આસામમાં પુરની સ્થિતિ હજુપણ ગંભીર : ૧૫ લાખ લોકોને અસર

353

આસામ, બિહાર, ઉત્તરપ્રદેશ અને મહારાષ્ટ્ર સહિત દેશના કેટલાક રાજ્યોમાં ભારે મોનસુની વરસાદના કારણે સ્થિતિ વણસી ગઈ છે. આસામમાં પુરના કારણે ૧૫ લાખથી વધુ લોકોને માઠી અસર થઇ છે. ૧૦ લોકોના મોત થઇ ચુક્યા છે. લાખો લોકોને સુરક્ષિત સ્થળો ઉપર રાહત કેમ્પોમાં ખસેડવામાં આવ્યા છે. આસામ અને ઉત્તરીય બિહારમાં પુરની સ્થિતિ સર્જાયેલી છે. આસામમાં અડધાથી પણ વધારે જિલ્લાઓ બ્રહ્મપુત્ર અને તેની સહાયક નદીઓમાં પુરના કારણે જળબંબાકાર થઇ ગયા છે. બિહારમાં પણ સ્થિતિ ખરાબ થઇ રહી છે. ઉત્તરપ્રદેશમાં પણ અનેક જિલ્લાઓમાં ભારે વરસાદના કારણે પુર જેવી સ્થિતિ સર્જાઈ ગઈ છે. ગુવાહાટીથી પ્રાપ્ત અહેવાલ મુજબ આસામમાં સ્થિતિ ગંભીર બનેલી છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં બચાવ અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. આસામમાં સાત હજારથી વધુ લોકોને તેમના ઘર છોડવાની ફરજ પડી છે. પુરથી રાજ્યના ૩૩ જિલ્લાઓ પૈકી ૨૧ જિલ્લાઓ ગંભીર રીતે પ્રભાવિત થયા છે. આ પુરથી રાજ્યમાં ૧૫ લાખથી વધુ લોકો અસરગ્રસ્ત થયા છે.

૧૦ લોકોના મોત થઈ ચુક્યા છે. ૧૧૫૬ જેટલા ગામોમાં રહેતા ૧૫ લાખથી વધુ લોકોને અસર થઈ છે. રાજ્ય સરકાર બચાવ અને રાહત કામગીરીમાં લાગેલી છે.  અસરગ્રસ્ત તમામ લોકોને ૬૮ રાહત કેમ્પોમાં ખસેડવામાં આવ્યા છે. બીજી બાજુ ભારે વરસાદ બાદ ઉભી થયેલી પુરની સ્થિતિના કારણે ૨૭૮૬૪ હેક્ટર પાર્કને નુકસાન થયું છે. રાજ્ય સરકાર દ્વારા બચાવ કામગીરી વધુ તીવ્ર કરી દેવામાં આવી છે. અસરગ્રસ્ત જિલ્લાની સંખ્યા ૧૧થી વધીને ૨૧ ઉપર પહોંચી ગઇ છે. નવેસરના અનેક વિસ્તારો પુરના સકંજામાં આવી ગયા હોવા છતાં કોઇ ખુવારી થઇ રહી નથી. અનેક વિસ્તારો જળબંબાકાર થઇ ગયા છે. જેથી લોકોને સુરક્ષિત સ્થળ પર ખસેડી દેવામાં આવ્યા છે. જે ૨૧ અસરગ્રસ્ત જિલ્લાઓ રહેલા છે તેમાં ધેમાજી, લખીમપુુર, સોનિતપુર, બક્સા, બારપેટા, નાલબેરી, ચિરાંગ અને અન્ય જિલ્લાઓનો સમાવેશ થાય છે. આસામના ધેમાજી જિલ્લામાં સૌથી વધારે અસર થઇ છે. આસામમાં પુરના પરિણામ સ્વરુપે વિશ્વપ્રસિદ્ધ કાજીરંગા નેશનલ પાર્કમાં ૭૦ ટકા પાણી ઘુસી ગયા છે. ૯૫ કેમ્પોમાં પણ પાણી ઘુસી ગયા છે. સ્થિતિ હજુ પણ ગંભીર બની શકે છે. આસામમાં કાજીરંગા નેશનલ પાર્ક વિશ્વમાં સૌથી મોટા પાર્ક પૈકી એક તરીકે છે. અહીં અસામાન્ય પ્રાણીઓને અન્યત્ર ખસેડવામાં આવ્યા છે. શિકારની કોઇપણ તકને રોકવા માટે વન્ય વિભાગ દ્વારા પગલા લેવામાં આવી ચુક્યા છે. બિહારના છ જિલ્લાઓમાં પણ પુરની સ્થિતિ ગંભીર બનેલી છે. ઉત્તરીય વિસ્તારોમાં નેપાળના વિસ્તારોમાં થઇ રહેલા ભારે વરસાદના કારણે પાણીની સપાટી વધી ગઈ છે. છ જિલ્લાઓમાં પુરની સ્થિતિ સર્જાઈ ગઈ છે. અનેક સ્થળો ઉપર રેલવે પાટા ઉપર પાણી ફરી વળ્યા છે જેતી રેલવે સેવાને અસર થઇ છે. કોચી નદીમાં પાણીની સપાટી ચિંતાજનકરીતે વધી રહી છે. રાજ્યના છ જિલ્લા શિવહર, સીતામઢી, પૂર્વીય ચંપારણ, મધુબની, અરેરિયા અને કિસનગંજના ક્ષેત્રમાં પુરની સ્થિતિ સર્જાઈ ગઈ છે. દરભંગા, વૈશાલી અને મુઝફ્ફરપુરમાં પણ નદીઓમાં પુરની સ્થિતિ સર્જાઈ ગઈ છે. લખનૌથી પ્રાપ્ત અહેવાલ મુજબ ઉત્તરપ્રદેશમાં પણ અતિભારે વરસાદ થઇ રહ્યો છે જેથી અનેક જિલ્લાઓમાં પુરની સ્થિતિ ઉભી થઇ છે. ડઝન જેટલા ગામ પુરના સકંજામાં આવી ગયા છે. અયોધ્યા જિલ્લામાં સરયુ નદીમાં પાણીની સપાટી ભયજનક સ્તરથી ઉપર પહોંચી ગઈ છે. નદીમાં પાણીની સપાટી સવારમાં ૯૧.૮૬ મીટર પર હતી. વારાણસીમાં ગંગા નદીમાં પાણીની સપાટી પણ વધી ગઈ છે. રાબ્તી નદીમાં પાણીની સપાટી ભયજનક સ્તરથી ઉપર પહોંચી ગઈ છે. પંજાબ અને હરિયાણાના અનેક વિસ્તારોમાં પણ ભારે વરસાદ થઇ રહ્યો છે જેના લીધે જનજીવન ઉપર અસર થઇ છે. હજુ ભારે વરસાદની ચેતવણી તંત્ર દ્વારા જારી કરવામાં આવી છે. ૧૫મી જુલાઈ સુધી બિહારમાં અતિભારે વરસાદ પડવાની ચેતવણી જારી કરવામાં આવી ચુકી છે.

Previous articleચંદ્રયાન-૨ : લોંચના બાવન દિવસ બાદ રોવર ચંદ્ર ઉપર
Next articleપંજાબમાં અમરિન્દરસિંહની કેબિનેટથી સિદ્ધૂનું રાજીનામુ