ગઢચિરોલીમાં IED બ્લાસ્ટઃ ૧૫ જવાનો શહિદ

436

મહારાષ્ટ્રના ગઢ ચિરોલીમાં પોલીસની કમાન્ડો ટીમ પર નક્સલવાદીઓએ કરેલા હુમલામાં ૧૫ જવાનો શહીદ થયા છે. ગાઢ જંગલોની વચ્ચે સી-૬૦ તરીકે ઓળખાતા પોલીસ કમાન્ડોનો કાફલો પસાર થઈ રહ્યો હતો ત્યારે નક્સલવાદીઓએ ઘાત લગાવીને આઈઈડી બ્લાસ્ટ કર્યો હતો.જેમાં પોલીસના વાહનના ફૂરચા ઉડી ગયા હતા. એક તરફ મહારાષ્ટ્રવાસીઓ મહારાષ્ટ્ર દિવસની ઉજવણીમાં વ્યસ્ત છે, ત્યારે બીજી તરફ નક્સલીઓએ હુમલો કરીને ઉજવણીના અવસરને માતમમાં ફેરવી દીધો.નક્સવલાદીઓએ ગઢચિરોકીના કુરખેડામાં આઈઈડી બ્લાસ્ટ કર્યો હતો. નક્સલીઓએ જે વાહનને નિશાન બનાવ્યું તેમાં ૧૬ જવાનો સવાર હતાં. આ હુમલામાં તમામ કમાન્ડો શહીદ થયા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે મહારાષ્ટ્રમાં શાંતિપૂર્ણ અને ઉત્સાહપૂર્વક થઈ રહેલા મતદાનથી નક્સલવાદીઓમાં ભારોભાર રોષ હતો જેના કારણે તેમણે આઈઈડી બ્લાસ્ટને અંજામ આપ્યો હતો. નક્સલવાદીઓએ આ ઘટનાને ત્યારે અંજામ આપ્યો હતો જ્યારે મહારાષ્ટ્ર સ્થાપના દિવસની ઉજવણી કરવાની તૈયારીઓ કરવામાં આવી રહી હતી.

ગયા વર્ષે ૨૨ એપ્રિલે ૪૦ નક્સલવાદીઓને મોતને ઘાટ ઉતારાયા હતા.જેના પગલે નક્સલવાદીઓ આ વિસ્તારમાં વિરોધ સપ્તાહ મનાવી રહ્યા હતા.તેમણે રોડ બનાવતા કોન્ટ્રાક્ટરના વાહનોને આગ લગાવવાની સાથે સાથે ગત વર્ષે થયેલા પોતાના સાથીદારોના મોતને વખોડતા પોસ્ટરો પણ લગાવ્યા હતા.નક્સલીઓએ ૯ એપ્રિલે દંતેવાડામાં આઈઆઈડી બ્લાસ્ટથી હુમલો કર્યો હતો. હુમલામાં ભાજપના ધારાસભ્ય ભીમા મંડાવી અને તેમના ડ્રાઈવરનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.

તેમની સુરક્ષામાં તહેનાત ચાર જવાન પણ શહીદ થઈ ગયા હતા. હુમલો ત્યારે થયો જ્યારે ધારાસભ્ય મંડાવી ચૂંટણી પ્રચાર કરીને પરત ફરી રહ્યાં હતા.

નક્સલવાદી ખતરાને ધ્યાનમાં રાખીને ૧૯૯૨માં સી-૬૦ કમાન્ડો ફોર્સ તૈયાર કરવામાં આવી હતીએ. જેમાં પોલીસ ફોર્સના ૬૦ જવાનો શામેલ હોય છે. આ કામ ગઢચિરોલીના તત્કાલીન એસપી કે પી રઘુવંશીએ કર્યું હતું. સી-૬૦માં શામેલ પોલીસકર્મીઓને ગોરિલ્લા યુદ્ધ માટે તૈયાર કરવામાં આવે છે. તેમની ટ્રેનિંગ હૈદરાબાદ, બિહાર અને નાગપુરમાં થાય છે. આ ફોર્સ મહારાષ્ટ્રની ઉત્કૃષ્ઠ ફોર્સ માનવામાં આવે છે. આ ફોર્સ રોજની ગુપ્ત જાણકારીના આધારે આસપાસના વિસ્તારમાં ઓપરેશનને અંજામ આપે છે. સી-૬૦ કમાંડો પોતાની સાથે લગભગ ૧૫ કિલો વજન લઈને ચાલે છે, જેમાં હથિયાર ઉપરાંત, ખાવાનું, પાણી, ફર્સ્ટ-એડ અને અન્ય સામાન હોય છે.

Previous articleભારતની સૌથી મોટી જીત : મસૂદ અઝહર અંતે વૈશ્વિક આતંકી જાહેર
Next articleવેરઝેર નહીં શાંતિ, પ્રેમ, એકતા ફેલાવીએ : પંડ્યા