સારે મોદી ચોર બોલી રાહુલ ફરી ફસાયા : માનહાનિ કેસ

519

કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી તમામ મોદી ચોર છે તેમ કહીને મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. ભાજપે આ નિવેદનને લઇને રાહુલ ગાંધી ઉપર આકરા પ્રહાર કર્યા છે. બિહારમાં ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રદેશના નાયબ મુખ્યમંત્રી સુશીલ કુમાર મોદીએ હવે રાહુલની સામે માનહાનિનો કેસ દાખલ કરી દીધો છે. આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર પણ નિવેદન કરીને રાહુલ ગાંધી મુશ્કેલીનો સામનો કરી ચુક્યા છે. સારે મોદી ચોરના નિવેદનને લઇને સુશીલ મોદીએ માનહાનિનો કેસ દાખલ કરી દીધો છે. સુશીલ મોદીએ કહ્યું છે કે, રાહુલ ગાંધીના આ પ્રકારના ભાષણથી મોદી ટાઇટલવાળી વ્યક્તિ છે તેમને ચોર તરીકે દર્શાવવામાં આવ્યા છે. આનાથી સમાજમાં તેમની પ્રતિષ્ઠાને ફટકો પડ્યો છે. આ એક અપરાધિક કેસ છે જેની સજા કોર્ટ દ્વારા રાહુલ ગાંધીને કરવામાં આવે તે જરૂરી છે. રાહુલે કહ્યું હતું કે, આખરે તમામ ચોરનું નામ મોદી કેમ રહે છે. આ ગાળા દરમિયાન રાહુલે ફરાર થયેલા ઉદ્યોગપતિ નિરવ મોદી, લલિત મોદીના નામનો ઉલ્લેખ કર્યો હતો. રાહુલે ઉમેર્યું હતું કે, તમામ ચોરના પેટાનામ મોદી કેમ રાખવામાં આવ્યા છે. બીજી બાજુ મોદીએ રાહુલ ઉપર વળતા પ્રહાર કરતા કહ્યું હતું કે, કોંગ્રેસ દરરોજ પોતાની હદ પાર કરી રહી છે. મોદી સમુદાયના લોકોને ચોર કહીને બોલાવવામાં આવી રહ્યા છે. વડાપ્રધાને કહ્યું હતું કે, આ રાજાશાહી માનસિકતા છે જેમાં દરેક શોષિત વંચિત સમાજને ખરાબ નજરથી જોવામાં આવે છે તથા તેમને ગુલામ તરીકે સમજવામાં આવે છે. રાફેલ મુદ્દા ઉપર સુપ્રીમ કોર્ટના હાલના ચુકાદા બાદ પણ રાહુલ ગાંધીએ એમ કહીને ચર્ચા જગાવી હતી કે, હવે સુપ્રીમને પણ ખબર પડી ગઈ છે કે, ચોકીદાર ચોર છે. આને લઇને સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીની જોરદાર ઝાટકણી કાઢી હતી અને નોટિસ ફટકારી હતી.

Previous articleદિલ્હીમાં ભાજપની પત્રકાર પરિષદમાં હોબાળોઃ નરસિમ્હા રાવ પર જૂતુ ફેંકાયુ
Next articleબીજા તબક્કામાં ૬૧.૧૨% મતદાન