રાજ્યોના પ્રમુખ નેતાઓની અમિત શાહે બેઠક બોલાવી

453

લોકસભાની ચૂંટણીમાં ભવ્ય દેખાવ કરીને ઐતિહાસિક જીત મેળવ્યા બાદ ભારતીય જનતા પાર્ટીના વડા અમિત શાહ ગૃહમંત્રી બની ગયા છે. પાર્ટીમાં એક વ્યક્તિ એક હોદ્દાની નીતિ ઉપર કામ થતું રહ્યું છે પરંતુ આવી સ્થિતિમાં હવે સૌથી મોટો પ્રશ્ન એ થઇ રહ્યો છે કે, પાર્ટી અધ્યક્ષ તરીકે અમિત શાહના વિકલ્પ તરીકે કોની પસંદગી કરવામાં આવશે. હાલમાં અમિત શાહે ૧૩મી અને ૧૪મી જૂનના દિવસે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના મુખ્ય નેતાઓની દિલ્હીમાં બેઠક બોલાવી છે. મુખ્ય નેતાઓની બેઠકમાં પાર્ટીના સંગઠન ચૂંટણીને લઇને ચર્ચા કરવામાં આવશે.

એક વરિષ્ઠ પાર્ટી નેતાએ કહ્યું છે કે, મિટિંગમાં સંગઠન મંત્રીઓને બોલાવવામાં આવ્યા છે. સંગઠનની ચૂંટણી પાર્ટીની તમામ રાજ્ય યુનિટોમાં થશે. જો કે, હરિયાણા, મહારાષ્ટ્ર અને ઝારખંડ જેવા રાજ્યોમાં આને ટાળવામાં આવી શકે છે. કારણ કે, આ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી ટૂંક સમયમાં જ યોજાનાર છે.

રાજ્યોમાં ચૂંટણી રાષ્ટ્રીય પ્રમુખની ચૂંટણી પહેલા યોજવામાં આવે છે. અમિત શાહની ત્રણ વર્ષની અવધિ આ વર્ષની શરૂઆતમાં પૂર્ણ થઇ ગઇ હતી પરંતુ લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં લઇને તેમને છ મહિના માટે વધુ જવાબદારી સોંપવા કહેવામાં આવ્યું હતું. અમિત શાહ ગૃહમંત્રી બની ગયા બાદ અનેક દિગ્ગજ નેતાઓનું માનવું છે કે તેઓ હોદ્દો છોડી દેશે. જો કે, ભાજપ તરફથી હજુ સુધી કોઇપણ પ્રકારની પ્રતિક્રિયાઆ આવી નથી. બીજી બાજુ પાર્ટીએ રાષ્ટ્રીય સ્તર પર પોતાની મેમ્બરશીપ અભિયાનને આગળ વધારવાની તૈયારી કરી છે. પાર્ટી સુત્રોના કહેવા મુજબ નવા રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી પહેલા આ પ્રક્રિયાને પૂર્ણ કરી લેવામાં આવશે. બૂથ સ્તરથી લઇને રાષ્ટ્રીય અધ્યક્ષ સુધી સમગ્ર સંગઠનમાં ફેર રચના થનાર છે. રાજ્ય કારોબારીના સભ્યો પોતાના અધ્યક્ષની ચૂંટણી કરશે ત્યારબાદ રાષ્ટ્રીય કારોબારીમાં સામેલ નેતા રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી કરશે. સામાન્યરીતે મોટાભાગના પ્રદેશ અધ્યક્ષ અને રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી સર્વસંમતિ સાથે કરવામાં આવે છે. પૂર્વ કેન્દ્રીયમંત્રી જેપી નડ્ડાનું નામ અમિત શાહના વિકલ્પના રેસમાં સૌથી આગળ ચાલી રહ્યું છે. આ ઉપરાંત એક ચર્ચા એવી પણ ચાલી રહી છે કે, અમિત શાહ પાર્ટી પ્રમુખ તરીકે રહી શકે છે પરંતુ તેમના સહકાર માટે વર્કિંગ પ્રમુખની પસંદગી કરવામાં આવી શકે છે. ગૃહમંત્રી તરીકેની જવાબદારી સંભાળી લીધા બાદ તેમની પાસે ભાજપ માટે સમયનો અભાવ રહેશે જે થી તેમના માટે રિપ્લ્લેશમેન્ટની જરૂર દેખાઈ રહી છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા લોકસભાની ચૂંટણીમાં જોરદાર દેખાવ કરવામાં આવ્યો હતો અને એકલા હાથે ૩૦૩ સીટો જીતી લીધી છે.

Previous articleબિહારમાં જેડીયુ એનડીએની સાથે રહી ૨૦૨૦ માટેની ચૂંટણી લડશે
Next articleપશ્ચિમ બંગાળ તણાવઃ ભાજપના ચાર, TMCના એક કાર્યકરની હત્યા