ટ્રાફિક નિયમોનું જો પાલન કરવામા આવે તો રૂ.૫ લાખની સારવારનો ખર્ચ રૂ.૧,૦૦૦ના હેલ્મેટથી નિવારી શકાય છે

1779

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન ના એક રિપોર્ટ પ્રમાણે ભારતમાં દરરોજ ૮૨૧ લોકોના માર્ગ અકસ્માતના કારણે મૃત્યુ થાય છે. ૨૦૧૮ ના વર્ષમાં જ ભારતમાં ૧.૪૯ લાખ લોકો માર્ગ અકસ્માત ના કારણે મૃત્યુ પામ્યા. ગુજરાત રાજ્યમાં પણ વર્ષ ૨૦૧૭ મા ૧૯,૦૮૧ અકસ્માતો નોંધાયા.જેમાં ૭,૨૮૯ લોકોના મૃત્યુ થયાં તેમજ ૧૬,૮૦૨ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા.ત્યારે તાજેતરમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા અકસ્માતો નિવારવા તેમજ તેના પર નિયંત્રણ લાવવા ટ્રાફિક અંગેના નવા કાયદાઓ અમલમાં મુકવામાં આવ્યા છે. જેનું પાલન કરવું એ આપણા સૌની નૈતિક ફરજ બને છે.જેના પાલન થકી વ્યક્તિ તેમજ તેનો પરિવાર અનેકવિધ મુશ્કેલીઓ માંથી બચી શકે છે.

આ બાબતે ભાવનગરના ખ્યાતિપ્રાપ્ત ચિત્રકાર રઘુવિરસિંહ ગોહિલ ઉ.વ.૩૫  રૂબરૂ મુલાકાતમાં જણાવે છે કે હું ૩ વર્ષ પહેલાં રાત્રે ૧૨.૧૫ વાગ્યા આસપાસ ભાવનગર શહેરના સિંધી કેમ્પ પાસે રબ્બર ફેક્ટરી રોડ પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે અચાનક જ રોડ પર કૂતરૂ આડું ઉતરતા બાઈક સ્લીપ થયું હતું અને માથા તેમજ આંખના ભાગે ગંભીર પ્રકારની ઈજાઓ થવા પામી હતી. જેની સારવાર ભાવનગરની સર.ટી. હોસ્પિટલ તેમજ અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં ૬ માસ સુધી ચાલી હતી. આંખના ભાગે પ્લાસ્ટિક સર્જરી તેમજ મગજમાં જટીલ અને જોખમી કહી શકાય તેવું ઓપરેશન કરવામાં આવ્યું હતુ. આ સમગ્ર સારવારમાં ૫.૫૦ લાખનો ખર્ચ થયો. ઈજા એટલી ગંભીર હતી કે ડોક્ટરોએ હું બચી જઈશ તેવી ક્યારેય મને ખાતરી આપી ન હતી. આજે ઈશ્વર કૃપાથી હું બચી ગયો છું ત્યારે મનમાં એક જ પસ્તાવો છે કે જો તે દિવસે મેં ૧,૦૦૦ રૂ.ની કિંમતનું હેલમેટ પહેર્યું હોત તો આટ આટલી યાતનાઓનો ભોગ ન બનવું પડ્યું હોત અને મારી શારીરિક તેમજ માનસિક કાર્યક્ષમતામાં પણ ઘટાડો ન થયો હોત. એ વખતે મારી આર્થિક સ્થિતિ પણ એટલી સધ્ધર નહીં કે હું સારવાર માટે ૫.૫૦ લાખનો ખર્ચ કરી શકું. આ તો વંદન એ ભાવનગર તેમજ સુરતના ૧૫૦ જેટલા કલાકારોને કે જેઓ આગળ આવ્યા અને સારવારનો સમગ્ર ખર્ચ ઉપાડી મને મદદરૂપ બન્યા.

વધુમાં રઘુવિરસિંહ જણાવે છે કે મુખ્ય વ્યક્તિ હોવાના કારણે પરિવારની સંપૂર્ણ જવાબદારી મારા શિરે હતી ત્યારે જો મારૂ અકસ્માતમાં નિધન થઈ જાત તો પરિવારનું શું થાત એ વિચારમાત્રથી આજે પણ કંપારી છૂટે છે. રઘુવીરસિંહને નવી જિંદગી મળતા હાલ તેઓ લોકોમાં હેલ્મેટ પહેરવા પ્રત્યે જાગૃતિ વધે તેમજ અકસ્માતોથી થતા મૃત્યુ નિવારી શકાય તે માટે લોકો વચ્ચે જઈ હેલ્મેટના ફાયદાઓ જણાવે છે. ટ્રાફિક સપ્તાહની  ઉજવણીમાં પોતાના ચિત્રો થકી લોકજાગૃતિ લાવવા પ્રયાસ કરે છે અને ‘તમારા માટે નહીં પણ તમારા પરિવાર માટે હેલ્મેટ પહેરો” એ સંદેશ સાથે સમાજને પોતાની સાથે ઘટેલ ઘટના થકી જાગૃત કરવા પ્રયત્ન કરે છે.

Previous articleઘનશ્યામનગર પ્રા.શાળામાં પર્યાવરણ અભ્યાસ અંતર્ગત શાકભાજી, ફળ,ફુલનું પ્રદર્શન યોજાયું
Next articleરાણપુરની નોમાન ગેસ એજન્સીનો જથ્થો સીઝ