પાકની નાપાક હરકત : ફરી અંકુશ રેખા ઉપર ગોળીબાર

365

પાકિસ્તાન તરફથી સરહદપારથી નાપાક હરકતો જારી રહી છે. જમ્મુ કાશ્મીરમાં પાકિસ્તાને સતત યુદ્ધવિરામનો ભંગ જારી રાખ્યો છે. શનિવારના દિવસે પાકિસ્તાને ફરી એકવાર યુદ્ધ વિરામનો ભંગ કરીને જોરદાર ગોળીબાર કર્યો હતો. નાગરિક વિસ્તારમાં ગોળીબાર કરવામાં આવ્યો હતો જેથી લોકોમાં વ્યાપક દહેશત ફેલાઈ ગઈ હતી. જમ્મુ કાશ્મીરમાં યુદ્ધવિરામના અવિરત ભંગ વચ્ચે ગોળીબારથી અંકુશરેખા અને આંતરરાષ્ટ્રીય સરહદ પર તંગદિલી ફેલાયેલી છે. કથુઆના હિરાનગર સેક્ટરમાં ગોળીબાર કરવામાં આવ્યો હતો. જો કે, ભારતીય સેનાએ આનો જડબાતોડ જવાબ આપ્યો હતો. બીએસએફના સુત્રો પાસેથી મળેલી માહિતી મુજબ પાકિસ્તાન તરફથી કોઇપણ ઉશ્કેરણીવગર ગોળીબાર કરાયો હતો.

કથુઆના હિરાનગર સેક્ટરમાં આવાસી વિસ્તારોમાં ગોળીબાર કરતા લોકોમાં દહેશત ફેલાઈ ગઈ હતી અને ઘણા લોકો સુરક્ષિત સ્થળોએ જતા રહ્યા હતા. શનિવારે મોડી રાત્રે ગોળીબારની શરૂઆત કરવામાં આવ્યા બાદ આજે વહેલી પરોઢ સુધી ગોળીબાર ચાલ્યો હતો. શુક્રવારના દિવસે પણ અંકુશરેખા પર પાકિસ્તાને ગોળીબાર કર્યો હતો જેમાં એક જવાનનું મોત થયું હતું. બીજી બાજુ ભારતીય સેનાના નોર્થન આર્મી કમાન્ડર લેફ્ટી જનરલ રણબીરના કહેવા મુજબ એલઓસી નજીક પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીરમાં આશરે ૫૦૦ જેટલા આતંકવાદીઓ ભારતમાં ઘુસણખોરી કરવા માટેના પ્રયાસમાં છે. સિંહે કહ્યું હતું કે, આતંકવાદીઓની સંખ્યા એલઓસી નજીક ટ્રેનિંગ કેમ્પો મુજબ ઓછી અને વધારે હોય છે. તેમની ગણતરી કરવી ખુબ મુશ્કેલ હોય છે. અમારા સુરક્ષા દળો શાંતિ અને સામાન્ય સ્થિતિ જાળવી રાખવા માટે સંપૂર્ણપણે સજ્જ બનેલા છે. પાકિસ્તાન તરફથી જમ્મુ કાશ્મીરમાં કલમ ૩૭૦ની નાબૂદી બાદથી અવિરતપણે ઉશ્કેરણીજનક કૃત્યો જારી રાખ્યા છે. જો કે, તેને સંપૂર્ણપણે સફળતા હાથ લાગી રહી નથી. સુરક્ષા દળો આંતરિક વિસ્તારોની સાથે સાથે અંકુશરેખા અને આંતરરાષ્ટ્રીય સરહદ પર સંપૂર્ણપણે મજબૂતી સાથે છે જેથી આતંકવાદીઓ તેમની ગતિવિધિમાં સફળ સાબિત થઇ રહ્યા નથી. રાજ્યમાં છુપાયેલા આતંકવાદીઓ પણ તેમના કાવતરામાં સફળ પુરવાર થઇ રહ્યા નથી. ત્રાસવાદી ગતિવિધિ ઉપર સંપૂર્ણપણે બ્રેક મુકવામાં ભારતીય સેના અને વહીવટીતંત્રને સફળતા હાથ લાગી છે.

Previous articleવિધવાનું મકાન પચાવી પાડી ફાયનાન્સરોએ ૨૫ લાખ માંગ્યા,૧ની ધરપકડ
Next articleમરિયમ થ્રેસિયાને નિધનના ૯૩ વર્ષ બાદ સંતની ઉપાધી