યુપીમાં છેલ્લા બે વર્ષમાં તોફાનનો એક પણ બનાવ નહીંઃ યોગી આદિત્યનાથ

443

ઉત્તર પ્રદેશમાં યોગી સરકારને ૨ વર્ષ પૂરા થઇ ગયા છે. આ પ્રસંગે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મંગળવારે પ્રેસ કોન્ફરન્સ બોલાવી પોતાની સરકારની સફળતાઓ ગણાવી હતી. સીએમ યોગીએ કહ્યું કે, છેલ્લા બે વર્ષમાં તેમના કાર્યકાળ દરમિયાન ઉત્તર પ્રદેશમાં એક પણ તોફાન થયા નથી. અમારી સરકારે છેલ્લા ૧૦ વર્ષથી વધુ કામ કર્યું છે. અમારી સરકારે ખેડૂતોનું દેવું પણ માફ કર્યું છે. સીએમ યોગીએ આ દરમિયાન કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટી પર નિશાન સાધ્યું હતું.

તેમણે કહ્યું કે, કોંગ્રેસે આઝાદી પછી પ્રદેશમાં સૌથી વધુ શાસન કર્યું. કોંગ્રેસના શાસનમાં યુપી બીમાર રાજ્ય હતું. ૧૯૯૦ બાદ સપા-બસપાનું શાસન રહ્યું. તે દરમિયાન પ્રદેશમાં અરાજકતા, હત્યા, લૂંટ, તોફાનો થતાં હતાં. અમારી સરકાર બની ત્યારે ખેડૂતો દેવામાં દબાયેલા હતા. પરંતુ અમારી સરકારે તેમનું દેવું માફ કર્યું. અમે ૨૪ મહિનામાં પ્રદેશની તસવીર બદલવાનો પ્રયાસ કર્યો.

સીએમ યોગીએ કહ્યું કે, ’પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ’ દ્વારા પીએમ મોદીએ ખેડૂતોનું સન્માન કરવાનું કામ કર્યું છે. તેનાથી ખેડૂતોનું જીવન ધોરણ વધ્યું. પ્રદેશના ૨ કરોડ ૧૪ લાખ ખેડૂતોનો લાભ મળ્યો છે. પ્રદેશમાં પહેલાં વચેટિયા સક્રિય હતા. પરંતુ અમારી સરકારે તેમને દૂર કરવાનું કામ કર્યું છે. અમારી સરકારે રિકોર્ડ બ્રેક ઘઉં અને ડાંગર ખરીદવાનું કામ કર્યું છે. અમે બધા આભારી છીએ કે ખેડૂતો માટે નરેન્દ્ર મોદીએ એમએસપી આપવા માટે જોગવાઇ કરી.

સીએમ યોગીએ કહ્યું કે, છેલ્લા બે વર્ષમાં એક પણ તોફાન થયા નથી. આજે અમને ખુશી થઇ રહી છે કે, આ એ પ્રદેશ છે જેની ઓળખ તોફાનોથી થતી હતી. અમે ૨૪ મહિનાના કાર્યકાળ દરમિયાન તેની ઓળખ બદલવાનું કામ કર્યું છે.

સીએમ યોગીએ કહ્યું કે, હવે ઉત્તર પ્રદેશમાં રોકાણ થઇ રહ્યું છે. ૨ વર્ષમાં જે રોકાણ થયું છે તે ૧૦ વર્ષમાં થયું નથી. રોકાણ થવાને લીધે યુવાનોને રોજગાર મળી રહ્યું છે. ૧૫ લાખથી વધુ યુવાનોને રોજગાર અપાવવામાં અમે સફળ રહ્યાં છે. અમારી સરકારે ૬૮ વર્ષ બાદ ઉત્તર પ્રદેશ સ્થાપના દિવસ મનાવવાનું શરૂ કર્યું.

Previous articleમાયાવતીનો પીએમ મોદીને ટોણોઃ પહેલા ચાવાળો અને હવે ચોકીદાર, દેશ બદલાઈ રહ્યો છે
Next articleગોવાનાં નવા મુખ્યમંત્રી પ્રમોદ સાવંતએ લીધા શપથ