એઆઈને જેટ ફ્યુઅલ પુરવઠો બંધ કરવા માટેનો નિર્ણય ટળ્યો

402

સરકારી ફ્યુઅલ રિટેલર્સે આજે એર ઇન્ડિયાને જેટ ફ્યુઅલ સપ્લાયને સસ્પેન્ડ કરવાના તેના નિર્ણયને મોકૂફ કરવાનો નિર્ણય કર્યો હતો. એર ઇન્ડિયાએ અગાઉ બાકી રહેલા દેવાની રકમની નિયમિતરીતે ચુકવણી કરવા માટેની ખાતરી આપી હતી. ત્રણ સરકારી ઓઇલ કંપનીઓ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન, હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન, ભારત પેટ્રોલિયમ કોર્પોરેશને તેમના નિર્ણયને હાલપુરતો મોકૂફ કર્યો છે. આ મહિનાની શરૂઆતમાં જ ત્રણેય મહાકાય કંપનીઓએ એર ઇન્ડિયાને એટીએફનો પુરવઠો બંધ કરી દેવાની ધમકી આપી હતી. પેમેન્ટમાં વિલંબના પરિણામ સ્વરુપે દેશમાં છ મોટા વિમાની મથકોએ એર ઇન્ડિયાને પુરવઠો ન આપવા માટેની વાત કરી હતી. એર ઇન્ડિયા પર હાલ જંગી દેવું થયેલું છે. અધિકારીઓના કહેવા મુજબ એર ઇન્ડિયાએ લેખિતમાં ખાતરી આપી છે કે, નિયમિત ગાળામાં પેમેન્ટની ચુકવણી કરી દેવામાં આવશે. એર ઇન્ડિયા દ્વારા આ સંદર્ભમાં ખાતરી આપી દીધી છે. ફ્યુઅલ બિલના ભાગરુપે ૫૦૦૦ કરોડ રૂપિયાથી વધુની રકમની નિયમિત ચુકવણી કરવા માટે એર ઇન્ડિયાએ ખાતરી આપી છે. અગાઉ વિતેલા વર્ષોમાં સરકાર દ્વારા એર ઇન્ડિયામાં નવા પ્રાણ ફૂંકવા તમામ પ્રયાસ કર્યા હતા. ત્યારબાદ એર ઇન્ડિયામાં હિસ્સેદારીને વેચી દેવા માટે પણ તૈયારી બતાવી હતી પરંતુ આની ખરીદીને લઇને કોઇ રોકાણકારો આગળ આવ્યા નહતા. જેથી આ યોજનાને મોકૂફ કરવામાં આવી હતી. ઓઇલ કંપનીઓનું કહેવું છે કે, એર ઇન્ડિયા દ્વારા મહિને ૧૦૦ કરોડ રૂપિયાની ચુકવણી કરવામાં આવી રહી નથી. તેના ઉપર ૫૦૦૦ કરોડથી વધુનું દેવું થયેલું છે. સરકારી ઓઇલ કંપનીઓએ ૧૫મી ઓક્ટોબરના દિવસે કહ્યું હતું કે, એરઇન્ડિયા દ્વારા તેની કટિબદ્ધતાને પાળવામાં આવી રહી નથી. એર ઇન્ડિયા દ્વારા તેના ઉપર થઇ ગયેલા દેવાને ચુકવવા માટે ગંભીરતાપૂર્વક પ્રયાસો હાથ ધર્યા નથી. એર ઇન્ડિયા દ્વારા ૧૦૦ કરોડ રૂપિયા મહિને ચુકવવાની કોઇપણ ગંભીરતા દાખવી નથી. માસિક પેમેન્ટ ઉપરાંત એરલાઈન્સ સામે કેસ એન્ડ કેરીની સમસ્યા પણ પ્રવર્તી રહી છે. સરકાર દ્વારા ગયા વર્ષે હિસ્સેદારી વેચાણની પ્રક્રિયામાં નિષ્ફળતા હાથ લાગી હતી. ત્યારબાદથી ખાનગીકરણની પ્રક્રિયામાં સુધારા કરવામાં આવી રહ્યા છે. અગાઉ મળેલા બોધપાઠના આધાર પર આ સમગ્ર પ્રક્રિયા ચાલી રહી છે. ઓઇલ કંપનીઓનું કહેવું છે કે, ઓવરડ્યુ થયેલા એટીએફના ૫૦૦૦ કરોડ રૂપિયાના દેવાના નિકાલ માટે દર મહિને ૧૦૦ કરોડ રૂપિયા આપવાની એર ઇન્ડિયાએ વાત કરી હતી.

Previous articleIPLના ઇતિહાસમાં પ્રથમ ઘટનાઃ RCB ટીમમાં મહિલા મસાજ થેરાપીસ્ટ જોડાઈ
Next articleદિલ્હી વિધાનસભા અધ્યક્ષ રામનિવાસ ગોયલને ૬ મહિનાની સજા ફટકારાઇ