રાજુલા-જાફરાબાદ પંથકમાં ભારે પવન સાથે વરસાદ

648

રાજુલા – જાફરાબાદ પંથકમાં આજે બપોરના સમયે અચાનક ભારે પવન સાથે જોરદાર વરસાદ પડ્યો હતો. જેના કારણે અનેક ઝાડ તથા વીજ થાંભલાઓ ધરાશાયી થયા હતા સાથો સાથ વીજ પુરવઠો ખોરવાઇ જવા પામ્યો હતો. ગ્રામ્ય પંથકોમાં આંબા ઉપરથી કેરીઓ ખરી જતા ખેડૂતોને નુકશાન થવા પામ્યું હતું.

રાજુલા – જાફરાબાદ પંથકમાં આજે બપોરના સમયે અચાનક વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો અને વાવાઝોડા માફક ભારે પવન ફૂંકાવા સાથે જોરદાર વરસાદ પડ્યો હતો. જ્યારે કેટલાક ભાગોમાં તોફાની વરસાદ સાથે કરા પણ પડ્યા હતા. રાજુલા – જાફરાબાદ રોડ પર આવેલા વૃક્ષો ભારે પવનનાં કારણે રસ્તા ઉપર ધરાશાયી થયા હતા. જેના પગલે કલાકો સુધી રસ્તા ઉપર ટ્રાફીક જામ થવા પામ્યો હતો. જ્યારે વાવેરા- વીજપડી રોડ ઉપર ભારે પવનનાં પગલે અનેક વિજપોલ ધરાશાયી થયા હતા જેના કારણે વીજ પૂરવઠો ખોરવાઇ જવા પામ્યો હતો.

વાવાઝોડા માફક ભારે પવન ફૂંકાતા લોહપુર, લુણસાપુર, સહિતના જાફરાબાદ પંથકનાં ગામડાઓમાં આંબા ઉપર લટકતી કેરીઓનો સોથ વળી ગયો હતો. જ્યારે અતિ પવનનાં કારણે જાફરાબાદમાં માછીમારો ચિંતામાં મુકાયા હતા. જો વધુ વરસાદ પડ્યો હોત તો માછીમારો દ્વારા મુકવવા મુકેલી લાખો રૂપિયાની મચ્છ દરિયામાં ફેંકવી પડે તેવી હાલત થવા પામેલ. આ ઉપરાંત રાજુલા તાલુકાનાં વાવેરા ગામે જોરદાર પવન સાથે વરસાદ પડ્યો હતો. કમોસમી વરસાદનાં કારણે કેરી તથા ડુંગળીનાં પાકને નુકશાન થવાની ભીતી ખેડૂતોમાં સેવાઇ રહી છે.

Previous articleભાવનગર  મહાપાલિકાના દ્વારેથી
Next articleપાલીતાણાનાં ગાયત્રીનગરમાંથી ઇગ્લીંશ દારૂ સાથે ૧ ઝડપાયો