ભારતીય સરહદમાં પાક ડ્રોન ઘુસી જતા એલર્ટ જાહેર : સેના સુસજ્જ

1006

પાકિસ્તાન તરફથી ભારતીય સરહદમાં ફરી એકવાર ડ્રોન વિમાન મોકલવાના પ્રયાસ કરવામાં આવતા ખળભળાટ મચી ગયો છે. ભારતીય સરહદમાં પાકિસ્તાની ડ્રોન ઘુસી જતાં બીએસએફને એલર્ટ પર મુકી દઇને ઉંડી તપાસ હાથ ધરવામાં આવી છે. સર્ચ ઓપરેશન વધુ તીવ્ર બનાવી દેવામાં આવ્યું છે. ભારતીય સરહદ પર આ પાકિસ્તાની ડ્રોન સોમવારે મોડી રાત્રે આશરે પાંચ વખત ઉંડાણ ભરતા નજરે પડ્યા હતા. મિડિયા રિપોર્ટ મુજબ એક વખત આ ડ્રોન ભારતીય સરહદમાં પ્રવેશી જતાં તંગદિલી વધી ગઈ હતી. જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા સંસ્થાઓના કઠોર વલણ બાદ પાકિસ્તાન હવે પોતાના ત્રાસવાદીઓને હથિયારોનો પુરવઠો ઉપલબ્ધ કરાવવા નાના ડ્રોનનો ઉપયોગ કરી રહ્યું છે. બીએસએફને એલર્ટ કરી દેવામાં આવ્યા બાદ પંજાબ પોલીસને આ સંદર્ભમાં માહિતી આપી દેવામાં આવી છે. ભારતીય સરહદ પર આ પાકિસ્તાની ડ્રોન વિમાન મોડી રાત્રે નજરે પડ્યા હતા. ભારતીય સરહદમાં પ્રવેશ કરી ગયા બાદ સુરક્ષા જવાનો સાવધાન પણ થઇ ગયા હતા. થોડાક દિવસ પહેલા ભારતીય સરહદ પર ડ્રોનની મદદથી એકે ૩૭ અને ગ્રેનેડ પણ ઉતારવામાં આવ્યા હતા.

ભારતે પાકિસ્તાનમાં બાલાકોટમાં હવાઈ હુમલા કર્યા બાદ પાકિસ્તાની ત્રાસવાદી સંગઠન જૈશના આતંકવાદી કેમ્પોને નષ્ટ કરી દીધા હતા. જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા સંસ્થાઓના કઠોર વલણ બાદ પાકિસ્તાન હવે હથિયારો પહોંચાડવાના પ્રયાસમાં છે. થોડાક દિવસ પહેલા જ પંજાબ પોલીસે કહ્યું હતું કે, સરહદ પારથી જીપીએસ સંચાલિત અનેક ડ્રોન ભારતમાં ઘુસ્યા હતા.

આ ડ્રોન વિમાન ૧૦ કિલોગ્રામ સુધીના વજનના સામાનને લઇને ઉંડાણ ભરી શકે છે. પંજાબ પોલીસના કહેવા મુજબ પાકિસ્તાન ભારતીય સરહદની અંદર એકે-૪૭, હેન્ડગ્રેનેડ અને પિસ્તોલો ઝીંકવા માટે ડ્રોન વિમાનનો ઉપયોગ કરી રહ્યું છે. જો કે, આ ઘટના બાદ ભારતીય સેના અને બીએસએફના જવાનો સાવધાન થઇ ગયા હતા. બે સપ્તાહ પહેલા જ સાઉદી અરબના બે મુખ્ય ઓઇલ પ્લાન્ટ પર ડ્રોન હુમલો કરવામાં આવ્યો હતો. યમનના હુતી બળવાખોરો દ્વારા આ હુમલો કરવામાં આવ્યા બાદ તેની જવાબદારી લેવામાં આવી હતી. સાઉદી અરેબિયાએ આના માટે ઇરાનને જવાબદાર ઠેરવીને આક્ષેપો પણ કર્યા હતા. ગયા મહિને શક્તિશાળી વિસ્ફોટકોથી સજ્જ બે ડ્રોન વિમાન મારફતે વેનેઝુએલાના પ્રમુખ નિકોલસ માદુરોની હત્યા કરવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત કુખ્યાત ત્રાસવાદી સંગઠન ઇસ્લામિસ સ્ટેટે ૨૦૧૪માં ડ્રોનનો ઉપયોગ કરીને ઘણા ઓપરેશનને પાર પાડ્યા હતા. ભારતીય સરહદમાં પાકિસ્તાની ડ્રોન ઘુસી જવાની ઘટના પ્રથમ વખત સપાટી પર આવી નથી. બાલાકોટમાં હુમલા બાદથી પાકિસ્તાન દ્વારા અવિરત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. સુરક્ષા સંસ્થાઓને નુકસાન કરવાની તેની યોજના રહેલી છે.

Previous articleભારતને પ્રથમ રાફેલ જેટ વિમાન સુપ્રત : શક્તિમાં નોંધપાત્ર વધારો
Next articleમોદી સરકાર દેશના હિતમાં કઠોર નિર્ણય કરવામાં સક્ષમ : ભાગવત