મમતાના પગ નીચેની જમીન સરકી ગઈ છે : મોદી

452

પશ્ચિમ બંગાળના કુચબિહારમાં એક ચૂંટણી રેલીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યના મુખ્યમંત્રી મમતા બેનર્જી પર જોરદાર નિશાન સાંધ્યું. પીએમ એ મમતા બેનર્જીને સ્પીડ બ્રેકર દીદી ગણાવતા આરોપ મૂકયા કે તેમણે કેન્દ્રની યોજનાઓ પર દર વખતે બ્રેક લગાવાની કોશિષ કરી છે. આ દરમ્યાન પીએમે કહ્યું કે મમતા બેનર્જીનો ગુસ્સો બતાવી રહ્યો છે કે તેઓ આજકાલ ડરેલા છે અને આથી તેઓ શાંતિથી ઊંઘી પણ શકતા નથી.

રેલીમાં નરેન્દ્ર મોદીએ મમતા બેનર્જી પર સીધું નિશાન તાકયું. મોદીએ કહ્યું કે દીદી હવે એવા લોકોને સાથ આપી રહી છે જે ભારતમાં બે વડાપ્રધાન ઇચ્છે છે. શું ભારતમાં બે વડાપ્રધાન હોવા જોઇએ? પરંતુ દીદીએ મોદી વિરોધમાં પોતાના એવા સાથીઓ પર પણ મૌન સાંધી લીધું છે. પીએમ એ આગળ કહ્યું કે સ્પીડ બ્રેકર દીદી એ જો કેન્દ્ર સરકારની યોજનાઓને રોકી ના હોત તો આજે ઘણી બધી સુવિધાઓનો લાભ તમને પણ મળત. હવે દીદીને સબક શીખવાડવા માટે ૨૦૧૯ની આ લોકસભા ચૂંટણી આવી છે. જો તમે કેન્દ્રમાં અમને મજબૂત કરશો તો અમારો વિશ્વાસ માનો દીદી તમારા વિકાસ માટે મજબૂર થઇ જશે. તેમને ઝૂકવું પડશે. તેમણે સમજાઇ જશે કે તેમની મનમાની આગળ ચાલશે નહીં.

કૂચબિહારમાં ભાષણ દરમ્યાન પીએમના નિશાના પર રાજ્યના સીએમ મમતા બેનર્જી જ રહ્યા. પીએમે મમતાને દરેક મોર્ચા પર ઘેર્યા. મોદીએ કહ્યું કે દીદીનો અસલી ચહેરો દુનિયાની સામે લાવવો જરૂરી છે. આ ધરતી એટલા સામર્થ્યથી ભરેલી છે પરંતુ તેઓ પશ્ચિમ બંગાળની સંસ્કૃતિને, અહીંના ગૌરવને, અહીંના નાગરિકોના જીવનને તબાહ કરવા પર તુલી છે.

પીએમે જનસભામાં પોતાના અંદાજમાં લોકોને પૂછયું, શું દીદી એ તમને બતાવ્યું કે અહીંના ચાના બગીચાઓમાં શિક્ષણ અને સ્વાસ્થ્ય સાથે જોડાયેલી સુવિધાઓને રોકવાનું કેમ કામ કરી રહ્યાં છે? પીએમે ટૂંકુંને ટચ કહ્યું કે પશ્ચિમ બંગાળમાં લેફ્ટના શાસન બાદ આ રીતે સરકાર ચલાવામાં આવશે તેની આશા કોઇને પણ નહોતી. પીએમે કહ્યું કે તેમને પણ આશા નહોતી.

આ દરમ્યાન પીએમ એ પશ્ચિમ બંગાળના લોકોને આશ્વાસન આપતા કહ્યું કે તમારો આ ચોકીદાર તમારા હિતોની રક્ષા માટે ,દેશના લોકોની રક્ષા માટે સંપૂર્ણપણે ચોંકાવનાર અને સમર્પિત છે. તમારો આ ચોકીદાર ભ્રષ્ટાચાર કરનાર તમામ લોકોનો હિસાબ ચોક્કસ લેશે. નવા ભારતનો ઉલ્લેખ કરતાં પીએમે કહ્યું કે આજનું ભારત દુશ્મનના ઘારમાં ઘૂસે પણ છે અને મારે પણ છે.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, દીદી હવે એવા લોકોને સાથ આપી રહી છે જે ભારતમાં બે વડાપ્રધાન ઈચ્છે છે, શું ભારતમાં બે વડાપ્રધાન હોવા જોઈએ? પીએમ મોદીએ કહ્યું દદી પર તમે ઘણો વિશ્વાસ કર્યો હતો , પરંતુ તમારો વિશ્વાસ તેમને તોડી દીધો . પશ્વિમ બંગાળમાં ફોઈ-ભત્રીજાનું ગઠબંધન આ પવિત્ર ધરતીને ગુંડાઓ, ઘુસણખોરો જાનવરો અને માણસોના લુંટારાઓનો ગઢ બનાવવા માટે અડ્યા છે.

Previous article૨૦૧૯ સર કરવા કોંગ્રેસનું નવું શસ્ત્રઃ ‘અબ હોગા ન્યાય’
Next articleમ્યુનિ. સ્કૂલવાન, સ્કૂલ રિક્ષા માટે ૩૨ નિયમો જાહેર કર્યા