લોકસભાની ચૂંટણી પૂર્ણ : ૨૩મીએ પરિણામ

439

લોકસભાની ચૂંટણીના સાતમા અને અંતિમ તબક્કા માટે આજે મતદાન યોજાયુ હતુ.  આ અંતિમ તબક્કામાં ૫૯ બેઠકો પર સરેરાશ ૬૦ ટકાથી વધુ મતદાન થયું હતું. આજની બેઠકોમાં ઉત્તર પ્રદેશની ૧૩, પશ્ચિમ બંગાળની ૯, પંજાબની ૧૩, બિહારની ૮, ઝારખંડની ૩, હિમાચલ પ્રદેશની ૪ અને મધ્યપ્રદેશની ૮ તો ચંદીગઢની ૧ સીટ પર મતદાન થયું. લોકસભા ચૂંટણીના પરિણામ ૨૩ મેનાં રોજ આવવાના છે.

લોકસભા ચૂંટણીના સાતમા ચરણમાં ૬૦ ટકાથી વધુ મતદાન નોંધાયું છે. બિહારમાં ૪૯.૯૨ ટકા, હિમાચલ પ્રદેશમાં ૬૬.૨૬ ટકા, મધ્યપ્રદેશમાં ૬૯.૩૮ ટકા, પંજાબમાં ૫૮.૮૬ ટકા, ઉત્તરપ્રદેશમાં ૫૪.૪૬ ટકા, પશ્ચિમ બંગાળમાં ૭૩.૨૩ ટકા, ઝારખંડમાં ૭૦.૫૦ ટકા અને ચંદીગઢમાં ૬૩.૫૭ ટકા મતદાન થયું છે.

સાતમા અને અંતિમ તબક્કામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, સુખબિરસિંહ બાદલ, સુનિલ જાખર,ભગવંત માન, બોલિવૂડ અભિનેતા સન્ની દેઓલ,શત્રુઘ્ન સિન્હા, કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ, અનુરાગ ઠાકુર, ભોજપુર અભિનેતા રવિકિશન, સુખબીર બાદલ, હરસિમરત કૌર, શિબૂ સોરને, પવનકુમાર બંસલ જેવાં ઉમેદવારોનું ભાવિ ઇવીએમમાં કેદ થયું છે.

આ તબક્કામાં મનોહર પર્રિકરના નિધન બાદ ખાલી થયેલી ગોવાની પણજી વિધાનસભા સીટ પર પણ પેટાચૂંટણી યોજાઇ હતી. આ ઉપરાંત તમિલનાડુની ૪ વિધાનસભા સીટ પર પણ પેટાચૂંટણી માટે મતદાન યોજાયુ હતુ.

ભઠિંડા જિલ્લાના તલવંડી સાબોમાં કોંગ્રેસ નેતા ખુશબાઝ સિંહના અકાલી નેતાઓ સાથે બોલાચાલી દરમિયાન ગોળીબાર થયો હતો. ત્યારબાદ લોકોએ કોંગ્રેસનું બૂથ તોડી પાડ્યું હતું. બીજી બાજુ ખડૂર સાહેબ બેઠક પરથી એક ગામમાં અજાણ્યા લોકોએ મત આપવા જઈ રહેલા કોંગ્રેસ કાર્યકર્તાની હત્યા કરી દીધી હતી.

જાધવપુરથી ભાજપના ઉમેદવાર અનુપમ હાજરાનો આરોપ છે કે તૃણમૂલના ગુંડાઓએ એક કાર્યકર્તા સાથે મારઝુડ કરી હતી. કાર પર હુમલો કરીને ડ્રાઈવર સાથે પણ મારઝુડ કરાઈ હતી. હાજરાએ કહ્યું કે, તૃણમૂલની મહિલા કાર્યકર્તાઓ મોંઢે કપડું બાંધીને મત આપી રહી છે. જેનાથી તેમની ઓળખ કરવી મુશ્કેલ છે.

જેના પર વાંધો ઉઠાવ્યો ભાજપના કાર્યકર્તાઓ સાથે મારપીટ કરવામાં આવી હતી. બીજી બાજુ બસીરહાટથી ભાજપના ઉમેદવાર સાયંતન બસુ અને તેમના સમર્થકોએ મતદાન કેન્દ્રની બહાર પ્રદર્શન કર્યું હતું. શનિવારે રાતે બૈરકપુરના ભાટપાડામાં ભાજપ અને તૃણમૂલ કાર્યકર્તાઓ વચ્ચે મારઝુડ થઈ હતી. બે ગાડીઓ પર આગચંપી કરાઈ હતી સાથે જ બોમ્બ પણ ફેંકવામાં આવ્યા હતા.

૨૦૧૪માં એનડીએની ૪૦ સીટ પર જીત મેળવી હતીઃ આ તબક્કામાં જે ૫૯ સીટ પર મતદાન ચાલી રહ્યું છે, તેમાંથી ૨૦૧૪માં એનડીએને ૪૦ (ભાજપ-૩૩, અકાલી દળ-૪, આરએલએસપી- ૨, અપના દળ-૧) પર જીત મેળવી હતી. ગત લોકસભા ચૂંટણીમાં બિહારમાં ઉપેન્દ્ર કુશવાહાની પાર્ટી આરએલએસપી ભાજપની સાથે હતી, જ્યારે નીતિશ કુમારની જનતા દળ અલગથી ચૂંટણી લડી રહી હતી. બંગાળની જે ૯ સીટ પર મતદાન છે તેમાંથી તમામ સીટ ટીએમસીએ જીતી હતી. આ ૫૯ સીટમાં આપે ૪, જેએમએમએ ૨ અને જેડીયૂએ ૧ સીટ મેળવી હતી.

Previous articleપ્રજ્ઞા ઠાકુરને પાર્ટીથી બહાર કરવા નીતિશકુમારનું સૂચન
Next articleબંગાળમાં હિંસા બાદ ચૂંટણી પંચ દ્વારા વિસ્તૃત અહેવાલની માંગણી