વર્તમાન સરકારે દેશની આત્માને કચડી નાખ્યો છેઃ સોનિયા ગાંધી

427

કોંગ્રેસની પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીએ મોદી સરકાર જોરદાર પ્રહાર કર્યા છે. અત્યાર સુધી ચૂંટણીથી દૂર રહેલા સોનિયા ગાંધીએ પાર્ટીના એક કાર્યક્રમ દરમિયાન મોદી સરકાર પર સંસ્થાઓને ખતમ કરવાનો આરોપ લગાવ્યો છે. તેમણે જણાવ્યું છે કે, કોંગ્રેસ પાર્ટી સત્તામાં આવશે તો બંધારણની મૂળ ભાવનાને પૂનઃ સ્થાપિત કરવામાં આવશે. તેમણે એમ પણ કહ્યું હતું કે, હાલ દેશભક્ત્તિની નવી જ પરિભાષા સિખવવામાં આવી રહી છે અને વિચારધારાના આધારે પોતાના જ નાગરિકો સાથે ભેદભાવ કરવામાં આવી રહ્યો છે.

કોંગ્રેસના ‘જન સરોકાર ૨૦૧૯’ કાર્યક્રમમાં સોનિયા ગાંધીએ કહ્યું હતું કે, થોડા વર્ષો પહેલ આપણે વિચાર્યું જ નહોતું કે આપણે આ પ્રકારની સ્થિતિમાં એકત્ર થવાનો વારો આવશે. પરંતુ છેલ્લા થોડા વર્ષોથી આપણા દેશની મૂળ આત્માને એક ષડયંત્રને અંતર્ગત જે રીતે કચડવામાં આવી રહી છે તો સૌકોઈ માટે ચિંતાનો વિષય છે.

જે સંસ્થાઓએ આપણને ઉંચાઈ સુધી પહોંચાડી તે તમામને લગભગ-લગભગ સમાપ્ત કરી દેવામાં આવી છે. છેલ્લા ૬૫ વર્ષની આકરી મહેનતથી તૈયાર કરવામાં વેલા જન કલ્યાણના માળખાગત ઢાંચા અને સમાવેશી તાણા-વાણાને ખતમ કરવામાં આ સરકારે કોઈ જ કસર છોડી નથી.

તેમણે પ્રહારો યથાવત રાખતા કહ્યું હતું કે, આજે દેશમાં દેશભક્તિની નવી પરિભાષા સિખવવામાં આવી રહી છે, વિવિધતાને અસ્વિકાર કરનારાઓને દેશભક્ત ગણાવવામાં આવી રહ્યાં છે જ્યારે ધર્મ અને વિચારધારાના આધારે પોતાના જ નાગરિકો સાથે ભેદભાવ કરવો એ અયોગ્ય બાબત છે. આપણાથી એવી આશા રાખવામાં આવી રહી છે કે, ખાવા-પીવા, પહેરવેશ, ભાષા અને અભિવ્યક્ત્તિની આઝાદીના મામલે કેટલાક લોકોની મનમાની આપણે સહન કરીયે. વર્તમાન સરકાર અસહમતિનું સમ્માન કરતી નથી. જ્યારે પોતાની આસ્થા પર ટકી રહેવાના કારણે લોકો પર હુમલાઓ થાય છે ત્યારે સરકાર શું કરે છે? સરકાર પોતાનું મોઢું બંધ કરી લે છે. કાયદાનું સાશન લાગુ કરવાની પોતાની મૂળભૂત ફરજ પૂરી કરવા માટે સરકાર તૈયાર નથી.

સોનિયા ગાંધીએ કહ્યું હતું કે, વર્તમાન સરકાર કરોડો દેશવાસીઓ પાસે તેમની જીંદગી સુધારવાની શક્યતાઓ આંચકી રહી છે. એવી નીતિઓ બનાવવામાં આવી રહી છે જેના કારણે માનીતા ઉદ્યોગપતિઓ અને મોટા વ્યાપારીઓ ફૂલી-ફાલી રહ્યાં છે. અમે હિંમત સાથે તેનો વિરોધ કરવો પડશે.

સોનિયા ગાંધીએ કોંગ્રેસ પાર્ટી સત્તામાં આવશે તો વાયદા પુરા કરવામાં આવશે તેમ કહ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે, મને એ વાતમાં કોઈ જ શંકા નથી કે, આ ચૂંટણીમાં જે પણ વાયદાઓ કરવામાં આવી રહ્યાં છે તેને સરકાર રચાવવા પર પુરા કરવામાં આવશે. ભારતને એક એવો દેશ બનાવવામાં આવશે જ્યાં સરકાર જે કહે તે કરી બતાવશે. સરકારના કહેવા અને કરવામાં ફરક ના હોવા જોઈએ. અમે અગાઉ પણ આમ કરી બતાવ્યું છે અને ભવિષ્યમાં પણ કરી દેખાડીશું.

Previous articleઅડવાણીજી અમારા પિતા તુલ્ય, રાહુલ પોતાની ભાષા પર સંયમ રાખેઃ સુષમા સ્વરાજ
Next articleગરીબી નાબૂદ કરવાનો શ્રેષ્ઠ ઇલાજ કોંગ્રેસને દૂર કરોઃ મોદી