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ૨૭મી ફેબ્રુઆરીના દિવસે પાકિસ્તાની સત્તાવાળાઓ દ્વારા અભિનંદનને પકડી લેવામાં આવ્યો હતો. બુધવારના દિવસે પાકિસ્તાની સેનાના યુદ્ધ વિમાનો ભારતીય ક્ષેત્રમાં ઘુસી ગયા હતા. પાકિસ્તાની એરફોર્સના વિમાનો ભારતીય સેનાના સ્થળો ઉપર હુમલા કરવાના ઈરાદા સાથે ઘુસ્યા હતા. તેજ વેળા સાવધાન રહેલા મિગ-૨૧ના કમાન્ડર અભિનંદને મોરચો સંભાળ્યો હતો અને પાકિસ્તાની જેટનો પીછો કર્યો હતો. તે ગાળામાં આકાશમાં જ વિમાનો વચ્ચે જોરદાર સંઘર્ષની સ્થિતિ થઈ હતી. પાકિસ્તાની જેટ સાથે ડોગ ફાઈટ દરમિયાન વિંગ કમાન્ડરે પાકિસ્તાની એરફોર્સના એફ-૧૬ વિમાનને તોડી પાડવામાં સફળ રહ્યા હતા. અલબત્ત તેમનું વિમાન પણ હુમલાના સકંજામાં આવી ગયું હતું પરંતુ તેમનું વિમાન તૂટી પડશે તે અંગેની જાણ થઈ ગયા બાદ અભિનંદન પેરાશૂટ મારફતે કુદી ગયા હતા પરંતુ ખરાબ હવામાન અને પવન હોવાના કારણે અભિનંદન પાકિસ્તાની ક્ષેત્રમાં ઉતર્યા હતા. જ્યાં સ્થાનિક લોકોએ તેમને પકડી લીધા હતા અને ત્યારબાદ પાકિસ્તાની સત્તાવાળાઓ અને સેનાને સોંપી દેવાયા હતા. જ્યાં ૬૦ કલાક સુધી પાકિસ્તાની સેનાના સકંજામાં અભિનંદન રહ્યા હતા.

ભારત સરકાર તરફથી તીવ્ર દબાણ લાવવામાં આવ્યા બાદ અને કોઈપણ પ્રકારની શરત વગર સુપરત કરવા જોરદાર રજુઆત બાદ પાકિસ્તાન માની ગયું હતું અને અંતે અભિનંદનને સોંપવા તૈયાર થયું હતું. અભિનંદન ગઈકાલે મોડી રાત્રે ભારત પરત પહોંચ્યા બાદ તેમને સીધી રાતે મેડિકલ ટેસ્ટ માટે લઈ જવામાં આવ્યા હતા. વર્થમાનના કુલીંગ ડાઉન પ્રક્રિયા હેઠળ જુદા જુદા ટેસ્ટ કરવામાં આવી ચુક્યા છે. એમ માનવામાં આવે છે કે આ ટેસ્ટ આવતીકાલે રવિવાર સુધી જારી રહેશે. એક વખતે હેલ્થ ચેકઅપનો તબક્કો પૂર્ણ થઈ ગયા બાદ તેમના માટે વાતચીતનો સીલસીલો શરૂ થશે. શુક્રવારની રાત્રે તેમને ભારત લવાયા ત્યારે તેમના આંખ ઉપર ઈજાના નિશાન દેખાતા હતા. આ ઉપરાંત પણ તેઓ અસ્વસ્થ દેખાયા હતા. તેમને પકડી લેવામાં આવ્યા બાદ પણ અભિનંદને સાહસનો પરિચય આપ્યો હતો અને પોતાની ફરજના ભાગરૂપે પાકિસ્તાનની સેનાને કોઈ માહિતી આપી ન હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પણ તેમનું સ્વાગત કરવામાં આવ્યું છે. દેશને તેમના સાહસ બદલ ગર્વ છે. અભિનંદનનું સ્વાગત કરતા દેશે કહ્યું છે કે તેના ઉપર અમને ગર્વ છે. ૧૩૦ કરોડ ભારતીયોને અભિનંદન ઉપર ગર્વ હોવાની વાત વડાપ્રધાન મોદીએ કહી છે. ૨૬મી ફેબ્રુઆરીના દિવસે ભારતીય હવાઈ દળે પાકિસ્તાનમાં ઘુસી જઈને આતંકવાદી અડ્ડા પર હુમલા કર્યા બાદ તંગદિલી વધી હતી. ભારતે સીઆરપીએફ કાફલા પર આત્મઘાતી હુમલો કરવામાં આવ્યાના ૧૨ દિવસ બાદ પાકિસ્તાનમાં હુમલો કર્યો હતો અને કેમ્પોને ફુંકી મારવામાં આવ્યા હતા.

Previous articleસંરક્ષણ મંત્રી નિર્મલા સીતારામન વિંગ કમાન્ડર અભિનંદનને મળવા ગયા
Next articleઓગણીસમી સદીના આરંભે સંપાદિત એક ઐતિહાસિક ગ્રંથ : વચનામૃત