વારાણસી : મોદીએ ઉમેદવારીપત્ર ભર્યું, તમામ દિગ્ગજોની ઉપસ્થિતિ

491

લોકસભા ચૂંટણી ૨૦૧૯ના મહાસમરમાં વારાણસી સીટ ઉપર દેશભરની નજર કેન્દ્રિત થઇ ગઇ છે. વડાપ્રધાન મોદીએ આજે વારાણસી લોકસભા સીટ પરથી ઉમેદવારીપત્ર દાખલ કર્યું હતું. આની સાથે જ આ લોકસભા ક્ષેત્રમાં ઉત્સુકતા વધી ગઈ હતી. નોમિનેશનના પાંચમાં દિવસે કલેક્ટોરેટમાં મોદીએ ઉમેદવારીપત્ર દાખલ કર્યું હતું. કલેક્ટર રુમમાં પ્રવેશ થતાંની સાથે જ મોદીએ તમામ પ્રસ્તાવકો સાથે મુલાકાત કરી હતી. આ ગાળા દરમિયાન મોદીએ મહિલા પ્રસ્તાવક અન્નપૂર્ણા શુક્લાના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લીધા હતા. આ પહેલા મોદીએ કાશીના કોતવાલ અથવા તો કાલભૈરવ મંદિરમાં જઇને દર્શન કર્યા હતા. પૂજા અર્ચના કર્યા બાદ મોદી ઉમેદવારી નોંધાવવા માટે કલેક્ટર ઓફિસ પહોંચ્યા હતા. અહીં એનડીએના દિગ્ગજ નેતાઓ પહેલાથી જ ઉપસ્થિત રહ્યા હતા. કલેક્ટરની ઓફિસમાં પહોંચ્યા બાદ મોદીએ શિરોમણી અકાળી દળના નેતા પ્રકાશસિંહ બાદલના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લીધા હતા. અન્ય તમામ નેતાઓનો પણ આભાર માન્યો હતો. મોદીના નામાંકન પત્ર જિલ્લા નિર્વાચન અધિકારી સુરેન્દ્રસિંહને મળ્યા હતા. ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં નરેન્દ્ર મોદીને મહાવિજય સોંપીને મોદી ઉપર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

ત્યારબાદ મોદી વડાપ્રધાન બન્યા હતા અને હવે પાંચ વર્ષની અવધિ પૂર્ણ થઇ છે. મોદી ફરી એકવાર વારાણસીમાંથી ચૂંટણી મેદાનમાં છે. ૨૦૧૪ની ચૂંટણીમાં મોદીનું મૂલ્યાંકન લોકોએ ગુજરાત મોડલના આધાર પર કર્યું હતું. તેમની લોકપ્રિયતાની દ્રષ્ટિએ તેમની પસંદગી કરવામાં આવી હતી. આ વખતે વારાણસીના લોકોની સામે સાંસદ તરીકે અને વડાપ્રધાન તરીકેની તેમની કામગીરી પણ રહેલી છે. મોદીના પ્રસ્તાવકોમાં ડોમરાજા પરિવાર (જગદીશ ચૌધરી), સામાજિક કાર્યકર સુભાષ ગુપ્તા, વારાણસીના વનિતા પોલિટેકનિકના પૂર્વ પ્રિન્સિપલ અન્નપૂર્ણા શુક્લા, આઈસીએઆરના વૈજ્ઞાનિક રામ શંકર પટેલનો સમાવેશ થાય છે. નરેન્દ્ર મોદીના નામાંકન માટે એનડીએના ઘટક પક્ષોના નેતાઓ પણ પહોંચ્યા હતા. શિવસેના વડા ઉદ્ધવ ઠાકરે પણ પહોંચ્યા હતા. ઉદ્ધવે પણ કાલભૈરવ મંદિરમાં પૂજા અર્ચના કરી હતી. મોદીના નામાંકન વેળા જે નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા તેમાં ભાજપ પ્રમુખ અમિત શાહ, શિવસેનાના વડા ઉદ્ધવ ઠાકરે, બિહારના મુખ્યમંત્રી નીતિશકુમાર, કેન્દ્રીયમંત્રી રામવિલાસ પાસવાન, ચિરાગ પાસવાન, પલાનીસામી, કેન્દ્રીયમંત્રી નિર્મલા સીતારામન, પીયુષ ગોયેલ, પંજાબના પૂર્વ મુખ્યમંત્રી અને શિરોમણી અકાળી દળના નેતા પ્રકાશસિંહ બાદલ, કેન્દ્રીયમંત્રી રાજનાથસિંહ, નીતિન ગડકરી, હર્ષવર્ધન, અનુપ્રિયા પટેલ, સુષ્મા સ્વરાજ, ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, ઉત્તરપ્રદેશ ભાજપના અધ્યક્ષ મહેન્દ્રનાથ પાંડે સહિત અનેક ટોચના નેતા સામેલ હતા. છેલ્લી ચૂંટણીમાં મોદીની શાનદાર જીત થઇ હતી.

હાલમાં વારાણસીમાં આશરે ૧૮ લાખ મતદારો છે. ૩૪ લાખની કુલ વસ્તી રહેલી છે. રાજ્યમંત્રી મનોજ સિંહા (ગાઝીપુર) અને અનુપ્રિયા પટેલ (મિરઝાપુર) કેન્દ્રમાં મંત્રી છે. યુપીમાં મહાગઠબંધન માટે વારાણસી ખુબ મુશ્કેલ છે. મોદીને આ સીટથી ૫ લાખ ૮૧ હજાર મત મળ્યા હતા. અરવિંદ કેજરીવાલને પોણા ચાર લાખ મતેથી હાર આપી હતી. કોંગ્રેસના અજય રાય ત્રીજા સ્થાને રહ્યા હતા.

Previous articleવડાપ્રધાન મોદીના હેલિકોપ્ટરની તપાસ બદલ સસ્પેન્ડ થયેલા આઇએએસનું સસ્પેન્સન રદ્દ
Next articleEPF પર વ્યાજદર વધારી ૮.૬૫ ટકા કરાયો : છ કરોડને સીધો લાભ