ગૃહમાં મનમોહનસિંહ અને દેવગૌડા આ વખતે નહીં રહે

425

પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહની રાજ્યસભાની અવધિ પરિપૂર્ણ થઇ ચુકી છે. આની સાથે જ આ બાબત નક્કી થઇ ગઇ છે કે, જ્યારે નવી સરકારની રચના બાદ ૧૭મી જૂનના દિવસે પ્રથમ સંસદ સત્રની શરૂઆત થશે ત્યારે ત્યારે કોઇ પૂર્વ વડાપ્રધાન ગૃહમાં ઉપસ્થિત રહેશે નહીં. જેડીએસના નેતા અને પૂર્વ વડાપ્રધાન દેવગૌડા તુમકુર લોકસભા ચૂંટણી હારી ગયા છે. મનમોહનસિંહ માટે બીજી વખત રાજ્યસભામાં ચૂંટાઈ આવવાની બાબત મુશ્કેલરુપ દેખાઈ રહી છે. મનમોહનસિંહને ૨૦૦૮ની મંદીમાંથી ભારતને બહાર નિકળવાની માટેની ક્રેડિટ જાય છે. તેઓ ૧૯૯૧માં આસામમાં પ્રથમ વખત રાજ્યસભા માટે ચૂંટાઈ આવ્યા હતા. ત્યારબાદ પ્રથમ વખત મનમોહનસિંહ સંસદમાં દેખાશે નહીં. આસામ વિધાનસભામાં કોંગ્રેસના ૨૫ ધારાસભ્યો છે જ્યારે રાજ્યસભા સભ્યની ચૂંટણીમાં પક્ષમાં વોટિંગ કરાવવા માટે ૪૩ ધારાસભ્યોની જરૂર પડે છે. જો તેમણે ઓલ ઇન્ડિયા ડેમોક્રેટિક ફ્રન્ટના ૧૩ ધારાસભ્યોનું સમર્થન મળે છે તો પણ પાર્ટીને બીજા પાંચ ધારાસભ્યોની જરૂર રહેશે. પાર્ટી તેમને અન્ય રાજ્યોમાંથી પણ રાજ્યસભામાં મોકલી શકે તેવી સ્થિતિમાં નથી. આસામમાં બે સીટ પર ભાજપ અને એલજેપીના સભ્યો ચૂંટાઈને રાજ્યસભામાં પહોંચ્યા છે જ્યારે બાકીની નવ ખાલી સીટોમાં ઓરિસ્સામાં ચાર, તમિળનાડુ, બિહાર અને ગુજરાતમાં ચાર સીટો છે.

ગુજરાતને બાદ કરતા કોંગ્રેસ પાસે કોઇપણ જગ્યાએ જરૂરી સંખ્યા નથી. મનમોહનસિંહ, કર્ણાટક, છત્તીસગઢ, રાજસ્થાન અથવા તો પંજાબમાંથી ચૂંટાઈ રાજ્યસભા જઈ શકે તેમ નથી. કારણ કે, ત્યાં હજુ સીટો ખાલી નથી. જો કે, કોંગ્રેસ ઇચ્છે તો તે પોતાના કોઇ વર્તમાન રાજ્યસભાના સાંસદને રાજીનામુ અપાવીને મનમોહનસિંહ માટે જગ્યા ખાલી કરાવી શકે છે. ૨૮ વર્ષના સાંસદ તરીકેના ગાળામાં મનમોહનસિંહ ૧૦ વર્ષ વડાપ્રધાન અને છ વર્ષ સુધી રાજ્યસભામાં વિપક્ષના નેતા તરીકે રહ્યા છે. મનમોહનસિંહ છેલ્લે ૨૦૧૩માં રાજ્યસભા માટે ચૂંટાઈ આવ્યા હતા. સંસદનું સત્ર ૧૭મી જૂનથી શરૂ થઇ રહ્યું છે. નવી સરકાર રચાયા બાદ આ પ્રથમ સત્ર રહેશે. પ્રથમ સત્રમાં જ અનેક મહત્વપૂર્ણ કામગીરીને હાથ ધરવા માટે મોદી સરકાર તૈયાર છે. હાલમાં જ યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં મોદીના નેતૃત્વ હેઠળ ભારતીય જનતા પાર્ટીએ પ્રચંડ બહુમતિ હાંસલ કરી હતી જેમાં ભાજપને ૩૦૩ સીટો અને કોંગ્રેસને બાવન સીટો હાથ લાગી હતી.

Previous articleબંગાળ : તબીબોની હડતાળથી સેવા ઠપ, દર્દીઓ ભારે બેહાલ
Next articleરાજકીય હિંસા ઉપર રિપોર્ટ આપવાનો મમતાને આદેશ