સંવેદનાની સરિતા સત્યના પૂજારીને નિર્મળ રાખે છે

959

તમે વચન પાલક રાજા હરિશ્ચંદ્રનું નામ તો સાંભળ્યું જ હશે. તે પ્રજાવત્સલ રાજા હતો, એટલું જ નહિ પણ તેણે જે ખાતરી આપી હોય તેને તેઓ પ્રાણના ભોગે નિભાવતા. એટલે તે એક લોકપ્રિય રાજા પૂરવાર થયો હતો. રાજા સત્યવાદી હોવાથી આજે પણ આપણે સત્યના આગ્રહી લોકો માટે ‘સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર’ ના નામે તુલના કરી, તેને નવાજીએ છીએ. જો કે લોકો આ શબ્દનો ઉપયોગ ટીકાના ભાવથી વધુ કરતાં જોવા મળે છે. રાજા હરિશ્ચંદ્ર એવો તો સત્યવાદી હતો કે એકવાર તેના મુખમાંથી ભૂલથી પણ કોઈ વચન નીકળી ગયું હોય, તો તેનું તેઓ અવશ્ય પાલન કરતા. તેમના દિલમાં ભારોભાર સંવેદના ભરેલી હતી. એક વખત કળિયુગ રાજા ઇંદ્રના ઇશારે અચાનક રાજમાં પધારી, રાજાની પરીક્ષા લેવા બ્રાહ્મણનો વેશ ધારણ કરી રાજા હરિશ્ચંદ્રનું કોઈ કપરું કાર્ય પાર પાડી આપે છે. બદલામાં રાજા હરિશ્ચંદ્ર વચન માંગવા બ્રાહ્મણને કહે છે. કપટી કળિયુગ મોકાનો લાભ લઈ કહે છેઃ ‘રાજન હમણા નહિ હું મારી મુશ્કેલીના સમયમાં તમારી પાસે આવીશ. રાજન, તમે જો મારી પર ખરેખર પ્રસન્ન થઈને મને કશુક આપવા તૈયાર થયા હોવ તો જ્યારે હું વચન માંગવા આવું ત્યારે કોઈ જાતની આનાકાની કર્યા વિના હું જે માંગણી કરું તે આપવા તૈયાર હોવ, તો જ હે રાજન, વચન આપજો. આ ગરીબ બ્રાહ્મણનું અપમાન કરી દુઃખી કરશો નહિ.’ રાજા હરિશ્ચંદ્ર સાંભળી બ્રાહ્મણને કહે છેઃ ‘હે બ્રહ્મદેવ, તમે જે ઇચ્છો તે માગી શકો છો. રાજા હરિશ્ચંદ્ર કદી તેની કોઈ સંપત્તિ કે વૈભવને મોહયો નથી.’ રાજાની ખાતરીભરી વાણી સાંભળી બ્રાહ્મણ ચાલતો થયો. કળિયુગ હર્ષનાદ સાથે આગળ વધતા વિચારવા લાગે છે. રાજા જાતે જાળમાં ફસાયો છે. તેમા મારો શો દોષ? પોતાનું રાજ તો ગુમાવશે, પત્ની અને પુત્રવિહોણો પણ થશે. જંગલમાં પેટ ભરવા હરણની માફક દોડશે, ચંડાળની ચોકી કરશે, સ્ત્રી હત્યાનું પાપ કરવા મજબૂર થશે. આ બધું જ પોતાના આપેલા વચનના કારણે ભોગવશે. સત્યવાદી રાજાના બિરુદ મફતમાં ઓછા મળે છે? કળિયુગ આમ વિચારતા-વિચારતા એક પછી એક ડગ માંડી રહ્યો હતો. રસ્તામાં કોઈ એક ઋષિનો ભેટો તેને થાય છે. ઋષિ પણ રાજા હરિશ્ચંદ્રની વાતને સમર્થન આપતા કળિયુગને કહે છેઃ ‘હે કળિકાળના રાજન, મારી વાત તું સાંભળી લે. રાજા હરિશ્ચંદ્ર જે વચન આપશે તેના પર તેઓ જરૂર અડગ રહી, તેના કહ્યા મુજબ આપી શકે તેવું પોતાનું સામર્થ્ય ધરાવે છે તેથી તેની પરીક્ષા કરવી અયોગ્ય છે.’ આ સાંભળી કળિયુગ આગળ ચાલી નીકળે છે. ઋષિ સાથે થયેલા સંવાદનાં કારણે રાજા હરિશ્ચંદ્રની કપરી કસોટી કરવા યોજના ઘડી કાઢે છે. આ તરફ સત્યવાદી રાજા દીન-દુખિયા લોકોને દાન પુણ્ય કરવા રાજમાં ઢંઢેરો પીટી, ગરીબ અને પીડિતોને નિમંત્રણ આપી પોતાના રાજ દરબારમાં સમયસર હાજર રહેવા કેણ મોકલે છે. સભામાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી આજે જાણે પોતાના દુઃખોને પાણીમાં જેમ મીઠું પીગળે, તેમ પોતાની ગરીબીનું દર્દ મીટાવવા રાજા હરિશ્ચંદ્રની સભામાં આવ્યા હતા. તેમા કળિયુગ પણ ગરીબ બ્રાહ્મણનો વેશ ધારણ કરી આવ્યો હતો. એક પંડિત આવી સત્યવાદી રાજાને પ્રણામ કરી પાય લાગી કહે છેઃ ‘રાજા હરિશ્ચંદ્રનો જય હો… આપની કીર્તિ મૃત્યુલોકના સીમાડા વટાવી ઇંદ્રલોક સુધી પહોંચી છે. રાજન તમારી સાથે મોટું કપટ રાજા ઇંદ્રના ઇશારે ખેલાવા જઈ રહ્યું છે. માટે હું આપને; હે રાજન… ચેતવવા આવ્યો છું, તમારી પાસે જે કોઈ ભિક્ષા માગવા આવે તેને ચકાસી તમારે જે આપવું હોય તે આપજો. આપ મારી વાત નહિ માનો તો મોટો અનર્થ થશે. હે રાજન, તમે બરબાદ થઈ જશો.’ સભામાં સન્નાટો છવાઈ ગયો. રાજા પંડિતની કોઈ વાત સાંભળ્યા વિના આવેલાં લોકોને સોનામહોર વહેંચી રહ્યા હતા. ગરીબ બ્રાહ્મણનો વારો આવતા રાજાનો માણસ તેને રાજા પાસે ભેટ સ્વીકારવા લઈ આવે છે. રાજા આવેલા બ્રાહ્મણને ભેટ આપવા હાથ લંબાવે છે. લંબાયેલો હાથ જોઈ બ્રાહ્મણ બોલે છેઃ ‘રાજા હું આજે ભીખ માગવા નથી આવ્યો. હું, તો મારું લેણું વસૂલ કરવા આવ્યો છું.’ સભામાં બેઠેલાં પંડિતો, પ્રધાન, સેનાપતિઓ અને કલાકારો અવાક્‌ બની સાંભળતા રહી ગયા. રાજાને લેણું શી રીતે ભરવાની આ માણસ વાત કરે છે! આ ભિખારીનું મગજ તો ઠેકાણે છે ને? સભામાં કોલાહલ શાંત થતાં પેલાં માણસે કહ્યું : ‘તમે મને વચન આપ્યું હતું કે હું જે માંગું તે આપ મને હું જ્યારે ભીડમાં હોઉં ત્યારે કોઈ પણ જાતની આનાકાની કર્યા વિના, હું જે માંગણી કરું તે મને આપશો.’ હું આપના સમગ્ર રાજનો કબજો માંગું છું. ભારે ધમાલ અને હોહા થઈ ગઈ. રાજાના હુકમથી થોડીવારમાં શાંતિ છવાઈ ગઈ. રાજા હરિશ્ચંદ્રએ રાજપાટ અને સઘળી સંપત્તિનો કબજો આવેલ ગરીબ બ્રાહ્મણના હવાલે કરતા, બ્રાહ્મણએ રાજ સિંહાસને બિરાજમાન થઈ રાજાને રાજની હદ સત્વરે છોડી નીકળી જવા હુકમ કર્યો. એટલું નહિ… રાજની સઘળી સંપત્તિનો ત્યાગ કરી રાજના હવાલે કરવા આદેશ કર્યો. રાજા હરિશ્ચંદ્રએ તેના વચન મુજબ રાજપાટ અને સઘળી સંપત્તિ બ્રાહ્મણના હવાલે કરી વન તરફ પ્રયાણ કર્યું.

સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર, રાણી તારામતી અને પુત્ર રોહિત ઘોર જંગલમાં ખુલ્લા પગે જઈ રહ્યા હતા. રોહિતને તરસ લાગતા ગળામાં સોસ પડવા લાગ્યો. ‘પાણી… પાણી…’ કરતાં તે મૂર્ચ્છિત થઈ ગયો. મહામહેનતે બે પાવળા રોહિત માટે પાણી મળ્યું. પાણી પીવાથી રોહિતમાં ચેતન આવ્યું. રાજા હરિશ્ચંદ્રના સંવેદના ભરેલા વ્યવહારના કારણે કળિયુગની કપરી કસોટીમાં રાજા હરિશ્ચંદ્રનો પરિવાર સાંગોપાંગ પાર ઉતર્યો, પત્ની, પુત્ર અને પોતે પણ વેચાઈ આપેલા વાયદા મુજબનું વચન પાળી શક્યા. તેમની આ સફળતા માત્ર સંવેદનાની સરિતાના વહેતા નિર્મળ નીરના આભારી કહી શકાય.

મહાત્મા ગાંધીજીના જીવનનો અભ્યાસ કરીએ. તો આપણને અનેક એવા ઉદાહરણો મળી આવે છે. જેમા ગાંધીબાપુ અન્યાયના કારણે પીડા સહન કરતા લોકો માટે પોતાનું સર્વસ્વ અર્પણ કરી દિવસો સુધી ઉપવાસ, મહિનાઓ સુધી જેલવાસ પણ ભોગવ્યો હતો. અન્યાયનો ભોગ બનનાર લોકોના કલ્યાણ ખાતર કામ કરવા કમરકસી, વર્ષો સુધી લડત આપી, વિજયની વરમાળા તેમણે લોકોને સંવેદનાનાં સેતુ વડે પહેરાવી હતી. સંવેદનાનો સેતુ એવો તો શક્તિશાળી છે. જેના વડે ઘોર અંધકાર વચ્ચે પોતાની જીવનરૂપી નાવને તોફાની સંસારસાગરમાં પાર ઉતારવા હિંમતનાં હલેસા લગાવી, મોક્ષના માર્ગે આગળ ધપતિ રાખવા ઊર્જા મળે છે.

સંવેદનારૂપી ઊર્જાના માધ્યમથી વ્યક્તિનાં ચારિત્રને પરમકૃપાળુ પરમાત્મા રક્ષણ આપે છે. મહાત્મા ગાંધીનું અનેક વેળાએ ઇશ્વરે આબાદ રીતે રક્ષણ કરી, તેના ચારિત્રનું જતન તેના જ અંતરાત્માના અવાજે કર્યું હોવાનું આપણને જાણવા મળે છે. તેથી એમ કહી શકાયઃ ‘જેને રામ રાખે તેને કોણ ચાખે?’ જેના હૃદયમાં સંવેદનાની ઊર્જા સ્વરૂપે ભગવાન રાજ કરતાં હોય તેના શીલને શી રીતે ખંડિત કરી હાનિ પહોંચાડી શકાય? જેના દિલમાં એક વખત સંવેદના જાગે છે તે પૃથ્વી પર પણ સ્વર્ગની અનુભૂતિ કરવા લાગે છે. રાજા હરિશ્ચંદ્ર અને તારામતિ જંગલમાં વિખૂટા પડી ભટકી રહ્યાં હતાં. ત્યારે તેના અસ્તિત્વનું રક્ષણ તેમણે મેળવેલી જીવનપર્યંત સંવેદનાની મૂડી વડે થઈ રહ્યું હતું. કોઈની વેદનાને પોતિકી જાણી તેના કલ્યાણ માટે યત્નશીલ બની, જગતમાં કાર્ય કરી વહેતી અમૃતમય સંવેદનાનો કોઈ પણ વ્યક્તિ માનવતાના મૂલકમાં ધની બની હેતાળી હૈયાની ધરતી પર રાજ કરી શકે છે.

અમદાવાદમાં સાબરમતિ આશ્રમમાં ગાંધીજી જ્યારે દેશની આઝાદી માટે ચળવળ ચલાવી રહ્યા હતા. ત્યારે એક અંત્યોદય કુટુંબને આશ્રમમાં રાખવા ઠક્કર બાપાની ભલામણ આવી હતી. જો આ કુટુંબને રાખે તો બાપુને અનેક વિરોધનો સામનો કરવો પડે તેમ હતું. તેમ છતાં તેમણે આ અંત્યોદય પરિવારને સ્થાન આપી, આશ્રમની શોભાની ગરિમા વધારી હતી. આમાં પણ બાપુની સંવેદનાના જ દર્શન થાય છે. આવી સંવેદના દરેક વ્યક્તિ પામી શકતો નથી. તેનું કારણ તેને તેના પરિવાર સમાજ કે શાળા-કૉલેજમાંથી મળેલા સંસ્કાર ગણી શકાય. આર્યોની સંસ્કૃતિમાં એટલા માટે જ ગર્ભધાનથી શરૂ કરી વ્યક્તિના મૃત્યુ સુધીના સમયને આવરી લઈ. સંસ્કારવિધીને કુલ સોળ વિભાગમાં વહેંચવામાં આવી છે. આમ તો જીવાત્મા પોતાની જીવનયાત્રા દરમિયાન પોતે મેળવેલી સંવેદનારૂપી પુંજી વડે પ્રત્યેક જન્મોજન્મ યાત્રામાર્ગમાં આવતા અંતરાયોને ખાળી જે તે જન્મમાં પોતાની જીવનયાત્રા આગળ ને આગળ ધપાવવા શક્તિમાન બને છે. સંસ્કાર વિના વ્યક્તિ સંવેદના પામતો નથી. તેથી દરેક માતા-પિતાએ પોતાના સંતાનોને માલ-મિલકત કે મોટું બૅંક બેલેન્સ દેવાની ચિંતા કરવાના બદલે તેને સોળ ઉત્તમ સંસ્કારનું ભાથું આપીને જવું જોઈએ. જો તમે સારા સંસ્કાર તમારા બાળકોને નહિ આપો તો ખોટા અને ખરાબ સંસ્કાર આપમેળે પડવાના જ છે. જે રીતે ઝાડ પરથી ફળ જો તમે ન ઉતારો તો આપમેળે જ અમૂક સમયે નીચે ખરી પડે છે. તેમ અહીં ગુરુત્વાકર્ષણનો નિયમ લાગુ પડે છે એટલે કે, તમે જો સારા સંસ્કાર આપવામાં જરા પણ મોડું કરશો તો ખરાબ સંસ્કાર બાળકનાં મન પર કબજો જમાવા લાગે છે. બાળક શાળામાં ભણવા જાય છે ત્યારે તો ખરેખર ઘણુ મોડું થઈ ગયું હોય છે. પછી શાળાનાં શિક્ષકો તેમાં જોઈએ તેવો સુધારો કરી શકે નહિ. પણ જો માતા-પિતા પોતે ઇચ્છે તો તેના સંતાનોને સંસ્કારી બનાવી શકે છે. આ માટે દરેક માતા-પિતાએ સંતાનોના સંસ્કારવિધીનો પ્રારંભ ગર્ભધાન પહેલા જ કરી દેવો જોઈએ. આનો આરંભ તેમણે ગર્ભધાન થતાં પહેલા જ સંસ્કારી આત્માને ગર્ભમાં બોલાવા ઘરમાં આધ્યાત્મિક વાતાવરણ ઊભુ થાય તે માટે જે ધર્મમાં શ્રદ્ધા હોય તે મુજબ પૂજાવિધિ કે પ્રાર્થના વડે વાતાવરણને મંગળમય રાખવું જોઈએ. તેઓ જેવા સંતાનની ઇચ્છા રાખતા હોય તેવા સંસ્કારી સંતાનની છબી મનમાં તૈયાર કરી તેમાં સંસ્કારી આત્મા પ્રવેશી રહ્યો છે તેવું મનન પતિ-પત્નીએ સાથે મળી કરવાથી આવા યુગલને એક સંસ્કારી સંતાન પ્રાપ્ત થાય છે. સંવેદનાની ઊર્જા અંતરિક્ષમાં વિહરતા આત્માની પરખ કરી યોગ્ય સંસ્કારી આત્માને પસંદગી અનુસાર બોલાવી શકે છે. જે માતા-પિતા પસંદગી મુજબ સંસ્કારી સંતાનો મેળવી તેનો યગ્ય રીતે ઉછેર કરી શક્યા છે. તેવા પ્રત્યેક સંતાનોએ પોતાના માતા-પિતાનું દુનિયામાં નામ રોશન કર્યું છે. ઉદાહરણ તરીકે જોઈએ તો શિવાજી મહારાજ, મહાત્મા ગાંધી, સરોજિની નાયડુ જેવા અનેક દાખલાઓ આપી શકાય છે. એટલે જ આપણે કહી શકીએ છીએ કે સંવેદનાની સરિતા સત્યના પૂજારીને નિર્મળ રાખે છે.

Previous articleમોદીના ગઢ ગુજરાતમાં કોંગ્રેસનું આજે ‘શક્તિ પ્રદર્શન’
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે