બોલો… ટ્રાફિક પોલીસે બળદગાડાનું પણ ચલણ કાપ્યું

396

નવા ટ્રાફિક નિયમો લાગુ કર્યા બાદ ટ્રાફિક પોલીસ તાબડતોબ લોકોના ચલણ કાપી રહી છે. જેમાં અજીબોગરીબ મામલાઓ જોવા મળી રહ્યા છે. ઉત્તર પ્રદેશના બિજનૌર જિલ્લાના સાહસપુરમાં એક બળદગાડીવાળાનું પણ ટ્રાફિક પોલીસે ચલણ કાપ્યું છે. પોલીસે શનિવારના રોજ બળદગાડીના માલિકને મેમો મોકલ્યો છે. જોકે, નવા ટ્રાફિક નિયમો અનુસાર બળદગાડી પર કોઈ દંડ લગાવવાની જાહેરાત નહીં કરી હોવાથી પોલીસે ચલણને રદ્દ કરવાનો નિર્ણય લીધો છે.

બળદગાડીના માલિક રિયાઝ હસને શનિવારે પોતાના ખેતરની નજીક બળદગાડી ઉભી રાખી હતી. એટલામાં સબ ઈન્સપેક્ટર પંકજ કુમારના નેતૃત્વવાળી પોલીસની ટીમ કે જે તે વિસતારનું પેટ્રોલિંગ કરી રહી હતી તે ત્યાં આવી પહોંચી. તેમણે જોયું કે બળદગાડાની આસપાસ તેનું કોઈ રણીધણી નહતું. ગ્રામજનોની પૂછપરછ કર્યા બાદ જાણવા મળ્યું કે આ બળદગાડા હસનની છે.

પોલીસ બળદગાડાને લઈને હસનના ઘર સુધી પહોંચી વીમા વગરના વાહનને ચલાવવાના મોટર વ્હીકલ એક્ટની કલમ ૮૧ અંતર્ગત તેના માલિકના હાથમાં એક હજાર રૂપિયાનો દંડ ફટકારતું ચલણ પકડાવી દીધું હતું. હસને દલીલ કરતા કહ્યું કે તમે આવી રીતે મારા નામ પર ચલણ ન કાપી શકો. મેં મારા ખેતરની બહાર મારું બળદ ગાડું ઉભૂ રાખ્યું હતું. નવા ટ્રાફિક નિયમો અંતર્ગત તમે મારા બળદગાડાનું ચલણ કેવી રીતે કાપી શકો? ત્યારબાદ રવિવારના રોજ તેનું ચલણ રદ્દ કરી દેવામાં આવ્યું હતું.

Previous articleમધ્ય પ્રદેશમાં વરસાદનો કહેર… ૫૦ હજાર લોકોને રાહત છાવણીમાં આશ્રય અપાયો
Next articleઅસામાજિક તત્વો છાકટા બન્યાં, રસ્તા પર જતી આવતી તમામ કારના કાચ તોડ્યા