સત્તામાં આવતા જ આંધ્રને ખાસ રાજ્યનો દરજ્જો મળશે : રાહુલ

684

કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ આંધ્રપ્રદેશના વિજયવાડામાં એક ચૂંટણી રેલી યોજી હતી. રાહુલે આ ગાળા દરમિયાન કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર ઉપર આકરા પ્રહાર કર્યા હતા. કોંગ્રેસ પ્રમુખે આ ગાળા દરમિયાન ગરીબોને વાર્ષિક ૭૨૦૦૦ રૂપિયા ઉપલબ્ધ કરાવવાના વચનને ફરી દોહરાવ્યું હતું. પોતાના સંબોધનમાં રાહુલે કહ્યું હતું કે જો તેમની પાર્ટી દિલ્હીમાં સત્તામાં આવશે તો આંધ્રપ્રદેશને ખાસ રાજ્યનો દરજ્જો આપશે. ટીડીપી અધ્યક્ષ અને રાજ્યના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ આ મુદ્દા ઉપર જ એનડીએથી અલગ થયા હતા. રાહુલે જનસભા દરમિયાન કહ્યું હતું કે, મોદી પાંચ વર્ષથી દેશના વડાપ્રધાન છે અને તેઓએ રાજ્યના લોકોને આપેલા વચનને પાળ્યું નથી. આંધ્રપ્રદેશની રાજકીય પાર્ટીઓ પણ આ મુદ્દા ઉપર મોદીને આક્રમકરીતે ઘેરવાના પ્રયાસ કરી રહી નથી. રાહુલે કેન્દ્રની સત્તામાં આવ્યા બાદ આંધ્રપ્રદેશને ખાસ દરજ્જો આપવાનું વચન આપ્યું હતું અને કહ્યું હતું કે, માત્ર કોંગ્રેસ અને મનમોહનસિંહ દ્વારા આપવામાં આવેલું વચન નથી બલ્કે દેશના લોકોને પણ આ વચન આપવામાં આવ્યું છે. કોંગ્રેસની પાર્ટી દિલ્હીમાં સત્તામાં આવતાની સાથે જ આંધ્રપ્રદેશને ખાસ રાજ્યનો દરજ્જો આપવામાં આવશે. આની સાથે સાથે ગરીબ વર્ગના લોકોને ૭૨૦૦૦ રૂપિયા વાર્ષિક આપવાના વચનનો ઉલ્લેખ કરતા રાહુલે કહ્યું હતું કે, તેઓ મોદી નથી.

ખોટા નિવેદન કરતા નથી. મોદીએ ૧૫ લાખ રૂપિયા બેંક ખાતામાં આપવાનું વચન આપ્યું તું. તેમની સરકાર બેંક ખાતામાં આપી શકે તેમ નથી પરંતુ અમારી સરકાર આવશે તો દેશના સૌથી ગરીબ લોકોને દર વર્ષે ૭૨૦૦૦ રૂપિયા આપવામાં આવશે. કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું હતું કે, જે રીતે મનરેગા, વાઇટ રેવેલ્યુશન, ગ્રીન રેવેલ્યુશનની બાબતને સફળ બનાવવામાં આવી હતી તે રીતે કોંગ્રેસ પાર્ટી ન્યાય સ્કીમને પણ સફળ બનાવશે. રાહુલ ગાંધીએ આ વચન આપીને ફરી એકવાર પ્રજાને પોતાની તરફ કરવાના પ્રયાસ કર્યા છે. રાહુલ ગાંધીએ હાલમાં જ ગરીબ પરિવારોના ખાતામાં દર વર્ષે ૭૨૦૦૦ રૂપિયા આપવાની વાત કર્યા બાદથી રાજકીય પક્ષોમાં આની ચર્ચા જોવા મળી રહી છે. કેટલાક આર્થિક નિષ્ણાતો પણ આ યોજનાને લઇને કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષોની ઝાટકણી કાઢી રહ્યા છે. તેમના કહેવા મુજબ આ પ્રકારની સ્કીમને અમલી કરવાની બાબત શક્ય દેખાતી નથી. રાહુલ ગાંધી લોકોને ગેરમાર્ગે દોરવાના પ્રયાસ કરી રહ્યા છે. બીજી બાજુ ભારતીય જનતા પાર્ટીના લોકોનો આક્ષેપ છે કે, રાહુલ ગાંધી કોઇપણ પ્રકારના વચનો હાલના દિવસોમાં આપી શકે છે. કારણ કે, કોંગ્રેસ પાર્ટી જાણે છે કે તેમની સત્તા આવનાર નથી જેથી વચનો આપવામાં પીછેહઠ કરી રહ્યા નથી.

Previous articleહિંદુ સમુદાયને આતંકવાદ સાથે જોડવાનું પાપ કોંગ્રેસે કર્યું : અમિત શાહ
Next articleઆજથી ટેક્સ-રોકાણોનાં નિયમ બદલાશે