જન્માષ્ટમી લોકમેળાને લોકોએ મનભરીને માણ્યો

715

ભાવનગર ખાતેના જવાહર મેદાનમાં ગુજરાત રાજ્ય યુવક સેવા-સાંસ્કૃતિક વિભાગ-સંગીત નાટક અકાદમી અને વિભાવરીબેન દવે પ્રેરીત જન્માષ્ટમી લોકમેળાને કેન્દ્રિય મંત્રી મનસુખભાઇ માંડવીયા, પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણી, રાજયમંત્રી વિભાવરીબેન દવે, સાંસદશ્રી ભારતીબેન શિયાળ, મેયર મનહરભાઇ મોરી, સ્ટેન્ડીગ કમિટીના ચેરમેન યુવરાજસિંહ ગોહિલ, ગીર સોમનાથના પ્રભારી ભરતસિંહ ગોહિલ, જિલ્લા કલેકટર હર્ષદ પટેલની પ્રેરક ઉપસ્થિતમાં દીપ પ્રાગટ્ય કરી ખુલ્લો મુકવામાં આવ્યો હતો.આ લોક્મેળામાં અવનવી. યાંત્રિક રાઇડ્‌સ, સેલ્ફી ઝોન,રમકડા, કટલેરી, હાથ બનાવટની વસ્તુઓ, ખાણી પીણીના સ્ટોલ્સ, અને ત્રણ દિવસ સુધી ચાલેલાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો લોકોના આકર્ષણનુ મુખ્ય કેન્દ્ર બન્યા હતા.અને લોકોને મનોરંજન પુરૂ પાડ્યુ હતું.

આ પ્રસંગે કેન્દ્રિય મંત્રી માંડવીયાએ જણાવ્યું હતું કે જન્માષ્ટમી દરમ્યાન સમગ્ર વાતાવરણ કૃષ્ણમય બને છે.આ  ઉત્સવ થકી આપણે સૌએ કૃષ્ણના જીવન કવનમાંથી પ્રેરણા લેવી રહી. જ્યારે પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું હતું કે કૃષ્ણ એ આસ્થા અને શ્રધ્ધા નું પ્રતીક છે.આ ઉત્સવ થકી સૌ હળીમળીને રહીએ અને જીવનની કડવાશ ભુલાવી એકબીજાને સહયોગી થઈએ.

પ્રથમ દિવસે મેળાના વિશાળ મંચ પરથી સુપ્રસિદ્ધ ગાયિકા ગીતાબેન રબારીએ ગરબા,ગીતો,દેશભક્તિ ગીતો અને પ્રાચીન લોકગીતોની રમઝટ બોલાવી હતી જેમાં રાજ્યમંત્રી  વિભાવરીબેન સહિતના ઉપસ્થિત સૌ સંગીતના તાલે ઝૂમી ઉઠ્યા હતા. તો બીજા દિવસે કિંજલ દવેના સુરે જાણે આખું ભાવનગર હિલોળે ચડ્યું હતું.કિંજલ દવેના કંઠે ચાર ચાર બંગડી વાળું ગીત રજૂ થતાં અબાલ વૃદ્ધ સૌ ઝુમી ઉઠ્યા હતા.ત્રીજા અને અંતિમ દિવસે જેનો સુર બૉલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ સુધી છવાયેલો છે એવા ઓસમાણ મીરે સૂફી ભજનો,ગરબા, ગઝલો અને લોકગીતોની પોતાના આગવા અંદાજમાં જમાવટ કરી હતી. ત્રણ દિવસ સુધી ચાલેલા આ ઉત્સવમાં ભાવનગરની જનતાએ ઉમળકાભેર ભાગ લીધો હતો અને બહોળી સંખ્યામાં લોકોએ દરેક કાર્યક્રમને માણ્યો હતો..

Previous articleમહાપાલિકાની સાધારણ સભામાં રોડ – રસ્તા પ્રશ્ને થયેલી ઉગ્ર ચર્ચા
Next articleભાવનગરથી અમદાવાદ એસટીની વોલ્વો બસ શરૂ