જોરદાર લેવાલીની વચ્ચે સેંસેક્સ ૨૪૯ પોઇન્ટ ઉછળીને બંધ થયો

507

શેરબજારમાં આજે કારોબારના પ્રથમ દિવસે જોરદાર તેજીનું મોજુ ફરી વળ્યું છે. એચડીએફસી ટિ્‌વન્સ અને લાર્સન એન્ડ ટુબ્રોમાં જોરદાર તેજી જામી હતી. આજે કારોબારના અંતે બીએસઈ સેંસેક્સ ૨૪૯ પોઇન્ટ ઉછળીને ૩૯૬૮૩ની સપાટીએ રહ્યો હતો. તાતા સ્ટીલ, યશ બેંક, એનટીપીસી, લાર્સન એન્ડ ટુબ્રો અને એક્સિસ બેંકમાં સૌથી વધુ ઉછાળો રહ્યો હતો. બીએસઈના ૩૦ શેર પૈકી ૧૨ શેરમાં મંદી રહી હતી. બ્રોડર નિફ્ટીમાં આજે કારોબારના અંતે ૧૧૯૦૦ની સપાટી કુદાવી દીધી હતી. કારોબારના અંતે બ્રોડર નિફ્ટી ૮૧ પોઇન્ટ ઉછળીને ૧૧૯૨૫ની ઉંચી સપાટીએ રહ્યો હતો. માર્કેટ બ્રીડ્‌થ લેવાલની તરફેણમાં રહેતા ખુશીનું મોજુ ફરી વળ્યું હતું. આજે આશરે ૧૩૩૧ શેરમાં તેજી રહી હતી જ્યારે ૪૭૦ શેરમાં મંદી રહી હતી. સેક્ટરલ ઇન્ડેક્સમાં ૧૧ ઇન્ડેક્સ પૈકી આઠમાં તેજી રહી હતી. નિફ્ટી મેટલ, નિફ્ટી રિયાલીટી, નિફ્ટી પીએસયુ બેંકમાં બે ટકાથી વધુનો ઉછાળો રહ્યો હતો. બીએસઈ મિડકેપ ઇન્ડેક્સમાં ૧.૧ ટકાનો ઉછાળો અથવા ૧૬૯ પોઇન્ટનો ઉછાળો રહેતા તેની સપાટી ૧૫૧૧૪ રહી હતી. બીએસઈ સ્મોલકેપઇન્ડેક્સમાં ૨૬૦ પોઇન્ટનો ઉછાળો રહેતા તેની સપાટી ૧૪૯૫૯ રહી હતી તેમાં ૧.૮ ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. આજે નિચલી સર્કિટમાં મનપસંદ બેવરેજના શેર લોક રહ્યા હતા. તેમાં ૨૦ ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. કાઉન્ટરમાં જોરદાર વેચવાલીના ઓર્ડર આપવામાં આવ્યા હતા. લ્યુપીનના શેરમાં ૨.૫ ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. પેજ ઇન્ડસ્ટ્રીના શેર બાવન સપ્તાહની નીચી સપાટીએ પહોંચી જતાં તેમાં ૧૦ ટકાનો ઘટાડો રહ્યો હતો. પેજ ઇન્ડસ્ટ્રીના શેર આજે કારોબારના અંતે ૧૦.૪ ટકાના ઘટાડા સાથે બંધ થતાં પહેલા ભારે અફડાતફડી રહી હતી. બજેટ ઉપરાંત શેરબજારમાં હવે મોનસુનની ચાલ, આરબીઆઈની પોલિસી સમીક્ષા, લિક્વિડીટી વધારવાના વિકલ્પો, ક્રૂડ ઓઇલની કિંમતો અને કારોબારીઓને વધુ રાહત આપવા સહિતના પાસાઓ ઉપર નજર રહેશે. છેલ્લા એક સપ્તાહમાં સેંસેક્સ અને નિફ્ટીમાં ચાર ટકાનો વધારો થઇ ચુક્યો છે જે ૨૦૧૯માં હજુ સુધીનો સૌથી મોટો સાપ્તાહિક ઉછાળો છે. એશિયન બજારની વચ્ચે પણ આ તમામમાં તેજી નવી આશા જગાવે છે. જાણકાર લોકોનું કહેવું છે કે, નિફ્ટી ૧૨૫૦૦ની સપાટી સુધી પહોંચી શકે છે. આના માટે પણ મોદીના નેતૃત્વમાં ગઠબંધન સરકારની પ્રચંડ બહુમતિને જવાબદાર ગણવામાં આવે છે. યુટીઆઈ એસેટ મેનેજમેન્ટમાં ઇક્વિટી હેડનું કહેવું છે કે, એનડીએ સરકારની આ શાનદાર જીતથી તેજીનો માહોલ રહી શકે છે. બિઝનેસ અને કન્ઝ્‌યુમર આત્મવિશ્વાસ અકબંધ રહેશે. ચૂંટણીને લઇને પહેલા કારોબારી દુવિધાભરી સ્થિતિમાં હતા.

Previous articleબજેટ રજૂ થાય ત્યાં સુધીમાં નિફ્ટી ૧૦ ટકા સુધી વધશે
Next articleયુરિયા ખાતરના પકડાયેલા જથ્થા મામલે ચાર સામે ગુનો નોંધાયો