કાલે મધરાતે ૨-૫૧ મિનિટે ‘ચંદ્રયાન-૨’ લોન્ચ કરાશે

558

ઈસરોના ચેરમેન ડો.કે સિવાને ચંદ્રયાન-૨ના લોન્ચની તારીખ અને સમયની જાહેરાત કરી દીધી છે. કે. સિવાને કહ્યુ હતુ કે, ચંદ્રયાન-૨ને ૧૫ જુલાઈએ મધરાતે ૨ વાગ્યે અને ૫૧ મિનિટે લોન્ચ કરવામાં આવશે. આ માટે જીએસએલવી એમકે-૩ લોન્ચ વ્હિકલનો ઉપયોગ કરવામાં આવશે.

તેમણે કહ્યુ હતુ કે, ચંદ્રયાન-૨ના સફળતાપૂર્વક લોન્ચિંગ બાદ તેને ચંદ્રના દક્ષિણ ધ્રુવ પાસે પહોંચવામાં અને ચંદ્રયાનના રોવરને લેન્ડ કરવામાં લગભગ બે મહિનાનો સમય લાગશે.આ પહેલા આઠ જુલાઈએ ઈસરો દ્વારા ચંદ્રયાનની તસવીરો જાહેર કરાઈ હતી. ઈસરોની યોજના આ મિશન થકી ચંદ્રની સપાટી પર બરફ છે કે નહી તે જાણવાની છે. જો ત્યાં બરફ હશે તો ભવિષ્યમાં ત્યાં મનુષ્ય પ્રવાસ કરી શકશે. તેની સાથે સાથે બીજી નવી શોધખોળના રસ્તા પણ ખુલશે.

ચંદ્રયાનનુ રોવર ચંદ્રની સપાટી પર લેન્ડ કર્યા બાદ ૧૪ દિવસ સુધી માહિતી એકત્રીત કરશે. ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર આજ સુધી કોઈ પહોંચ્યુ નથી. આ મિશન સફળ થયુ તો દુનિયાભરના વૈજ્ઞાનિક સમુદાયને તેનાથી ફાયદો થશે. માટે જ ઈસરો ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર લેન્ડિંગનુ જોખમ લઈ રહ્યુ છે.

વર્ષ ૨૦૦૯માં ચંદ્રયાન – ૧ બાદ ચંદ્રમાની સપાટી પર પાણીના અણુઓની ઉપસ્થિતીની જાણકારી મેળવ્યા બાદથી ભારતે ચંદ્રમાની સપાટી પર પાણીની શોધ ચાલુ રાખી છે. ચંદ્રમા પર પાણીની ઉપસ્થિતીથી જ ભવિષ્યમાં અહીંયા મનુષ્યના રહેવાની શક્યતાઓ વધી શકે છે.વડાપ્રધાન મોદીએ વર્ષ ૨૦૨૨ સુધી માનવને અંતરિક્ષમાં મોકલવાની વાત કહી છે. મોટાભાગના વિશેષજ્ઞોનું કહેવું છે કે આ મિશનથી મળનારા જિયો-સ્ટ્રેટેજિકના ફાયદા વધારે નથી, પરંતુ ભારતનું ઓછા ખર્ચ વાળુ આ મોડલ કોમર્શિયલ ઉપગ્રહો અને ઓરબિટિંગ ડીલ પ્રાપ્ત કરી શકશે. આપને જણાવી દઈએ કે ચંદ્રયાન-૨ ઓર્બિટર, લેન્ડર અને રોવર લગભગ પૂરી રીતે ભારતમાં જ ડિઝાઈન કરવામાં આવ્યા છે અને બનાવવામાં આવ્યા છે. તે ૨.૪ ટન વજન વાળા ઓર્બિટરને લઈ જવા માટે પોતાના સૌથી તાકાતવર રોકેટ લોન્ચર જીએસએલવી એમકે-૩નો ઉપયોગ કરશે. ઓર્બિટરનીં મિશન લાઈફ આશરે ૧ વર્ષ છે.ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર હજી સુધી કોઈ દેશ પહોંચ્યો નથી. આ વિસ્તારમાં સૂર્યના કિરણો ત્રાંસા પડતા હોવાથી અહીંનુ ટેમ્પરેચર બહુ ઓછુ રહે છે. અહીંયા વિરાટકાય ખાડા પણ છે. જેની અંદરનુ તાપમાન -૨૫૦ ડિગ્રી સુધી પહોંચતુ હોય છે. આટલી ઠંડીમાં ચંદ્રયાનના રોવરને ઓપરેટ કરવાનુ કામ પડકાર જનક મનાઈ રહ્યુ છે. આ વિશાળ ખાડાઓમાં પાણી બરફ સ્વરુપે જળવાયેલુ હોવાનુ એક અનુમાન છે.

Previous articleમોદી-૨ શિક્ષણ સંસ્થાઓમાં ત્રણ લાખ જગ્યાઓ ભરવા માટે તૈયાર
Next articleવરસાદ ખેંચાતા પાક સુકાવા લાગ્યો, ખેડૂતોએ રામધૂન બોલાવી