નવ બેંકોને બંધ કરવાની કોઈ જ યોજના નથી : આરબીઆઈ

366

સોશિયલ મિડિયા પર ફેલાયેલી અફવાને ફગાવી દઇને રીઝર્વ બેંકે આજે કહ્યુ હતુ કે કોઇ પણ વાણિજ્ય બેંકોને બંધ કરવામાં આવનાર નથી. નવ વાણિજ્ય બેંકો બંધ થવા જઇ રહી છે તેવા મિડિયા હેવાલ આધારવગરના હોવાનો દાવો કરવામાં આવ્યો છે. સોશિયલ મિડિયા પર હેવાલ ફરતા થયા બાદ નાણાં સચિવ રાજીવ કુમારે આ પ્રકારના સોશિયલ મિડિયા પરના સંદેશાઓને ગેરમાર્ગે દોરનાર તરીકે ગણાવીને તેને ફગાવી દીધી હતી. તેમણે કહ્યુ હતુ કે સરકાર તેમનામાં મુડી ઠાલવીને જાહેર ક્ષેત્રની બેંકોને વધારે મજબુત કરવામાં આવનાર છે. એક નિવેદન જારી કરીને રીઝર્વ બેંકે કહ્યુ છે કે ચોક્કસ વાણિજ્ય બેંકોને બંધ કરવાની દિશામાં આરબીઆઇ આગળ વધી રહી છે તેવા હેવાલ બિલકુલ ખોટા છે. હાલમાં બેંકોના મર્જરને લઇને કેટલાક કર્મચારીઓ ભારે નારાજ થયેલા છે. જાહેર ક્ષેત્રોની મોટી બેંકોમાં નાની બેંકોને મર્જ કરવામાં આવી ચુકી છે. બેંકોના મર્જરને લઇને પણ હોબાળો થઇચુક્યો છે. જો કે સોશિયલ મિડિયામાં હેવાલને લઇને રીઝર્વ બેંક દ્વારા સ્પષ્ટતા કરવામાં આવ્યા બાદ આને લઇને ચાલી રહેલી અટકળોનો અંત આવી ગયો છે. સોશિયલ મિડિયાના દુરુપયોગને લઇને વારંવાર હેવાલ આવતા રહે છે. સુપ્રીમ કોર્ટે હાલમાં તેના દુરુપયોગને રોકવા માટે માર્ગદર્શિકા તૈયાર કરવા કહ્યુ હતુ.

Previous articleતીવ્ર વેચવાલી વચ્ચે સેંસેક્સ ૫૦૪ પોઈન્ટ ઘટીને બંધ રહેતા નિરાશા
Next articleમારુતિએ કારના ૧૦ મોડલની કિંમતોમાં ૫૦૦૦ રૂપિયાનો ઘટાડો કર્યો