સતત સાતમાં દિને શેરબજારમાં કડાકો : કારોબારી ભારે નિરાશ

509

શેરબજારમાં આજે મંદીનો દોર અવિરતપણે જારી રહ્યો હતો. આજે ગુરૂવારના દિવસે સતત સાતમાં દિવસે શેરબજારમાં મોટો કડાકો બોલી ગયો હતો. અમેરિકા અને ચીન વચ્ચે વધતી જતી તંગદિલી અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના શેરમાં ઘટાડાની સાથે સેન્સેક્સ ૨૩૦ પોઈન્ટ ઘટીને આજે ૩૭૫૫૯ની સપાટી પર બંધ રહ્યો હતો. જ્યારે નેશનલ સ્ટોક એક્ષચેન્જમાં નિફ્ટી ૫૮ પોઈન્ટ ઘટીને ૧૧૩૦૨ની નીચી સપાટીએ બંધ રહ્યો હતો. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના શેરમાં સૌથી વધુ નુકસાન રહ્યું હતું. કંપનીના શેરની કિંમત ૩.૪૧ ટકા ઘટી ગઈ હતી. ત્યારબાદ કોલ ઈન્ડિયા, એશિયન પેઈન્ટ, એનટીપીસી, કોટક બેંક, ભારતી એરટેલ, વેદાંતા, પાવર ગ્રીડ, એચડીએફસી બેંક તથા એચડીએફસીમાં પણ કડાકો બોલી ગયો હતો. આ કંપનીના શેરમાં ૨.૫૩ ટકાનો ઘટાડો રહ્યો હતો. બીજી બાજુ યસ બેંકના શેરમાં ૫.૯૪ ટકાનો વધારો નોંધાયો હતો. યુરોપના બજારોમાં પણ અફરાતફરીનો માહોલ રહ્યો હતો. કારોબારીઓના કહેવા મુજબ અમેરિકા અને ચીન વચ્ચે વેપાર તંગદિલી વધવાના કારણે મૂડીરોકાણ ઘટી રહ્યું છે. ટ્રેડ વોરને લઈને અમેરિકા અને ચીન વચ્ચે ખેંચતાણ હજુ વધે તેવા સંકેત દેખાઈ રહ્યા છે.   શુક્રવારના દિવસે મૂડીરોકાણકારો દ્વારા ઈન્ડસ્ટ્રીયલ આઉટપુટના આંકડા જારી કરવામાં આવશે. ફેબ્રુઆરી મહિનામાં આ આંકડો ૨૦ મહિનાની નીચી સપાટીએ રહ્યો હતો. મેન્યુફેકચરીંગ સેકટરમાં સીધી અસર જોવા મળી રહી છે.વિદેશી ફંડ પ્રવાહની વાત કરવામાં આવે તો ૩ મહિનામાં ૭૨૩૯૪ કરોડ ઠાલવી દેવામાં આવ્યા છે. એપ્રિલ મહિનામાં મૂડી પ્રવાનો આંકડો ૨૧૧૯૩ કરોડ રૂપિયાનો રહ્યો છે.  નવા કારોબારી સેશનમાં રહેનાર છે તેમાં અમેરિકા અને ચીન વચ્ચેની વેપાર મંત્રણાનો સમાવેશ થાય છે.

ચીની પ્રતિનિધિમંડળના સભ્યો બુધવારના દિવસે અમેરિકા પહોંચ્યા હતા અને  સૂચિત વેપાર સમજૂતિ ઉપર ચર્ચા શરૂ થઈ છે. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ કહી ચુક્યા છે કે ચીન સાથેની વેપાર મંત્રણા ખૂબ સારી રીતે આગળ વધી રહી છે. બેજિંગ સાથે વેપાર વિવાદને ટૂંકમાં જ ઉકેલી લેવામાં આવશે. આજે કારોબાર દરમિયાન બજાજ ફાઈનાન્સ, ટીસીએસ, બજાજ ઓટોના શેરમાં મોટો ઉછાળો નોંધાયો હતો. વૈશ્વિક બજારમાં અફરાતફરી હજુ જારી રહે તેવી શક્યા છે. જ્યાં સુધી ચીન અને અમેરિકા વચ્ચે વેપાર મંત્રણાનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી વાતચીત જારી રહેશે. છેલ્લા સાત દિવસથી શેરબજારમાં ઘટાડો રહેતા કારોબારીઓ ચિંતાતૂર બનેલા છે.

Previous articleકંઇ ફર્ક નથી પડતો કે સામે કયો બૉલર છેઃ ઋષભ પંત
Next articleવર્લ્ડકપ માટે ઈંગ્લેન્ડ ટીમમાં જોફ્રા આર્ચરને સામેલ કરેઃ ફ્લિન્ટોફ