મોદીની સુનામી બાદ વિપક્ષ વિવિધ રાજ્યોમાં મુશ્કેલીમાં

410

લોકસભાની ચૂંટણીમાં કારમી હાર થયા બાદ કોંગ્રેસ પાર્ટી અભૂતપૂર્વ સંકટનો સામનો કરી રહી છે. રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં કોંગ્રેસ છાવણીમાં વ્યાપક અસંતોષની સ્થિતિ છે. બંગાળમાં મમતા બેનર્જીની સામે પણ પાર્ટીને સાચવવા માટે પડકારની સ્થિતિ થઇ ગઇ છે. કર્ણાટકમાં કુમારસ્વામીની સરકાર હચમચી ઉઠી છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ, કર્ણાટક અને બંગાળ સુધી મોદીની સુનામીના લીધે વિરોધ પક્ષો હચમચી ઉઠ્યા છે. જુદા જુદા રાજ્યોમાં વિપક્ષને એક પછી એક ફટકા પડી રહ્યા છે. રાજસ્થાનની વાત કરવામાં આવે તો રાજસ્થાનમાં રાજકીય ખેંચતાણની વચ્ચે નાયબ મુખ્યમંત્રી સચિન પાયલોટને મુખ્યમંત્રી બનાવવાની માંગ ઉઠી રહી છે. રાજસ્થાન કોંગ્રેસ સમિતિના સચિવ સુશીલ આસોપાએ સચિનને મુખ્યમંત્રી બનાવવાનું સમર્થન કર્યું છે. સાથે સાથે ફેસબુક ઉપર એક પોસ્ટ પણ રજૂ કરીને રજૂઆત કરી છે.

રાજસ્થાનમાં કોઇપણ જગ્યાએ જવામાં આવે તો કહેવામાં આવે છે કોંગ્રેસ જો સચિન પાયલોટને પાંચ વર્ષની મહેનત બાદ મુખ્યમંત્રી બનાવી દીધા હોત તો રાજસ્થાન લોકસભાની ચૂંટણીના પરિણામ અલગ રહ્યા હોત. સચિન પાયલોટે સતત પાંચ વર્ષ સુધી સતત મહેનત કરી હતી જેમાં રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીની જીત થઇ હતી પરંતુ કોંગ્રેસે અશોક ગેહલોતને મુખ્યમંત્રી બનાવીને ફરી એકવાર તમામને નિરાશ કર્યા છે. યુવાનોને પહેલા લાગી રહ્યું હતું કે, સચિન પાયલોટને મુખ્યમંત્રી બનાવવામાં આવશે જેથી તમામ લોકોએ કોંગ્રેસને મત આપ્યા હતા. ભાજપના નેતા ભવાનીસિંહે કહ્યું છે કે, કોંગ્રેસની રાજ્યમાં જે સ્થિતિ છે તેનાથી લાગે છે કે, વધારે મહેનત કરવાની જરૂર પડશે. રાજસ્થાન ભાજપના નાયબ અધ્યક્ષ જ્ઞાનદેવ આહૂજાએ કહ્યું છે કે, કોંગ્રેસના ૨૫ જેટલા ધારાસભ્યો નાખુશ દેખાઈ રહ્યા છે. કોંગ્રેસમાં રાજીનામાનો દોર જારી છે. જો આ દોર જારી રહેશે તો કોંગ્રેસ પાર્ટીના ઘણા સભ્યો બહાર નિકળી શકે છે અને સરકાર લઘુમતિમાં આવી શકે છે. સરકાર પોતાની રીતે જ ગબડી પડશે. બીજી બાજુ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત પાર્ટી પ્રમુખને મળવા પહોંચ્યા હતા પરંતુ મળવાનો ઇન્કાર કરી દીધો હતો. રાહુલ ગાંધીએ પોતાના આવાસ ઉપર સોમવારે સવારે ૧૧ વાગે ગેહલોતને મળવાનો સમય આપ્યો હતો પરંતુ છેલ્લી ઘડીએ ઇન્કાર કરી દેવામાં આવ્યો હતો. રાજસ્થાનમાં નેતૃત્વ પરિવર્તનની શક્યતા દેખાઈ રહી છે. રાહુલના ઇન્કાર બાદ ગેહલોતે વેણુગોપાલ અને પાર્ટીના નેતા અહેમદ પટેલ સાથે વાતચીત કરી હતી. મધ્યપ્રદેશ સરકાર ઉપર પણ સંકટની સ્થિતિ છે.

ઓડિયોમાં પૈસાની લેવડદેવડના અહેવાલ બાદ હાલત કફોડી બનેલી છે. કર્ણાટકમાં કુમારસ્વામીના નેતૃત્વમાં જેડીએસ-કોંગ્રેસ સરકાર મુશ્કેલીમાં દેખાઈ રહી છે. કર્ણાટકમાં પણ કોંગ્રેસના ઘણા સભ્યો નાખુસ દેખાઈ રહ્યા છે. મંગળવારના દિવસે કુમારસ્વામીએ કોંગ્રેસના બે ધારાસભ્યો સાથે વાતચીત કરી હતી. ૨૨૫ વિધાનસભા સીટવાળી વિધાનસભામાં ભાજપના ૧૦૫ સભ્યો છે જે સૌથી મોટી પાર્ટી છે. ગઠબંધન પાસે ૧૧૭ સભ્યો છે જેમાં કોંગ્રેસના ૭૯ અને જેડીએસના ૩૭ સભ્યો છે.

Previous articleવામૈયા ગામમાં અનુ. જાતિના લોકોનો બહિષ્કાર, ખુદ કલેક્ટર અને SP સુલેહ કરવા દોડી ગયા
Next articleવર્લ્ડ કપ મહાસંગ્રામની આજથી શરૂઆત