શપથવિધિ સમારોહને લઇ જબરદસ્ત તૈયારી

1015
guj25122017-9.jpg

ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૧૭માં ફરી એકવાર સત્તા જાળવી રાખવામાં સફળ થયેલી ભાજપની નવી સરકારનો શપથવિધિ સમારોહ તા.૨૬મી ડિસેમ્બરના રોજ સવારે ૧૧-૦૦ વાગ્યે ગાંધીનગરના નવા સચિવાલય ગ્રાઉન્ડ ખાતે યોજાનાર છે ત્યારે આ શપથવિધિ સમારોહને લઇ તડામાર અને જબરદસ્ત તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. સેંકડો કારીગરો અને મજૂરો વિશાળ શામિયાણો, મંડપ, સ્ટેજ, બેઠક વ્યવસ્થા સહિતના કામોમાં લાગી ગયા છે. તો પાર્કિંગ માટેની પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. ભાજપ સરકારના શપથવિધિ સમારોહમાં કોઇ કસર ના રહી જાય તેનું ભાજપ દ્વારા ખાસ પ્લાનીંગ કરવામાં આવ્યું છે. ભાજપ સરકારના આ શપથવિધિ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સહિતના દિગ્ગજ નેતાઓની હાજરી નોંધનીય બની રહેવાની છે તો, દેશના ભાજપ શાસિત ૧૮ રાજયોના મુખ્યમંત્રી, પ્રધાનો સહિતના મહાનુભાવોને ખાસ આમંત્રણ આપવામાં આવ્યું છે. આ સિવાય ૨૦૦ જેટલા ધર્મગુરૂઓ પણ 
સમારોહની શોભ વધારવા ખાસ હાજરી આપનાર છે. ધર્મગુરૂઓ માટે ખાસ અલગ સ્ટેજ બનાવવામાં આવશે. નોંધનીય છે કે, ગુજરાતમાં સતત છઠ્ઠીવાર સરકાર રચીને વિક્રમ સર્જી રહેલી ભાજપ દ્વારા તેના આ શપથવિધિ સમારોહના ઓઠા હેઠળ એક પ્રકારે તેનું જોરદાર શકિત પ્રદર્શન પણ બતાવવાનું આયોજન કરાયું છે. બીજીબાજુ, ભાજપ સરકારના શપથવિધિ સમારોહ અને નવા પ્રધાનમંડળમાં કોને કોને સમાવવા સહિતના મુદ્દાઓને લઇ આજે ગાંધીનગર સ્થિતિ ભાજપના કમલમ કાર્યાલય ખાતે ભાજપના નેતાઓ, પ્રધાનો સહિતના આગેવાનોની બેઠકોનો દોર ચાલ્યો હતો. જેમાં પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી, પ્રદીપસિંહ જાડેજા, કૌશિક પટેલ, આઇ.કે.જાડેજા સહિતના નેતાઓ અને અગ્રણીઓ હાજર રહ્યા હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ બેઠક યોજી તૈયારીઓનો તાગ મેળવ્યો હતો.
બીજીબાજુ, નવા સચિવાલય ગ્રાઉન્ડ ખાતે દિવસ-રાત સતત અને જોરદાર તડામાર તૈયારીઓ ચાલી રહી છે, સેંકડો મજૂરો-કારીગરો કામે લાગ્યા છે. શપથવિધિ સમારોહમાં આવનાર વીઆઇપી અને વીવીઆઇપી મહાનુભાવોને કોઇ તકલીફ ના પડે અને સમારોહમાં કોઇપણ પ્રકારની કસર ના રહી જાય તેની ખાસ સૂચનાઓ આપવામાં આવી છે. ભાજપના આ ભવ્ય શપથવિધિ સમારોહમાં ગુજરાતભરમાંથી ભાજપના નેતાઓ અને આગેવાનો ઉપરાંત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગોવા સહિતની દેશના ૧૮ રાજયોની ભાજપ શાસિત સરકારમાંથી મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, ઉદ્યોગપતિઓ સહિતના દિગ્ગજ રાષ્ટ્રીય નેતાઓ અને મહાનુભાવો ખાસ હાજરી આપનાર છે તો, ભાજપ સરકારના શપથવિધિ સમારોહમાં ૨૦૦ જેટલા ધર્મગુરૂઓ પણ ખાસ હાજરી આપનાર છે. આ તમામ ધર્મગુરૂઓ માટે ખાસ પ્રકારની બેઠક વ્યવસ્થા અને અલગથી ખાસ સ્ટેજ તૈયાર કરવામાં આવ્યું છે. 

Previous articleસઘન સલામતી વચ્ચે આજથી કાંકરિયા કાર્નિવલનો શુભારંભ
Next articleક્રિસમસ પૂર્વે દેવળોમાં ઝગમગાટ…