મહિલાને જીવતી સળગાવનાર બે મહિલા સહિત પાંચને આજીવન કેદ

1160

ભાવનગર શહેરના કરચલીયા પરા વિસ્તારમાં ત્રણેક વર્ષ પૂર્વે બે મહિલા અને ત્રણ પુરૂષોએ એક મહિલાને કેરોસીન છાંટી સળગાવી હત્યા કરેલ. જેનો કેસ આજરોજ ભાવનગર ડીસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં ચાલી જતા ડિસ્ટ્રીક્ટ જજે સરકારી વકીલની દલીલો, આધાર, પૂરાવા, સાક્ષીઓને ધ્યાને લઇને તમામ પાંચેય હત્યારાઓને આજીવન કેદની સજા ફટકારી હતી.

બનાવ અંગે પ્રાપ્ત વિગતો મુજબ શહેરના કરચલિયા પરા હનુમાનગરમાં રહેતા શિલ્પાબેન વિક્કીભાઇ મકવાણા (ઉ.વ.૨૦)ના ઘરે ગત તા.૧૬-૦૯-૨૦૧૬ ના રોજ રાજેશ ઉર્ફે રાજુભાઇ મેરૂભાઇ વાજા (ઉ.વ.૩૦), અશોકભાઇ મેરૂભાઇ વાજા (ઉ.વ.૩૫), છનાભાઇ ઉર્ફે હકુન ગોરધનભાઇ વેગડ (ઉ.વ.૪૦), રમાબેન છનાભાઇ વેગડ (ઉ.વ.૪૦), માજુબેન મેરૂભાઇ વાજા (ઉ.વ.૫૭) મળી એક સંપ કરીને બપોરનાં સવા ત્રણ વાગ્યાનાં સુમારે પહોંચ્યા હતા અને તમામે શિલ્પાબેનને તારો પતિ ક્યાં છે ? તે અમારી દિકરી પૂનમને હેરામ પરેશાન કરે છે. તેમ કહી લડાઇ ઝઘડો કરેલ.

દરમ્યાન બે મહિલા અને ૩ પુરૂષો મળી પાંચેય શખ્સોએ એક સંપ કરીને છનાભાઇ વેગડ અને રાજેશ ઉર્ફે રાજુ મેરૂભાઇ વાજાએ કેનમાંથી શિલ્પાબેન ઉપર કેરોસીન છાંટ્યું હતું. તેમજ માજુબેન મેરૂભાઇ વાજાએ મોઢું દબાવ્યું હતું અને અશોક મેરૂભાઇ વાજાએ દિવાસળીની કાંડી ચાંપી શિલ્પાબેનને જીવતા સળગાવી  દઇ નાસી છુટ્યા હતા. જ્યારે ગંભીર રીતે દાઝી ગયેલ. શિલ્પાબેનને તાત્કાલીક સારવાર માટે સર.ટી.હોસ્પીટલમાં ખસેડાયા હતા. જ્યાં તેમણે પાંચેય શખ્સો સાથે ફરિયાદ નોંધાવી ડાઇન ડેકલેરેશન આપ્યુ હતું. જેમાં પોલીસે ગુન્હો નોંધ્યો હતો. દરમ્યાનમાં તા.૧૯-૦૯-૨૦૧૬ના રોજ સારવાર દરમ્યાન શિલ્પાબેનનું મોત થતા બનાવ હત્યામાં પરિણમ્યો હતો. આ બનાવનાં કારણમાં આડાસંબંધ કારણભૂત હોવાનું ખુલવા પામ્યું હતું.

આ બનાવ અંગેનો કેસ આજરોજ ભાવનગર ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ જજ સુભદ્રાબેન બક્ષીની અદાલતમાં ચાલી જતા. સરકારી વકિલ વિપુલ દેવમુરારીની દલીલો, મૌખિક તેમજ દસ્તાવેજી પુરાવા, સાક્ષીઓને ધ્યાને લઇ અદાલતે તમામ પાંચેય સામે હત્યાનો ગુન્હો સાબિત માનીને પાંચેય સામે હત્યાનો ગુન્હો સાબિત માનીને પાંચેયને આજીવન કેદની સજા તથા પાંચ હજારનો દંડ ફટકાર્યો હતો.

Previous articleપીવાના પાણીની ખેતી માટે ચોરી કરનારા સામે પાસા, તડીપાર કરવા મંત્રી ભૂપેન્દ્રસિંહનો આદેશ
Next articleમુકેશ-નીતા અંબાણી ન્યૂયોર્કમાં ઋષિ કપૂરને મળવા પહોંચ્યા