ભારત અંતરિક્ષ મહાશક્તિ તરીકે ઉભર્યું

525

યુદ્ધ ક્ષેત્રમાં ફેરવાઇ ચુકેલા અંતરિક્ષમાં દુનિયાની સાથે કદમતાલ મેળવવા માટે ભારતે આજે મિશન શક્તિ મારફતે અંતરિક્ષમાં એક લાઈવ સેટેલાઇટને તોડી પાડવામાં સફળતા મેળવી હતી. આની સાથે જ આ સિદ્ધિ હાસલ કરનાર ભારત દુનિયામાં ચાર દેશોની યાદીમાં જોડાઈ ગયું હતું. આ પ્રકારની સિદ્ધિ માત્ર ત્રણ દેશો જ મેળવી શક્યા છે જેમાં અમેરિકા, રશિયા અને ચીનનો સમાવેશ થાય છે. હવે ભારત પણ દુનિયામાં અંતરિક્ષ મહાશક્તિ તરીકે પોતાની નોંધણી કરાવવામાં સફળ રહ્યું છે. ભારતે આ સિદ્ધિ હાંસલ કરી લીધી છે. અંતરિક્ષમાં સેટેલાઇટને તોડી પાડવામાં સક્ષમ રહેલા દેશોની યાદીમાં ભારત જોડાઈ ગયું છે. ભારતે આ પરીક્ષણ એવા સમયે કર્યું છે ત્યારે ચીન સતત અંતરિક્ષમાં પોતાની તાકાતમાં વધારો કરી રહ્યું છે. આ સેટેલાઇટ કિલર મિસાઇલના મહત્વનો અંદાજ આનાથી લગાવી શકાય છે કે, આની ઘોષણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતે કરી છે. મોદીએ આજે રાષ્ટ્રના નામ સંબોધન કરતા કહ્યું હતું કે, ભારતે આ અભૂતપૂર્વ સિદ્ધિ હાંસલ કરી લીધી છે. ભારત હવે દુનિયામાં અંતરિક્ષ મહાસત્તા બની ગયું છે. મોદીએ કહ્યું હતું કે, આજના દિવસે અમારા વૈજ્ઞાનિકોએ ૩૦૦ કિલોમીટર દૂર લો અર્થ ઓરબીટમાં એક સેટેલાઇટને તોડ પાડ્યું છે. આ ઓપરેશન માત્ર ત્રણ મિનિટમાં પાર પાડવામાં આવ્યું હતું.

મિશન શક્તિના નામથી આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ ઓપરેશન ખુબ જ મુશ્કેલ હતું તેમાં ખુબ જ ઉચ્ચ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. વૈજ્ઞાનિકોએ તમામ નિર્ધારિત લક્ષ્ય હાંસલ કરી લીધા છે. જો કે, ભારતને આના કારણે જુદા જુદા દેશોની નારાજગીનો સામનો કરવો પડી શકે છે. જો કે, મોદીએ કહ્યું હતું કે, માત્ર સુરક્ષાના હેતુસર આ પરીક્ષણ કરવામાં આવ્યું છે. ભારતે આ ક્ષમતા વર્ષ ૨૦૧૨માં હાંસલ કરી લીધી હતી. તે વખતે અગ્નિ-૫નું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. જો કે, રાજકીય ઇચ્છા શક્તિના કારણે આને મંજુરી આપવામાં આવી ન હતી. વર્ષ ૨૦૦૭ના ચીનના એક સેટેલાઇટને તોડી પાડવામાં આવ્યા બાદ ભારત ઉપર દબાણ વધી ગયું હતું. ભારત આ ક્ષમતાને હાંસલ કરવા સતત પ્રયાસ કરી રહ્યું હતું. ભારતે મિશન શક્તિ કોડમેન મારફતે આ મિસાઇલનું બાલાસોરમાંથી પરીક્ષણ કર્યું હતું. વર્ષ ૨૦૦૭માં અંતરિક્ષમાં એક સેટેલાઇટને તોડી પાડવામાં આવ્યા બાદ ચીને હવે એટલી ક્ષમતા હાંસલ કરી છે કે તે અંતરિક્ષમાં કોઇપણ મિસાઇલને તોડી પાડવામાં સક્ષમ છે. ચીને સેટેલાઇટને અંધ કરી દેવાની ક્ષમતા પણ હાંસલ કરી લીધી છે. આનાથી ચીનના ક્ષેત્રોમાં વિદેશી સેટેલાઇટો નજર રાખી શકશે નહીં. યુદ્ધના સમયે ચીનને આના કારણે લીડ મળી શકે છે. આ ઘટનાને ધ્યાનમાં લઇને ભારતે આ મિસાઇલ સિસ્ટમનું પરીક્ષણ કર્યું છે. સંરક્ષણ નિષ્ણાતોના કહેવા મુજબ આ ખુબ જ અભૂતપૂર્વ સફળતા ભારતે હાંસલ કરી છે. અંતરિક્ષ વૈજ્ઞાનિક અજય લેલેના કહેવા મુજબ ભારતના સેટેલાઇટ કાર્યક્રમ અભૂતપૂર્વ સિદ્ધિ હાંસલ કરી રહ્યા છે. તેમના કહેવા મુજબ જે સેટેલાઇટને તોડી પાડવામાં આવ્યું છે તે સેટેલાઇટ ભારતનું જ હોઈ શકે છે. તેની ઓળખ કરવામાં આવી હશે અને ત્યારબાદ તેને તોડી પાડવામાં આવ્યું હશે. ભારતે કોઇપણ આંતરરાષ્ટ્રીય સમજૂતિનો ભંગ કર્યો નથી. વર્ષ ૨૦૦૭માં ચીને પણ આવું કર્યું હતું જેના કારણે સ્પેશમાં કાટમાળ ફેલાયો હતો. ભારતનું પરીક્ષણ ઓછી ઉંચાઈ ઉપર થયું છે.

 

Previous articleફિલ્મ અભિનેત્રી ઉર્મિલા માતોંડકર કોંગ્રેસમાં જોડાઇ
Next articleબારડનું સસ્પેન્શન યથાવત્‌, હાઇકોર્ટે રિટ અરજી ફગાવી