વડવા કાછીયાવાડમાં ગેરકાયદે કતલખાના ઉપર દરોડો – ૧૪૦૦ કિલો ગૌમાસ ઝડપાયું

1053

ભાવનગર શહેરમાં ગેરકાયદેસર કતલખાનાઓ ધમધમી રહ્યા હોવાની ઉઠેલી વ્યાપક ફરિયાદો બાદ આજે વહેલી સવારે નિલમબાગ પોલીસે વડવા કાછીયાવાડ વિસ્તારમાં ચાલતા ગેરકાયદેસર કતલખાનાં ઉપર પૂર્વ બાતમીનાં આધારે દરોડો પાડ્યો હતો. અને ૧૪૦૦ કિલો  ઉપરાંત ગૌમાંસ સહિત રૂપિયા સાડા ત્રણ લાખનો મુદ્દામાલ ઝપ્ત કર્યો હતો. બનાવ અંગે વડવા વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી.

ભાવનગર શહેરમાં લાયસન્સ વગરનાં અનેક ગેરકાયદેસર કતલખાના ચાલતા હોય તેને બંધ કરાવવા જીવદયા પ્રેમીઓ દ્વારા વારંવાર રજુઆતો કરવામાં આવી રહી છે. ત્યારે વડવા નેરા, વડવા કાછીયાવાડ સહિતનાં રહેણાંકી વિસ્તારોમાં પણ કતલખાના ચાલતા હોવાની છેલ્લા કેટલાયે સમયથી ફરિયાદો ઉઠી રહી છે. અને હાલમાં રમઝાન માસ ચાલતો હોય વડવા કાછીયાવાડમાં ગૌવંશ સહિતની હત્યા કરી માસ વેચવામાં આવતું હોવાનાં કતલખાનાં ચાલતા હોવાની પોલીસને બાતમી મળતા આજે વહેલી સવારે વડવા કાછીયાવાડ વિસ્તારમાં રહેણાંકી વિસ્તારમાં જરીનાબેન મહંમદભાઇ બાવનકા નામની મહિલા દ્વારા ચલાવાતા કતલખાના ઉપર દરોડો પાડ્યો હતો અને ૧૪૦૦ કિલો ઉપરાંત ગૌમાંસનો જથ્થો, સુમો વાહન, રિક્ષા સહિત રૂા.૩.૫૦ લાખ ઉપરાંતનો મુદ્દામાલ ઝપ્ત કર્યો હતો અને એફએસએલની ટીમ દ્વારા પણ નમૂનાઓ લઇને તપાસ હાથ ધરેલ છે. દરોડા દરમ્યાન મહિલા સહિત શખ્સો ફરાર થઇ જવા પામ્યા હતા.

પોલીસે વડવા વિસ્તારમાંથી દરોડો પાડી ગેરકાયદેસર કતલખાના બંધ કરાવતા સ્થાનિક રહિશો તેમજ જીવદયા પ્રેમીઓ દ્વારા રાહત અનુભવાઇ છે. નિલમબાગ પોલીસે જરીનાબેન બાવનકા સહિત સામે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરેલ છે.

Previous articleઇગ્લીંશ દારૂની ૪૯ બોટલ સાથે એક શખ્સને ઝડપી લેતી વેળાવદર પોલીસ
Next articleસારા દેખાવું છે કે સારા થવું છે?