વચનામૃતની પ્રમાણભૂતતા – ભૌગોલિક સ્થાનોના આધારે

723

આપણે આધુનિક યુગમાં જીવી રહ્યા છીએ. આધુનિક યુગમાં કોઈ પણ વસ્તુ સિદ્ધ કરવી હોય તો ૧૦૦% પુરાવા હોય તો એ વસ્તુ સિદ્ધ થાય. ગ્રંથની સાબિતી માટે તો એના સ્થાન, એ સ્થાન પર ક્યારે, કઈ જગ્યાએ અને કેટલી વાર એ પ્રસંગ બન્યો. તેના પુરાવા હોવા આવશ્યક છે. તેનાથી શાસ્ત્રને વિશેષ માન્યતા પ્રાપ્ત થાય છે.

મહાભારત  ગ્રંથને ભારતમાં  ખૂબ જ માન્યતા અપાય છે. એ ગ્રંથને અંગ્રજોના કાળમાં ‘મિથ’ ગ્રંથ તરીકે ઘોષિત કરાયો હતો, પરંતુ મહાભારત એ મિથ ગ્રંથ નથી, એ વાત સિદ્ધ કરવા માટે ARCHEOLOGICAL SURVEY OF INDIAએ કુરુક્ષેત્ર, હસ્તિનાપુર અને ઇન્દ્રપ્રસ્થ વગેરે સ્થાનમાં સંશોધન કરીને મહાભારત ગ્રંથ એ ‘મિથ’ નથી, આ વાત સિદ્ધ કરી છે.

વચનામૃતમાં ઉલ્લેખિત તમામ સ્થાનોની હયાતી આજે પણ મળી આવે છે. ભૌગોલિક દ્રષ્ટિએ વચનામૃતમાં ઉલ્લેખિત દેશ, રાજ્ય, નદી, સરોવર, ધાર્મિક સ્થાનો કે ગ્રામ-શહેરો એ જ નામ અને સ્થિતિ અને તે જ સ્થાને મળી આવે છે. નિઃસંદેહ તેમના સ્વરૂપોમાં અવશ્ય વધઘટ થઈ છે, છતાં તેમની મૂળભૂત સ્થિતિ અને વિગત તે જ રૂપમાં મળી આવે છે. તે જ રીતે ભગવાન સ્વામિનારાયણે જે ગામમાં અને જે સ્થાનમાં રહીને વચનામૃત ઉદ્બોધ્યા છે, તે સ્થાનો પર જઈને આજે પણ દર્શન કરી શકાય છે.

વચનામૃતની ભૌગોલિક સ્થિતિને આજના સંદર્ભમાં તપાસવાથી તેની પ્રમાણભૂતતા ચોક્કસ વધે છે. ભગવાન સ્વામિનારાયણે આપેલ ઉપદેશ સાચો છે. તેની પ્રતીતિ પણ આજના બૌદ્ધિકવર્ગને થયા વગર રહે નહીં. ભગવાન સ્વામિનારાયણ જેના દરબારમાં કે ઘરમાં બેસીને ઉપદેશ આપતા તે ઘરો અને દરબાર આજે પણ સચવાઈ રહ્યા છે. વળી, તેમાં રહેનારા જે-તે વંશજોને રૂબરું મળીને આ વાતની ખાતરી કરતાં જણાઈ આવે છે કે તે ઉપદેશ માત્ર સાંપ્રદાયિક નહીં પણ એક વૈશ્વિક ઐતિહાસિક મૂડી છે.

તે સ્થાનોનો પરિચય સંક્ષેપમાં પ્રાપ્ત કરીએ.

ગઢડાઃ-  ગુજરાતમાં બોટાદ જિલ્લાનું ગઢડા નગર આજે પણ એ જ સ્વરૂપ અને આકારમાં યથાવત્‌ છે. ગઢડા નગરમાં પ્રમાણમાં ખુબ જ થોડો આધુનિક રંગ લાગ્યો છે. ભગવાન સ્વામિનારાયણે લગભગ ૨૬વર્ષ અહીં રહીને આ નગરને અતિ પ્રસાદીભૂત કર્યું છે. આજે પણ દાદાખાચરનો દરબાર સારી સ્થિતિમાં છે. આ જ દરબારમાં દક્ષિણાભિમુખે ભગવાન સ્વામિનારાયણે ગોપીનાથ દેવમંદિર બંધાવ્યું હતું. જે આજે પણ એક જાગૃતમંદિર અને મહત્ત્વનું તીર્થસ્થાન છે. કુલ ૨૬૨ વચનામૃતમાં ૧૮૪ વચનામૃત ગઢડાના છે.

સારંગપુરઃ- ગુજરાતમાં બોટાદ જિલ્લાનું સારંગપુર આજે પણ એક ગામડું છે. અહીંના કાઠી દરબાર જીવાખાચરનાં દરબારમાં ભગવાન સ્વામિનારાયણે અવાર-નવાર પધારીને ૧૮ વચનામૃત ઉદ્બોધ્યા હતા. આ સ્થાન આજે પણ એક તીર્થધામ સારંગપુર તરીકે પ્રખ્યાત છે.

લોયા :- લોયા ગામ વર્તમાનમાં બોટાદ જિલામાં રાણપુર તાલુકામાં સ્થિત છે. અહીં સુરાખાચરના દરબારમાં શ્રીહરિએ વચનામૃત ઉદ્બોધ્યા હતા. આ દરબાર આજે પણ ઘણી સારી સ્થિતિમાં છે.

કારિયાણીઃ- ગુજરાતમાં બોટાદ જિલ્લાનું ગામ એટલે કારિયાણી. અહીં વસ્તાખાચારના દરબારમાં બેસીને ભગવાન સ્વામિનારાયણે વચનામૃત ઉદ્બોધ્યાં હતા. આ દરબારગઢ પણ આજે પૂર્ણરૂપે દર્શનીય છે.

પંચાળાઃ- ગુજરાત રાજ્યમાં જૂનાગઢ જિલ્લામાં કેશોદ તાલુકામાં સ્થિત પંચાળા ગામ ભગવાન સ્વામિનારાયણની ચરણરજથી અતિ પ્રસાદીભૂત થયેલું છે. અહીંના ગરાસિયા દરબાર ઝીણાભાઈ સોલંકીના દરબારમાં ભગવાન સ્વામિનારાયણે ૭ વચનામૃત ઉદ્બોધ્યાં છે.

વરતાલઃ- ગુજરાતનું અતિ ઉપજાઉ ચરોતર ક્ષેત્ર આજે પણ અતિ સમૃદ્ધ પ્રદેશ ગણાય છે. અહીં આણંદ જિલ્લામથકનું વરતાલ ગામ જ્યાં ભગવાન સ્વામિનારાયણે પોતાની હયાતીમાં જ પોતાની મૂર્તિપ્રતિષ્ઠા કરી હતી. અહીં આવેલા ગોમતી તળાવનાં કિનારે પણ શ્રીહરિએ વચનામૃત ઉદ્બોધ્યાં હતા.

અમદાવાદઃ- અમદાવાદમાં જયારે અંગ્રેજી રાજ્ય સ્થપાયું અને પ્રથમ કલેકટર શ્રી જ્હોન એન્ડ્રયુઝ ડનલોપે મંદિર માટે જમીન આપી. અહીં શ્રીહરિએ સને ૧૮૨૨માં નરનારાયણ મંદિરની પ્રતિષ્ઠા કરી હતી. આ મંદિરના પરિસરમાં વિવિધ સ્થાનોએ વચનામૃત ઉદ્બોધ્યાં હતા. આજે આ બધાં જ સ્થાનો જળવાઈ રહ્યા છે.

આ રીતે ભૌગોલિક સ્થાનોના આધારે વચનામૃતની પ્રમાણભૂતતા, વચનામૃતની ઐતિહાસિકતાના શિખરે મૂકી દે છે અને આ જ બાબત વચનામૃતને બીજા શાસ્ત્રો કરતા અનેરો ઓપ આપે છે.(ક્રમશઃ)

Previous articleમાતાના મઢમાં ધોધમાર વરસાદ, ૨૦ મિનિટમાં બજારમાં પાણી ફરી વળ્યા
Next articleઆજે સાતમું નોરતુઃ કાલરાત્રી માતાની પૂજા કરવી