ભાવનગરનાં વધુ એક ઉદ્યોગને તાળા લાગ્યા, આલ્કોક એશડાઉન હવે બંધ.

1210

ભાવનગર શહેરના બંદર રોડ પર આવેલા ગુજરાત સરકાર હસ્તકનાં આલ્કોક એશડાઉનને આજે તા.૨૯ને શનિવારે સત્તાવાર રીતે બંધ કરી દેવામાં આવતા કંપનીને તાળા મારી દેવાયા છે. આલ્કોક એશડાઉનમાં કામ કરતા કર્મચારીઓને છુટા કરી દેવાયા છે. જે ભાવનગર માટે આંચકા જનક સમાચાર બની રહ્યા છે. ભાવનગરના જુના બંદરે આવેલી આલ્કોક એશડાઉન કંપની એક સમયે ધમધમતી હતી. અહીં જહાજો બનાવવામાં આવતા જેમાં એક સમયે ઇન્ડીયન નેવીનાં જહાજો ઉપરાંત આંદામાન નિકોબાર માટે પેસેન્જર જહાજો પણ બનાવવામાં આવ્યા હતા. ભારત સરકાર હસ્તકની આ આલ્કોક એશડાઉન કંપની ૧૯૯૫ માં ગુજરાત સરકારનાં હસ્તક આવી હતી. જેમાં એમ.ડી. તરીકે હોદ્દાની રૂઇએ મ્યુ.કમિશ્નર રહેતા એક સમયે ભવ્ય અને ગૌરવવંતો ઇતિહાસ ધરાવતા સરકાર હસ્તકનાં આ ઔદ્યોગિક એકમમાં છેલ્લા કેટલાક સમયથી જહાજની કામગીરી બંધ હતી અને કર્મચારીઓ દ્વારા આંદોલન કરી કંપની શરૂ રાખવા રજુઆતો પણ કરાતી હતી. ત્યારે આજે તા.૨૯ને શનિવારે સત્તાવાર રીતે આલ્કોક એશડાઉન કંપનીને બંધ કરેલી જાહેર કરી તાળા લગાવતા કર્મચારીઓમાં નિરાશા ફેલાવા પામી છે.

રાજ્યનાં અન્ય જિલ્લાઓમાં નવા ઔદ્યોગિક એકમો સ્થપાવા સાથે વિકાસ થવા સાથે રોજગારીઓ પણ ઉભી થઇ રહી છે ત્યારે ભાવનગરની નબળી નેતાગીરીના કારણે નવા ઉદ્યોગો આવતાતો નથી પરંતુ છે તે ઉદ્યોગો પણ બંધ થઇ રહ્યા છે. ભાવનગરને રેલ્વે, હવાઇ સેવા, પાસપોર્ટ કચેરી, ઇન્ટરનેશનલ એરપોર્ટ, ફોરલેન-સીક્સલેન હાઇવે, ઓવર બ્રિજ હોય કે નવા ઔદ્યોગિક એકમો હોય દરેક ક્ષેત્રે અન્યાય થઇ રહ્યો છે. ભાવનગરની સરખામણીએ રાજકોટ તમામ ક્ષેત્રે આગળ નિકળી ગયું છે. સત્તાધારી પક્ષને ભાવનગરે બે પ્રદેશ પ્રમુખ આપવા ઉપરાંત છેલ્લી આઠ ટર્મથી સાંસદ પણ સત્તાધારી પક્ષમાં મોકલવામાં આવી રહ્યા છે. છતાં ભાવનગરની સતત અવગણનાં કરીને અન્યાય કરવામાં આવી રહ્યો છે. જેનાથી ભાવનગરની નેતાગીરી નબળી હોવાનું લોકોમાં ચર્ચાઇ રહ્યુ ંછે.

Previous articleમહાપાલિકાની સાધારણ સભામાં ચીલાચાલુ પ્રશ્નોની ચર્ચાના અંતે તમામ ઠરાવો મંજુર
Next articleસિહોરમાં વરસાદી પાણી ફરી વળતા દુકાનોમાં પાણી ભરાયા, દિવાલ પડી