તાકાતવાર અને અમીરોના રિમોટથી સુપ્રીમ કોર્ટ નહીં ચાલે : સુપ્રિમ

497

સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ પર જાતિય શોષણના આક્ષેપો પાછળ મોટાપાયે ષડયંત્ર થયું હોવાનું બહાર આવ્યા બાદ સુપ્રીમ કોર્ટે નિવૃત જજ એ.કે. પટનાયકને આ મામલે તપાસ સોંપવામાં આવી છે. આ સાથે જ કેસની તપાસમાં સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશન  અને ઇન્ટેલિજન્સ બ્યૂરો તપાસમાં મદદ કરશે. જસ્ટિસ અરૂણ મિશ્રાની વડપણ હેઠળની બેંચે ગયા સપ્તાહે વકીલ ઉત્સવ બૈંસના સોગંદનામાને ધ્યાન પર લીધું હતું જેમાં ચીફ જસ્ટિસ ગોગોઈને બદનામ કરવાનું ષડયંત્ર હોવાના કેટલાક પુરાવા બંધ કવરમાં સુપ્રીમ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. આ મામલે બુધવારે સુપ્રીમ કોર્ટના જજે સીબીઆઈ, આઈબી અને દિલ્હી પોલીસ વડાને ચેમ્બરમાં બોલાવી એક કલાક બંધ બારણે ચર્ચા કરી હતી.બૈંસે પોતાના સોંગદનામાં એમ જણાવ્યું છે કે કેટલાક શક્તિશાળી તત્વો ચીફ જસ્ટિસ પર આક્ષેપો કરીને તેમને બળપૂર્વક રાજીનામું અપાવવા પ્રયાસ કરે છે. સુપ્રીમ કોર્ટની કામગીરીમાં છીંડા છે અને વહીવટી સ્તરે તેમજ કેટલાક વકીલો વચ્ચે સાંઠગાંઠ પણ છે. ત્યારબાદ ગુરુવારે આ કેસમાં સુપ્રીમ કોર્ટના જસ્ટિસ અરૂણ મિશ્રાએ વધુમાં જણાવ્યું કે, ‘અમે લોકોને સંદેશ આપવા ઈચ્છીએ છીએ કે દેશના અમીરો અને શક્તિશાળી લોકો ક્યારે કોર્ટનું નિયંત્રણ ના મેળવી શકે.

આગ સાથે રમવાનો પ્રયાસ ના કરો. હાથ દાઝી જશે.’ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ સામે યૌન ઉત્પિડનના આરોપ અને ષડયંત્રના દાવા સાથે જોડાયેલા કેસની સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટની ખંડપીઠે કડક વલણ અપનાવ્યું છે.

કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે દેશની વડી અદાલત તાકાતવાર અને અમુક પૈસાદાર લોકોની મરજી પ્રમાણે કામ ન કરી શકે. કોર્ટે ચિંતા વ્યક્ત કરી છે કે છેલ્લા ત્રણ ચાર વર્ષથી સુપ્રીમ કોર્ટને સતત નિશાન બનાવવામાં આવી રહી છે. આખરે આ દેશમાં શું થઈ રહ્યું છે?

કોર્ટે કહ્યું કે, એવું માનવામાં આવી રહ્યું છે કે આ વ્યવસ્થા હવે ખતમ થવાની અણી પર છે. દેશના લોકોને ખબર પડવી જોઈએ કે એ કોણ લોકો છે જેઓ ષડયંત્ર રચી રહ્યા છે. જે લોકો આવું ષડયંત્ર ઘડી રહ્યા છે તેમને ખબર નથી કે તેઓ આગ સાથે રમત રમી રહ્યા છે.

સુપ્રીમ કોર્ટના જ એક મહિલા કર્મચારીએ ચીફ જસ્ટિસ પર જાતિય શોષણનો આક્ષેપ કરતા ન્યાયતંત્રમાં ખળભળાટ મચી ગયો હતો અને આ મુદ્દે વિવાદનો વંટોળ ઉઠ્યો છે.

Previous articleવારાણસીમાં મોદીનો ભવ્ય રોડ શો
Next articleમુંબઇથી લકઝરીમાં લવાતો દારૂનો જથ્થો ઝડપાયો