મારી જાતિ ગરીબ છે એટલા માટે મેં ગરીબી વિરુદ્ધ બળવો કર્યો છે : મોદી

671

ઉત્તર પ્રદેશના બલિયામાં એક રેલીને સંબોધતા વડાપ્રધાન મોદીએ સમાજવાદી પાર્ટી, બહુજન સમાજ પાર્ટી અને કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા. વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, આ મહામિલાવટ વાળા, એસપી, બીએસપી હોય કે પછી કોંગ્રેસ હોય આ લોકો મોદીને ગાળ આપવામાં લાગ્યા છે. એવો એક દિવસ નથી કે તેમના મુખમાંથી મારા માટે ગાળ ના નીકળી હોય.

વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, ફઇ-ભત્રીજો મળીને જેટલા વર્ષ મુખ્યમંત્રી રહ્યા છે, તેનાથી વધારે સમય હું ગુજરાતનો મુખ્યમંત્રી રહ્યો છું પરંતુ કયારેય પણ પોતાની જાતિને આધારે મત નથી માગ્યા નથી. હું ભલે અતિ પછાત જાતિમાં જન્મ્યો હોઉં પરંતુ લક્ષ્ય ભારતને વિશ્વમાં મોખરે પહોંચાડવાનું છે.તેમણે જણાવ્યું હતું કે, હું નથી ઇચ્છતો કે તમારું સંતાન પણ આવું પછાત જીવન જીવવા માટે મજબૂર થાય. હું નથી ઇચ્છતો કે તમારા સંતાનને વારસામાં પછાતપણું મળે. હું નથી ઇચ્છતો તમાર સંતાનને વારસામાં ગરીબી મળે. મેં પણ ગરીબીનું દુઃખ સહન કર્યું છે.  મહામિલાવટી લોકોએ કેવી રાજનીતિ કરી છે.

સત્તાના નામ પર તમારી સાથે છેતરપિંડી કરી છે. તમને લૂંટ્યા છે. આ તમે સારી રીતે જાણો છો. તમને લોકોને લૂંટીને તેમના અને તેમના સંબંધીઓ માટે બંગલા ઉભા કરી લીધા છે. તેમણે નામી અને બેનામી સંપત્તિના પહાડ ઉભી કરી લીધા છે જેનો હિસાબ એજન્સીઓ લઇ રહી છે.

તેમણે ઉમેર્યું હતું કે, મારી જાતિ ગરીબ છે તેથી મેં ગરીબીની વિરુદ્ધ બળવો કર્યો છે. મેં મારી માતાને રસોડામાં ધૂમાડા સામે લડતા જોઇ છે. શૌચાલય નહીં હોવાને કારણે ઘર અને આજુ-બાજુની મહિલાઓનો ત્રાસ સહન કરતા જોઇ છે. વરસાદમાં છત ટપકતા જોઇ છે. હું મહામિલાવટ વાળાઓને પડકાર આપું છું કે, આ લોકો મને બતાવે કે મેં કોઇ બેનામી સંપત્તિ જમા કરી છે કે શું? કોઇ ફાર્મ હાઉસ બનાવ્યા છે? કોઇ શોપિંગ કોમ્પલેક્સ ઉભા કર્યા છે? વિદેશી બેંકોમાં નાણાં જમા કરાવ્યા છે? વિદેશમાં કોઇ સંપત્તિ ખરીદી છે ? લાખો-કરોડોની ગાડીઓ ખરીદી હોય કે પછી કરોડના બંગલા બનાવ્યા હોય?

Previous articleએપ્રિલમાં જથ્થાબંધ ભાવ સૂચકાંક ૩.૧૮થી ઘટી ૩.૦૭ ટકા નોંધાયો
Next articleધોરણ-૩થી ૫માં નવા વર્ષથી વર્ગ શિક્ષક બદલાશે, પણ વિષય શિક્ષક નહીં બદલાય