જેટ કટોકટી : પ્રવાસીઓને રિફંડ લેવામાં સમય લાગશે

503

જેટ એરવેઝની ફ્લાઈટો બંધ કરવામાં આવ્યા બાદ એવા મુસાફરોને બેવડો ફટકો પડ્યો છે જે લોકોએ આ એરલાઈન્સની એડવાન્સમાં ટિકિટો બુક કરાવી હતી. એકબાજુ ટિકિટ બુકિંગમાં તેમના પૈસા ફસાઈ ગયા છે. બીજી બાજુ રિફંડની પણ ચુકવણી કરવામાં આવી રહી નથી. આવી સ્થિતિમાં જેટ એરવેઝમાં ટિકિટ બુક કરાવી ચુકેલા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. યાત્રીઓના પૈસા રિફંડ તરીકે કઈ રીતે મળશે તેને લઈને હજુ સુધી કોઈ વાત કરવામાં આવી નથી. ઉડાણ ઠપ થતા પહેલા જેટે ૩૫૦૦ કરોડની ટિકિટો આપી હતી. આવી સ્થિતિમાં હવે યાત્રઓના રિફંડને લઈને નવી સમસ્યા ઉભી થઈ છે. દિલ્હીમાં લંડન માટે ટિકિટ જો કોઈ યાત્રીએ બે મહિના પહેલા ૬૬,૦૦૦ રૂપિયામાં લીધી હતી તો હવે આ ટિકિટની કિંમત ૧.૨૦ લાખ રૂપિયા છે. જાણકાર લોકોએ કહ્યું છે કે જે દિવસે જેટની ફ્લાઈટો બંધ કરવામાં આવી હતી તે સમય સુધી જેટ દ્વારા ૩૫૦૦ કરોડ રૂપિયાની ટિકિટો બુક કરાવવામાં આવી હતી. આ યાત્રીઓને રિફંડ માટે લાંબા સમય સુધી રાહ જોવાની ફરજ પડી શકે છે. જાણકાર નિષ્ણાતોનું કહેવું છે કે સરકાર તરત દરમિયાનગીરી કરીને નાણા પરત લેવાની દિશામાં પહેલ કરે તે જરૂરી છે અથવા તો તેમને બીજી એરલાઈન્સમાં યાત્રા કરાવી શકાય છે. ટ્રાવેલ એજન્ટ એસોસિએશનના પૂર્વ અધ્યક્ષ સુભાષ ગોયલે માહિતી આપતા કહ્યું છે કે સરકાર અને ડીજીસીએ એ સેકટરની બીજી એરલાઈન્સમાં જેટની ટિકિટ સ્વીકાર કરવા અને તેમના યાત્રીઓને પોતાની ફ્લાઈટમાં જગ્યા આપવા માટે નિર્દેશ આપી શકે છે. જાણકાર લોકોનું કહેવું છે કે જો સરકારે પહેલા દરમિયાનગીરી કરી હોત તો જેટને ભવિષ્ય માટે ટિકિટ વેચતા પહેલા પણ રોકી શકાયા હોત. બીજી બાજુ જેટ એરવેઝના કર્મચારીઓ પોતાના પગારને લઈને પણ ચિંતાતૂર દેખાઈ રહ્યા છે. પોતાના બાકી પગાર અને કંપનીને આંશિક મદદ આપવાને લઈને રાષ્ટ્રપિત રામનાથ કોવિંદ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કર્મચારીઓ પત્ર લખી ચુક્યા છે. નાણામંત્રી અરૂણ જેટલીને પણ મળીને મદદની માંગ કરવામાં આવી રહી છે.

જેટની ઉડાણ ઠપ થવાથી તેના ૨૨ હજારથી વધુ કર્મચારીઓની હાલત કફોડી બની ગઈ છે. કર્મચારીઓની નોકરી એકબાજુ ખતરામાં આવી ગઈ છે ત્યારે બીજી બાજુ તેમની પારિવારિક સ્થિતિ પણ ખરાબ થવાના સંકેત દેખાઈ રહ્યા છે. નાગરિક ઉડ્ડયનમાં રાજ્યમંત્રી જયંત સિંહાએ આશા વ્યક્ત કરતા કહ્યું છે કે કંપનીના તમામ કુશળ કર્મચારઓને ટુંક સમયમાં જ નોકરી મળી જશે.

Previous articleશેરબજારમાં પ્રવાહી સ્થિતિ રહી શકે : વિવિધ પરિબળો પર નજર
Next articleટોચની ૧૦ કંપની પૈકીની ૬ કંપનીની મૂડીમાં વધારો થયો