રવિ શાસ્ત્રીને કોચ નિયુક્ત કરનારી કપિલ દેવની આગેવાનીવાળી કમિટિને નોટિસ

325

બીસીસીઆઇના આચરણ અધિકારી ડીકે જૈને કપિલ દેવની આગેવાની વાલી ક્રિકેટ સલાહકાર સમિતિને હિતો ટકરાવ સંબંધે નોટિસ મોકલી છે. સીએસીમાં કપિલ દેવ, શાંતા રંગાસ્વાી અને અંશુમન ગાયકવાડ શામેલ છે, જેમણે તાજેતરમાં જ ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચની પસંદગી કરી હતી. તેમના વિરુદ્ધ હિતોના ટકરાવના આરોપ લાગ્યા છે જેના પર તેમણે ૧૦ ઑક્ટોબર સુધી જવાબ આપવો પડશે.

મધ્ય પ્રદેશ ક્રિકેટ સંઘના આજીવન સભ્ય સંજીવ ગુપ્તાએ આ ત્રણેય વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. આ કમિટિએ ઑગસ્ટમાં રવિ શાસ્ત્રીને મુખ્ય કોચ નિયુક્ત કર્યો હતો.

ગુપ્તાએ પોતાની ફરિયાદમાં કહ્યું કે, સીએસી સભ્ય એકસાથે ઘણી બધી ભૂમિકાઓ ભજવી રહ્યાં છે. તેમણે લખ્યું કે, ૧૯૮૩ની વર્લ્ડ ચેમ્પિયન ટીમના કેપ્ટન કપિલ સીએસી ઉપરાંત કૉમેન્ટેટર, ફ્લડલાઈટ કંપનીના માલિક અને ભારતીય ક્રિકેટર્સ સંઘના સભ્ય છે. આ જ રીતે ગુપ્તાએ આરોપ લગાવ્યો કે, ગાયકવાડનો પણ હિતોનો ટકરાવ બને છે, કારણ કે તેઓ એક એકેડેમીના માલિક છે અને બીસીસીઆઇ માન્યતાપ્રાપ્ત સમિતિના સભ્ય છે.

તેમના કહેવા અનુસાર, પૂર્વ ભારતીય મહિલા કેપ્ટન રંગાસ્વામી સીએસી ઉપરાંત આઇસીએમાં પણ છે. સીએસીએ ડિસેમ્બરમાં મહિલા ટીમના મુખ્ય કોચ તરીકે ડબલ્યૂવી રમનની પસંદગી કરી હતી પણ ત્યારે તે તદર્થ સભ્ય હતી.

Previous articleઓસ્ટ્રેલિયાની મહિલા ક્રિકેટ બેથ મૂનીએ બનાવ્યો ટી૨૦ આંતરરાષ્ટ્રીયમાં રેકોર્ડ, એક ઈનિંગમાં ફટકાર્યા ૨૦ ચોગ્ગા
Next articleવિરાટે સ્પિનરોને ટીમમાં જગ્યા આપવી જોઇએઃ સૌરવ ગાંગુલી