બરવાળાના ટીંબલા ગામની શાળામાં ધો.૬ થી ૮ બંધ કરાતા ગ્રામજનો દ્વારા શાળાને તાળા બંધી કરાઈ

656

બરવાળા તાલુકાના ટીંબલા ગામની પ્રાથમિક શાળામાં ધોરણ ૬ થી ૮ એકાએક બંધ કરી દેવાતા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં તંત્ર પ્રત્યે ભારે રોષ વ્યાપી ગયો છે જેના કારણે ગ્રામજનો દ્વારા શાળાના ધોરણ ચાલુ રાખવા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં કરી આવેદનપત્ર પાઠવી રજુઆત કરવામાં આવી હતી જે અન્વયે ગ્રામજનો દ્વારા શાળાને તાળાબંધી કરવામાં આવી હતી જેને પગલે ઉચ્ચ અધિકારીઓ શાળાની મુલાકાતે દોડી આવ્યા હતા અને ગ્રામજનોની માંગ સ્વિકાર થતા શાળાને તાળા ખોલી દેવામાં આવ્યા હતા.

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના ટીંબલા ગામની આશરે ૩૦૦ થી વધુ વસ્તી ધરાવતું ગામ છે આ ગામના બાળકોના અભ્યાસ માટે સરકારી પ્રાથમિક શાળા આવેલી છે આ શાળામાં ધોરણ ૧ થી ૮ સુધીના બાળકોને અભ્યાસ કરાવવામાં આવતો હતો પરંતુ જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા તા.૧૭/૦૬/૨૦૧૯ ના રોજ કાર્યાલય આદેશ કરી ટીંબલા પ્રાથમિક શાળામાં ધોરણ ૬ થી ૮ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને બેલા પ્રાથમિક શાળામાં મર્જ કરી બેલા પ્રાથમિક શાળામાં જુન-૧૯ થી પ્રવેશ આપવા માટે કાર્યાલય આદેશ કરી જણાવતા તા.૨૧/૦૬/૨૦૧૯ ના રોજ ટીંબલા પ્રાથમિક શાળાના શિક્ષકો દ્વારા ધો.૬ થી ૮ ના વિદ્યાર્થીઓના લીવીંગ સર્ટીફીકેટ લઇ જવા જણાવતા વિદ્યાર્થીઓ તેમજ વાલીઓમાં તંત્ર પ્રત્યે ઉગ્ર રોષ વ્યાપી ગયો હતો જે પગલે ટીંબલા ગામના ગ્રામજનો દ્વારા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને તા.૨૧/૦૬/૨૦૧૯ ના રોજ સવારના ૧૧ઃ૩૦ કલાકે શાળાને મર્જ નહિ કરવા બાબતે રજૂઆત કરી આવેદનપત્ર પાઠવ્યું હતું તેમજ બેલા ગામની પ્રાથમિક શાળામાં મર્જ કરવાથી ટીંબલા ગામના વિદ્યાર્થીઓને બેલા ગામે ૩ થી ૪ કી.મી જેટલું દુર અભ્યાસ અર્થે જવું પડે તેમ છે જેના કારણે વિદ્યાર્થીઓને હાલાકીનો સામનો કરવો પડશે તેવી ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી આ જિલ્લા શિક્ષણાધિકારી બોટાદના આદેશ વિરોધમાં ગ્રામજનો દ્વારા તા.૨૨/૬/૨૦૧૯ ના રોજ સવારે ૮ કલાકે  શાળાને તાળાબંધી કરવામાં આવી હતી તેમજ જ્યાં સુધી માંગણીનો સ્વિકાર ના થાય ત્યાં સુધી શાળાને તાળાબંધી રાખી વિધ્યાર્થીઓને શિક્ષણ કાર્યથી અળગા રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. શાળાને તાળાબંધી થવાના સમાચાર મળતા એસ.જે.ડૂમરાળિયા(જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી-બોટાદ) કલ્પેશભાઇ મોરી (તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી-બરવાળા) નીલેશભાઈ કણઝરીયા(સી.આર.સી.કો.ઓ.-બરવાળા) સહીતના આગેવાનો શાળાની મુલાકાતે દોડી આવ્યા હતા.જ્યારે ગ્રામજનો દ્વારા જિલ્લા શિક્ષણાધિકારીને ધો.૬ થી ૮ ચાલુ રાખવાની ઉગ્ર રજુઆત કરવામાં આવતા આ બાબતે ગામના આગેવાનો,વાલીઓ સાથે ચર્ચા-વિચારણા કરતા આખરે જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા વિદ્યાર્થીના હિતમાં નિર્ણય લઈ શાળામાં ધો.૬ થી ૮ ચાલુ રાખવા જણાવતા ઉપસ્થિત અધિકારીઓની ઉપસ્થિતિમાં ગ્રામજનો દ્વારા શાળાને મારેલ તાળા ખોલી નાખવામાં આવ્યા હતા.

Previous articleમંત્રી કુંવરજી બાવળીયાના વરદ હસ્તે ગઢડા એસ.ટી. ડેપોનું લોકાર્પણ કરાયું
Next articleધંધુકા સ્કુલમાં રેડ-ડેની ઉજવણી