વિચાર પ્રદેશની વાંસળી સૂર

965

સંગીતની સૂરાવલી આપણને પુલ્કિત કરી દે છે. ગાયન,વાદન અને નૃત્ય પૈકી વાદન સંગીતનો અતિ અગત્યનો પ્રકાર પુરવાર થયો છે, કારણ કે ગાયન અને નૃત્ય કલાની રજુઆતમાં વાદનનું અનેરું પ્રદાન જોવા મળે છે. જેમાં સૂર અને તાલવાદ્યોનો સમાવેશ થાય છે. સૂર વાદ્યોનું ઘણું મોટું લિસ્ટ બની શકે તેમ છે. પણ આપણે તો તેમાંથી પસંદગી વાદ્ય એવું વાસળીના કામણ વિશે જાણકારી મેળવવા પ્રયત્ન કરવો છે. વાંસળી ભગવાન કૃષ્ણનો આત્મા હતો. તેના સૂરોની સૂરાવલી વડે તેઓ સૌ કોઈને મંત્રમુગ્ધ કરી દેતા હતા.

ગોપીઓ ભાન ભૂલી વાંસળીનો સૂર સાંભળી ઘેલી બની જતી હતી. વાંસળીનો છેડાયેલો નાદ એવો તો કર્ણપ્રિય બની જતો હતો કે યમુના નદી પણ માર્ગ આપી દેતી હતી. આપણને એવી અનેક દંતકથા સાંભળવા અને જાણવા મળે છે. શ્રીકૃષ્ણ ભગવાનની મોરલીનો નાદ સાંભળી વૃંદાવનના વ?ક્ષો પણ ડોલી ઊઠતા હતા. ભાન ભૂલેલી ગોપીઓને પોતાની ડાળીઓના વળાંકથી આ વૃક્ષો માર્ગ ચિંધતા હતા. વાંસળીનો નાદ કાને પડતા જ ગોપીઓ અડધી રાતે પણ ઘર છોડી નીકળી પડતી હતી. સંગીતના સૂરોને લાડ લડાવી શકે તેવુ સમર્પણ વાસળીનું જોવા મળે છે. વાસળીનું સ્વરૂપ ધારણ કરવા તે પોતાની જાત અર્પણ કરી ઘા સહન કરી લે છે, શરીરે વીંધાવાનું પસંદ કરે છે. જે દુઃખ સહન કરી શકે છે, તેને આવું સન્માન ભગવાન આપ્યા વિના રહી શકતો નથી.

જેમ સંગીતની વાંસળીના સૂર આપણને આહલાદક પળોમાં વિહાર કરાવે છે. તેમ વિચારોની વાંસળીના સૂર પણ આપણને જીવનરૂપી આનંદ પ્રદેશમાં લઈ જાય છે. આ પ્રદેશ એટલે સોહમ-સોહમના છેડાતા સૂરોનો પ્રદેશ. અહીં માત્ર આનંદ જ પ્રાપ્ત થાય છે. ચિંતા,ભય બધું જ ખોવાય જાય છે. વિચારોની વાંસળીના સૂર તમને જેમ-જેમ સાંભળવાની ટેવ પડવા લાગે છે, તેમ-તેમ વિશાળ માનવ સમુદાય વચ્ચે પણ તમે ઇશ્વરની લીલાના સૂરોનું સંગીત સાંભળવાનો લહાવો ઉઠાવવાનું ચૂકતા નથી. સૃષ્ટિના ઘોંઘાટ વચ્ચે પણ જ્યારે તમે ઇશ્વરનું સંગીત સાભળવાનો આનંદ લેવાની કેળવણી પામી લો છો, ત્યારે ભીતરનું કમાડ ખૂલી જાય છે. જેમ ગંધાતા કીચડ વચ્ચે કમળ પોતાની સુંદરતા મેળવી લે છે તેમ, તમે પણ અનેક અંતરાયો હોવા છતાં ભીતરના ભેરુની મિત્રતા કેળવી વિચારોની વાંસળીના છેડાતા સૂરોનું સંગીત માણી શકો છો.

મારા જીવનમાં આવતા અંતરાયો મને મારા વિચારોની વાંસળીના છેડતા સૂરોના મધુર સંગીતથી અલાયદો કરી શક્યા નથી. હું હંમેશા વિચારોની છેડાતી વાંસળીનો ચાહક બની રહેવા ઈચ્છું છું. પોપ મ્યુઝિકનો લાભ વિચારોની વાંસળી હમણા પરિવર્તનના પગલે વધુ આપવા લાગી છે. આ મ્યુઝિક મને થોડું અપ્રિય જરૂર છે. તેમ છતાં હું તેને સાંભળવાનું કદી ટાળતો નથી. કારણ કે વિચારોની વાંસળી પર તે છેડાયા વિના રહી શકે નહીં. લાગણીનો દુકાળ પડવા લાગ્યો છે. પારકી પીડા આજ-કાલ તમાશો બનવા લાગી છે. મિત્રો,આ વિચારોની વાંસળીનું પોપ મ્યુઝિક છે. સેલ્ફી અને સોશ્યલ મીડિયાએ આપણી માનવતાનો દાટવાળી દીધો છે. એટલું જ નહીં નજીકના સભ્યોથી દૂર કરી દીધા છે. ફેસબૂક પર રોજ લાઈક આપતો મિત્ર અણીના સમયે દેખાતો નથી. સગપણ એક મ્યુઝિયમમાં ફેરવાયું છે. શહીદો અને મહાપુરુષોના મ્યુઝિયમમાં ઊભા કરવાનો રિવાજ લોકો અથવા સરકારના કોઠે પડી ગયા છે. તેના વિચારોની વાંસળીનો નાદ કોઈના કાન સાંભળવા ખુલ્લા હોય તેવું લાગતું નથી. દેખાદેખીથી માનવ મહેરામણ ઊમટી જરૂર પડે છે, પણ વિચારોની વાંસળી ક્યાંય વાગતી નથી.

મારા નજીકના સગાના પીડાના સમાચાર તારીખ ૧૬/૧૦/૨૦૧૯ ને બુધવારના રોજ મારી ઓફીસમાં થોડીવાર પહેલા જ મને મળ્યા હતા. હું મારી વિચારોની વાસળીના સૂરોમાં અટવાય ઇશ્વરની પ્રાર્થનામાં જોડાયો હતો. સંવાદ બરાબર ચાલતો હતો. અચાનક અમારા બે કાર્યકર શ્રી પંકજભાઈ નટુભાઈ ત્રિવેદી અને કનુભાઈ એમ. પટેલ મારી ઓફીસમાં આવી બોલ્યાઃ” આપણી ગાડીને અકસ્માત નડ્યો છે, અમે કુશળ છીએ. થોડી ઇજા પંકજભાઈ અને મને પણ થઈ છે, અમે જેલરોડ ડૉ. તુષારભાઈની હોસ્પિટલ પહોંચીએ છીએ.” અકસ્માત કરનાર સામાવાળાનો એક માણસ આવીને અમારા ડ્રાઈવરને ધમકાવવા લાગ્યો. તે પોતે જાણે દૂધે ધોયેલો હોય તે રીતે તે વર્તી રહ્યો હતો. થોડો તોડ કરવાની મહેચ્છાથી તે માથાકૂટ કરી રહ્યો હતો. તેની વાત કરવાની શૈલી જોતા તે દાદાગીરી કરતા લોકોના ગ્રૂપનો સભ્ય લાગતો હતો. આવા સમયે મારું ત્રીજું નેત્ર ખૂલ્યા વિના શાંત રહી શકે નહીં. મેં તેને જે રીતે અકસ્માત થયો હતો. તે જોતા વાંક તમારો દેખાય છે. સાંભળી પેલો માણસ ધુઆંપુઆં થતો બોલ્યો “તમે આ અંગે મારા ભાઈ સાથે ચર્ચા કરી લેજો”. મેં કહ્યુંઃ”તેના બાપ સાથે પણ હું ચર્ચા કરવા તૈયાર છું.” સાંભળી પેલાનો મિજાજ ગયો. તે થોડીવારમાં દસ-બાર માણસોનું ટોળું લઈ આવી પહોંચે. તે પહેલા મેં થોડા ઉપયોગી થઈ શકે તેવા માણસોને મારી ઓફીસે આવી જવા બોલાવવા ફોન જોડ્યો. જેમાં એકાદ પોલીસ મિત્ર પણ હતા. કમનસીબે કોઈનો ફોન ઉપડ્યો નહીં. જેમણે ફોન ઉઠાવ્યો હતો. તેઓ બહારગામ હતા. મારું કામ પતે તે પહેલાં મારી શંકા મુજબ દસ-બાર માણસોનું ટોળુ મારી ઓફીસમાં ઘુસી ગયું. સંવાદ કહેવો કે વિસંવાદ તે મારી બુદ્ધિ નક્કી કરી શકતી નથી. અજ્ઞાની અને અભણ લોકો ગાજ્યા જાય તેવા હોતા નથી. જ્ઞાની સાથે ચર્ચા કરવાનું ખૂબ સરળ છે. અજ્ઞાની સાથે કામ પાડવું લોઢાના ચણા ચાવવા જેવું અઘરું હોય છે. મારો ઉછેર ગામડાગામમાં થયો હોવાથી મને આ અનુભવ જાણે અજાણે મળ્યો છે. અમને બિવડાવાના પેતરા સાથે આવેલા આ લોકો લડી લે તેવા લાગ્યા હતા. મને આવા લોકોની શાન ઠેકાણે લાવતા આવડે છે. મારા આ કાર્યમાં કીર્તિભાઈ ઇટાળિયા, જયસુખગિરિ ગૌસ્વામી તેમજ ઘનશ્યામભાઈ બારૈયા સહાયભૂત થયા હતા. મામલો સમાધાન પર જઈ પહોંચ્યો. શાળાની ગાડીનો ફૂલ વીમો હોવાથી શાળાને કોઈ આર્થિક નુકસાન થયું નહીં. બધું હેમખેમ પતી ગયા પછી જે મિત્રોના ફોન ઉપડ્યા ન હતા, તે દરેક મિત્રોના એક પછી એકના ફોન પણ આવ્યા. મેં મારા મિત્રોને કહ્યુંઃ “જણનારીમાં જોર હોય તો સુયાણી ન હોય તો પણ બાળક જન્મ લઈ શકે છે.તમારી ખૂબ જરૂર હતી, પણ શું થાય? ફોન નો રિપ્લાય આવતો  હતો.”

મારા વિચારોની વાંસળીના સૂરોનું સંગીત સ્પષ્ટ નાદ આપી કહે છે. “તું ફિકર કયું કરે પ્રાણી “તેરા ભંડાર ભરેગા રામ”. શબ્દનાદ ઘણું કહી જાય છે. આપણે ફિકર કારણ વિનાની કરવા લાગીએ છીએ. અકસ્માતમાં ગાડીને થયેલુ નુકસાન જોતા તે જીવલેણ હશે તેમ લાગે પણ ભગવાને આબાદ બચાવી લઈ. નિરંતર મારી જાણે અજાણે ચાલતી પ્રાર્થના ઇશ્વર સાંભળતો રહેતો હશે તેમ મને લાગે છે. ઇશ્વર ખૂબ દયાળુ છે. થોડા સમય પહેલા અમારા પાયાના મોભી કાર્યકર શ્રી કીર્તિભાઈ શાહની અચાનક આવી પડેલી બીમારીમાંથી આબાદ બચાવ કર્યો હતો. આને હું સંસ્થાનું નસીબ ગણું છું. બાકી તો જાણીતા કવિ પ્રદીપજી કહે છે. “કોઈ લાખ કરે ચતુરાય કરમ કા લેખ મીટે ના રે ભાઈ”. મને આ બધી પંક્તિઓનો સૂર સંભળાતો રહે છે. ઇશ્વરના સંગીતમાં કેટલી તાકાત છે. એક વેણુનો નાદ મૃત્યુ પામેલા મૃગને બેઠો કરી શકે છે.

એક બ્રામ્હણ હતો. તે તેની પત્ની બ્રામ્હણીએ ખૂબ ચાહતો હતો. બ્રાહમણી જે કહે તેમ તે પ્રેમ ખાતર કરવા તૈયાર થઈ જતો હતો. બ્રામણીએ તેની પરીક્ષા કરવા બાણવિદ્યા શીખી લાવવા કહ્યું”.બ્રાહમાણ બાણ વિદ્યામાં પારંગત થઈ ગયો. એક દિવસ બ્રાહમણીએ તેની પરીક્ષા કરવા મૃગનો શિકાર કરી તેને ઉપાડી પોતાની પાસે લઈ આવા હઠ પકડી. બ્રાહમણ કહે આપણાથી શિકાર કરાય નહીં, આપણે તો હોમહવન કરવાના હોય. બ્રાહમણી પોતાની હઠ છોડવા તૈયાર થતી નથી. આખરે બ્રાહમણ શિકાર કરવા નીકળી પડે છે. દૂર જંગલમાં મૃગનો શિકાર કરવા જવા છતાં મૃગલા ઝપટમાં આવતા નથી. આખરે બ્રાહમણ થાકી લોથપોથ થઈ જાય છે. રાજા ભોજ પોતાની આદત મજુબ વેશપલ્ટો કરી શિકાર કરવા નીકળે છે. તે બ્રાહમણને થાકેલો જોઈ તેની પાસે આવી પહોંચે છે. તે પૂછે છેઃ “બ્રહ્મદેવ હું આપની શી સેવા કરી શકું? રાજાએ બ્રાહમણને કહ્યું બ્રાહમણ હાથ જોડી બોલ્યોઃ”હે મહાશય, મારી પત્ની હઠ લઈ બેઠી છે. મારે મ?ગનો શિકાર કરી તેની પાસે લઈ જવાનો છે. હું તેમ નહિ કરી શકુ તો તે નારાજ થઈ મને ધિક્કારી શાપ આપશે”. સાંભળી રાજા ભોજ બોલ્યાઃ “હે બ્રહ્મદેવ, હું વેણુ છેડું છું. સાંભળી મૃગલાના ટોળા આવશે. તમે તેના પર બાણ ચલાવી શિકાર કરી લેજો. તેમ કરી તમે તમારી પત્નીને રીજવી શકો છો”. રાજાએ વેણુ છેડી. મૃગલાના ટોળા આવ્યા. બ્રાહ્મણે બાણ ઉપાડ્યું પણ તીર ખાલી ગયું. મ?ગલાઓ ભાગી ગયા. આ રીતે બે ત્રણ વખત થયું છતાં બ્રામ્હણ નિશાન મુજબ તીર ચલાવી શક્યો નહિ. આખરે રાજાને સમજ પડી ગઈ કે, બ્રામ્હણ નિશાન ચૂકી જાય છે. વેણુ છેડતા પહેલા રાજા ભોજે પણ પોતાનું બાણ તૈયાર કરી લીધું. વેણુ વાગતા જ મૃગલાના ટોળા આવી પહોંચ્યા. બ્રાહમણની સાથે રાજા ભોજે પણ પોતાનું તીર ચલાવ્યું. એક મૃગ ઘવાય છે. થોડીવારમાં તે મૃત્યું પામે છે. બ્રાહમણ રાજી થઈ દોડ્યો. તેને એમ હતું કે પોતાના તીરથી મ?ગ મ?ત્યું પામ્યો છે. તે મ?ગલાને ઉપાડી બ્રાહમણી પાસે લાવે છે. બ્રાહમણને શિકાર કરી આવેલો જોઈ બ્રાહમણી બોલી ઊઠે છેઃ “આ શિકાર તમારા હાથે ઘવાયો નથી, હું તેને અંજલી છાંટી કહુ છું. તને જો રાજા ભોજનું તીર વાગ્યું હોય તો ઊઠીને જતો રહજે, પણ મારા પતિનું તીર તને વાગ્યું હોય તો તું સૂતો રહેજે” બ્રાહમણીનો શબ્દ સાભળતા જ મૃગલો કૂદીને જતો રહ્યો.

બીજા દિવસે રાજા ભોજે મોટી સભા ભરી. સભામાં આવેલા લોકોને અને પંડિતોને ઉદ્દેશી રાજા ભોજે કહ્યુંઃ “બોલો તમારી દ્રષ્ટિએ બ્રહ્મ ભલો કે રા” બધા વિચારમાં પડી ગયા. એક પંડિતે એક દિવસની મહેતલ માગી જવાબ આવતી કાલે આપવા રાજાની સંમતિ મેળવી. બીજા દિવસે પણ આગલા દિવસની જેમ સભામાં આવેલા લોકો અને પંડિતોને રાજાએ પૂછ્યુંઃ “બોલો બ્રહ્મ ભલો કે રા” ગઈ કાલે મહેતલ માગી હતી તે પંડિત નમસ્કાર કરી બોલી ઉઠ્યાઃ “હે રાજન બ્રહ્મ પણ ભલો નથી અને રા’ પણ ભલો નથી. ભલી તો છે પેલી બ્રાહ્મણી, જેમણે અડધી રાતે ઓળખ્યો ઘા” સાંભળી રાજા ભોજ ખુશ થઈ ગયા. તેમણે પંડિતને મોટુ ઇનામ આપી વિદાય આપી. રાજા ભોજને એમ હતુ કે હું મહાન કે પેલો બ્રાહમણ મહાન. આ વાતનો ઉકેલ મેળવવા તેમણે સભા બોલાવી પૂછ્યું ” બ્રહ્મ ભલો કે રા” જવાબ બુદ્ધિશાળી પંડિતે આપ્યો. એટલે પ્રકરણ પૂરું જરૂર થઈ જાય છે. પણ મારા વિચાર પ્રદેશની વાંસળીના સૂર છેડાતા જ રહેવાના કારણ કે મને ઘણી વેળાએ મારું પરાક્રમ દેખાતું હોવાનો ઊભરો આવે પણ મને રાજા ભોજ જેવો કોઈનો છુપો ટેકો હોય છે. તે વાતનો અનુભવ ડગલે ને પગલે થતો રહે છે. તેથી મારી જાતને જસનો બોજો નહિ ઉઠાવા હું સમજાવતો રહુ છું. આપણે પેલા બ્રાહમણની જેમ આપણી જાતને ફૂલી ને ફાળકો થતા રોકી શકતા નથી. માટે આપણે વિચાર પ્રદેશની સૂરીલી વાંસળીના સૂરોની સૂરાવલી માણી શકતા નથી.

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleભાવનગરથી પ્રકાશિત થતું બ્રહ્મ સ્વામી મેગેઝીનનું વિમોચન