ગ્લોબલ ટી-૨૦ લીગમાં ગેલનો ધમાકો, અણનમ સદી સાથે ૧૨ છગ્ગા ફટકાર્યા

838

ગ્લોબલ ટી૨૦ ક્રિકેટના બાદશાહ ખેલાડી ક્રિસ ગેલે એકવાર ફરી દેખાડ્યું કે તે ક્રિકેટનો યૂનિવર્સ બોસ કેમ છે. આ દિવસોમાં ગ્લોબલ ટી૨૦ કેનેડા લીગમાં રમી રહેલા આ બેટ્‌સમેને સોમવારે પોતાની તોફાની સદીથી પોતાના ફેન્સનું દિલ એકવાર જીતી લીધું છે. વૈનકોવર નાઇટના આ બેટ્‌સમેને ૫૪ બોલમાં અણનમ ૧૨૨ રન ફટકાર્યા, જેમાં તેણે ૧૨ છગ્ગા અને ૭ ચોગ્ગા ફટકાર્યા હતા.

ગેલની આ તોફાની ઈનિંગની મદદથી વૈનકોવર નાઇટે મોન્ટ્રિયલ ટાઇગર્સ વિરુદ્ધ નિર્ધારિત ૨૦ ઓવરમાં ૩ વિકેટ ગુમાવીને ૨૭૬ રનનો વિશાળ સ્કોર ઊભો કર્યો હતો. પરંતુ ખરાબ હવામાનને કારણે મેચની બીજી ઈનિંગ ન રમાઈ શકી અને બંન્ને ટીમોને એક-એક પોઈન્ટ મળ્યો હતો. ગેલની આ તોફાની ઈનિંગ બાદ મેચમાં રિયલ તોફાન પણ આવ્યું, જેથી મેચ પૂરી ન થઈ શકી.

આ લીગમાં ૩૯ વર્ષીય આ બેટ્‌સમેનની ત્રીજી મેચ હતી અને આ પહેલા તેણે ૧૨ અને ૪૫ રન બનાવ્યા હતા. પરંતુ સોમવારે જ્યારે તે ક્રીઝ પર ઉતર્યો તો તે અંદાજમાં જોવા મળ્યો, જેના માટે તે જાણીતો છે. પોતાની ઈનિંગના ૪૭મા બોલ પર ગેલે છગ્ગો ફટકારીને પોતાની સદી પૂરી કરી હતી. આ કેનેડા જી ટી૨૦ લીગની પ્રથમ સદી પણ છે. ગેલની તોફાની ઈનિંગથી બચવા માટે મોન્ટ્રિયલ ટાઈગર્સે ખુબ પ્રયત્ન કર્યો અને તેના છ બોલરોને મોરચા પર લગાવ્યા હતા. પરંતુ તમામ બોલર ગેલને આઉટ કરવામાં નિષ્ફળ રહ્યાં હતા.

Previous articleટી-૨૦ વર્લ્ડકપમાં ભારતીય પ્રશંસકોને આકર્ષવા ઓસ્ટ્રેલિયા અધધધ…૨૩.૪ કરોડ રૂ. ખર્ચશે
Next articleસેન્સેકસમાં ૨૮૯ પોઈન્ટનો ઘટાડો