ઉત્તર પૂર્વિય રાજયો ફરીથી પ.૬ના ભુકંપથી ધણધણ્યા

351

અરુણાચલ પ્રદેશ, આસામ, અન્ય ઉત્તરપૂર્વીય રાજ્યોમાં આજે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. આની તીવ્રતા રિક્ટર સ્કેલ ઉપર ૫.૬ જેટલી આંકવામાં આવી હતી. ભૂકંપનું કેન્દ્ર અરુણાચલ પ્રદેશના કામેંગ જિલ્લાથી ૧૦ કિલોમીટર પૂર્વમાં હોવાનું જાણવા મળ્યું છે. આંચકા આસામના જુદા જુદા ભાગો, આસામના પાટનગર ગુવાહાટી, નાગાલેન્ડમાં દિમાપુરમાં અનુભવાયા હતા. બપોરે ૨.૫૨ વાગે આંચકા અનુભવાયા હતા. ભૂકંપના કારણે જાનમાલના નુકસાનના કોઇ સમાચાર હજુ સુધી મળી શક્યા નથી પરંતુ ભૂકંપ સંબંધિત વિભાગ દ્વારા આને લઇને તપાસ હાથ ધરવામાં આવી છે. હાલના દિવસોમાં દેશના જુદા જુદા ભાગોમાં અનેક વખત આંચકા આવી ચુક્યા છે જેમાં ખુવારી થઇ નથી પરંતુ લોકો દ્વારા દહેશત વ્યક્ત કરવામાં આવી રહી છે. આસામમાં એકબાજુ પુરની સ્થિતિ સર્જાયેલી છે ત્યારે બીજી બાજુ આજે ભૂકંપના આંચકાથી પણ આસામ હચમચી ઉઠ્યું હતું. ભૂકંપ સાથે સંબંધિત ઓફિસ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ઉત્તરપૂર્વીય રાજ્યોમાં હાલમાં આવેલા આંચકાના કારણે ભૂકંપ સંબંધિત વિભાગોમાં અભ્યાસની ગતિવિધિ હાથ ધરવામાં આવી છે.

અત્રે નોંધનીય છે કે, આસામમાં હાલમાં પુરની સ્થિતિ છે જેના કારણે ૩૭થી વધુ લોકોના મોત થઇ ચુક્યા છે અને ૫૦ લાખથી વધુ લોકોને અસર થઇ છે. આસામમાં સ્થિતિ ગંભીર બનેલી છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં બચાવ અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે.  અસરગ્રસ્ત તમામ લોકોને ૧૦૮૦ રાહત કેમ્પોમાં ખસેડવામાં આવ્યા છે. આસામના મુખ્યપ્રધાન સર્બાનંદ સોનોવાલે વર્તમાન પુરની સ્થિતી અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાતચીત કરી છે. સાથે સાથે રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલા પગલા અંગે પણ વડાપ્રધાનને માહિતી આપી છે. એનડીઆરએફ ૧૫ ટીમો લાગેલી છે.

Previous articleસેંસેક્સ ૫૬૦ પોઇન્ટ ઘટીને બંધ
Next articleકર્ણાટકમાં બહુમત પરીક્ષણ વિના કાર્યવાહી સ્થગિત