દેશ ૫ ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનવા તરફ મક્કમતાથી આગળ વધી રહ્યો છે

527

કેન્દ્રીય શિપિંગ (સ્વતંત્ર હવાલો), રસાયણ અને ખાતર રાજ્યમંત્રી શ્રી મનસુખભાઇ માંડવિયાએ આજે ભાવનગર ખાતે ‘અર્થતંત્રને મજબૂત કરવા માટે મોદી સરકારના ઐતિહાસિક પગલા’ વિષય પર એક પત્રકાર પરિષદને સંબોધન કર્યું હતું શ્રી મનસુખભાઇએ જણાવ્યું હતું કે, “મોદીજીના નેતૃત્વમાં દેશ બદલી રહ્યો છે, આગળ પણ વધી રહ્યો છે, વિશ્વની સરેરાશ જીડીપી ૩ ટકા છે, વૈશ્વિક મંદીના માહોલમાં પણ આપણે ૫ ટકાની જીડીપી સાથે વિશ્વથી આગળ છીએ તેમજ આપણું લક્ષ્ય ૭ ટકાને આંબવાનું છે, તેને આપણે ચોક્કસ સિદ્ધ કરીશું.”

મનસુખભાઇએ જણાવ્યું હતું કે, “૨૦૧૪માં ભારત દુનિયામાં સૌથી વધુ ટેક્સ રેટ ધરાવતો દેશ હતો. તેનાથી આપણી કંપનીઓના વિકાસ અને આર્થિક વૃદ્ધિ પ્રભાવિત થતી હતી. વધુ પડતાં ટેક્સ રેટથી આપણી કંપનીઓને વૈશ્વિક કંપનીઓ સાથે આગળ વધવામાં અને તેની સાથે પ્રતિસ્પર્ધા કરવામાં અડચણ ઊભી થતી હતી. પરંતુ હવે કેન્દ્ર સરકારે કૉર્પોરેટ ટેક્સ ઓછો કરીને ૨૨ ટકા કરી દીધો છે. આ ઉપરાંત નવી સ્થાનિક ઉત્પાદન કંપનીઓ માટે કૉર્પોરેટ ટેક્સ ૧૫ ટકા કરી દેવામાં આવ્યો છે. જેનાથી હવે ભારત સૌથી વધુ ટેક્સ ધરાવતા દેશોને બદલે સૌથી ઓછો ટેક્સ ધરાવતા દેશોમાં સામેલ થઈ ગયો છે, તેનાથી મોદી સરકારની મેક ઇન ઇન્ડિયા પહેલને પ્રોત્સાહન મળશે, નવી રોજગારી ઉત્પન થશે.”

સરકારના ૫ ટ્રિલિયન ડોલરના અર્થતંત્રના લક્ષ્યને સિદ્ધ કરવાના વિજન વિશે વાત કરતા શ્રી મનસુખભાઇએ જણાવ્યું હતું કે, “મોદી સરકાર કોઇ પણ લક્ષ્ય નક્કી કરે છે, તો તેની પાછળ એક સુનિશ્ચિત આયોજન કરેલું હોય છે, આ કૉર્પોરેટ ટેક્સ રેટમાં ઘટાડો કરવાથી કંપનીઓ પાસે વધુ ભંડોળ બચશે, કંપનીઓ આ ભંડોળનો ઉપયોગ રોકાણ કરવા માટે કરશે અને તેના કારણે અર્થવ્યવસ્થામાં વધુ રોજગારીનું સર્જન થશે અને પરિણામે ઊંચો વિકાસદર તેમજ ઉત્પાદકતામાં વૃદ્ધિ અને આવકમાં વધારો થશે.” પ્રધાનમંત્રી મોદીની અમેરિકા યાત્રા અને સંયુક્ત રાષ્ટ્રની ૭૪મી સામાન્ય સભામાં પ્રધાનમંત્રી મોદીના સંબોધનની વાત કરતા શ્રી મનસુખભાઇએ જણાવ્યું હતું કે, “આપણે સત્યના પક્ષે ચાલી રહ્યાં છીએ એ જ આપણી વૈશ્વિક તાકાત બની રહી છે, વિશ્વમાં આપણો દરજ્જો વધી રહ્યો છે, આપણે ત્રીજા વિશ્વના દેશોમાંથી હવે પ્રથમ વિશ્વના દેશોમાં સામેલ થઇ રહ્યાં છીએ.” અમેરિકા સાથે આપણા વધી રહેલા સંબંધો અને ચીન-અમેરિકા વચ્ચે ચાલી રહેલા ટ્રેડ વોરની વાત કરતા શ્રી મનસુખભાઇએ જણાવ્યું હતું કે, “આ ટ્રેડ વોરને કારણે અમેરિકાની કંપનીઓ હવે ભારત આવશે કેમ કે ભારત હવે ઓછો ટેક્સ રેટ ધરાવતો દેશ બની ચૂક્યો છે. જેના કારણે વિદેશી ભંડોળ ભારતમાં આવશે. ઉત્પાદન કંપનીઓ દેશભરમાં ફેલાઈ જશે. જેને કારણે વધુ રોજગારીનું સર્જન થશે અને સમગ્ર અર્થવ્યવસ્થાને લાભ પહોંચશે.” આ પ્રસંગે ભાવનગરનાં સાંસદ ભારતીબેન શીયાળ તથા અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યાં હતા.

Previous articleજીતુભાઈ વાઘાણીની હાજરીમાં બોરતળાવ નવા નીર વધામણા કાર્યક્રમ યોજાયો
Next articleભાવેણામાં નવરાત્રીની તૈયારીને આખરીઓપ અપાયો : આજથી પ્રારંભ